રાજા મહાબળ

ઋષભદેવ ભગવાન, વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થંકર હતા, તેમના આગળના ભવોની વાર્તા સાંભળીએ. સમ્યક્ દ્રષ્ટિ મળ્યા પછીના ચોથા ભવની આ વાત છે. સતબળ રાજા અને સ્વ્યંપ્રભા રાણીને ત્યાં બાળકનો જન્મ થયો. આ બાળકનું નામ રાખ્યું મહાબળ. નામની જેમ એમનામાં ખૂબ બળ હતું. એમણે ઘણી બધી વિદ્યાઓ પણ મેળવેલી. લાડકોડથી ઉછરેલા રાજકુંવર હવે યુવાન થયા. એમના માતા-પિતાને હવે વિશ્વાસ હતો કે મહાબળ રાજ સંભાળી લેશે. તેથી તેમણે ભગવાન પાસે દીક્ષા લીધી અને સાધના કરવા જંગલમાં ચાલી નીકળ્યા. આમ હવે મહાબળ રાજા બન્યા.

મહાબળ રાજાને પાંચ-છ મંત્રીઓ હતા. તેમાંના ફક્ત એક મંત્રી સ્વ્યંબુદ્ધ સિવાયના બધા મંત્રીઓ બહુ જ આડા રસ્તે હતા. એટલે કે ભોગ-વિલાસમાં રાચતા, મોજ-શોખમાં જીવન વિતાવતા અને એ બધાનો પ્રભાવ રાજા મહાબળ પર પણ પડ્યો અને રાજા પણ ભોગ-વિલાસમાં તરબોળ બન્યો. હવે રાજા આવા હોય તે રાજ્યમાં અંધાધૂંધી ફેલાય જ. આ બધું મંત્રી સ્વ્યંબુદ્ધથી સહન નહોતું થતું. સ્વયંબુદ્ધ મંત્રી ખૂબ જ સાત્વિક અને ધાર્મિક હતા.

એમને સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હતી. તેથી મોક્ષના જ ધ્યેય સાથે જીવતા અને મંત્રી તરીકેની પોતાની ફરજો પણ બજાવતા.એક દિવસ સ્વ્યંબુદ્ધ મંત્રી મુનિના દર્શન કરવા ગયા. આ મુનિને અવધિજ્ઞાન હતું.

અવધિજ્ઞાન એટલે એમને ઘણા બધા કાળ પહેલાનું અને પછીનું બધું દેખાય. (સતયુગમાં આવા જ્ઞાન સંભવિત હતા).મંત્રીએ મુનિને પોતાના હૃદયની વ્યથા કહી કે અમારા રાજા આવા છે તો રાજ્યનું શું થશે, એનો મને બહુ ભાર રહે છે. એટલે મુનિને તો અવધિજ્ઞાન વડે બધું દેખાય એટલે એમણે કહ્યું, "તમારા રાજાનું હૃદય પરિવર્તન થશે અને એ ખૂબ ઊંચો જીવ થશે. રાજા હવે માત્ર એક જ મહિનો જીવવાના છે." આ સાંભળી મંત્રીએ કહ્યું, "હે રાજન, તમે આ ભોગ-વિલાસમાં પડ્યા છો, તે ખોટું કરી રહ્યા છો. આ બધું વિનાશી છે. આ બધાનો અંત આવવાનો છે. તમે પોતાના આત્મા માટે સાધના કરો." રાજાએ જવાબ આપ્યો, "સાધના ઘડપણમાં કરીશ. હમણાં તો યુવાની છે. મને માણવા દો." મંત્રીએ રાજાને સમજાવવા મુનિ મહારાજની બધી વાત કરી. પોતાનું મૃત્યુ નજીક જ છે સાંભળી રાજા તથા બીજા મંત્રીઓ ચમક્યા.

રાજાને પોતાના બધાં પાપો આંખ સામે તરવા લાગ્યાં. હવે કેમ છૂટાશે તેની મથામણ થવા લાગી.સ્વ્યંબુદ્ધ મંત્રી જેને સમ્યક્ દ્રષ્ટિ મળીતી, તેમણે રાજાને સમજાવતા કહ્યું, "રાજા, ચિંતિત ના થશો, આપણાથી જે જે પાપ થયાં હોય તે બધાનાં જો ખરા હૃદયના પસ્તાવા સાથે માફી માંગી લેવાય તો બધા પાપોમાંથી છૂટી જવાય તેમ છે." રાજાએ તો પાપનું પ્રતિક્રમણ શરૂ કરી દીધું. અને બધાને યાદ કરી કરીને માફી માંગીને છૂટી ગયા અને એક મહિના પછી મૃત્યુ પામીને દેવગતિમાં જન્મ પામ્યા.

માટે મિત્રો,
1)મોટા થઈને જ ધર્મ કરાય એવી માન્યતામાં ન રહેવાય, કારણ કે મરણ ગમે ત્યારે આવી શકે એમ છે.
2)થઈ ગયેલાં પાપોની ખરા હૃદયપૂર્વક માફી માંગીએ તો બધાં પાપો ધોવાઈ જાય.