kids.dadabhagwan.org
Main Website
Menu
 

Stories

મહાત્મા ગાંધીજી ની પ્રમાણિકતા

સત્ય બોલવું એ પણ એક પ્રમાણિકતા જ છે. જેમનું જીવન જ એક સંદેશ હતો તેવા બાપુના જીવનથી સૌ કોઈ પરિચિત છે, બાળમિત્રો, આજે આપણે બાપુના જ શબ્દોમાં, એમણે લખેલી એમની આત્મકથા 'સત્યના પ્રયોગ' પુસ્તકમાંથી આ વાત જાણીએ.
"મારા કાકાને બીડી પીવાની ટેવ હતી. તેમને ધુમાડો કાઢતા જોઈ મને અને મારા એક ભાઈને પણ ફૂંકવાની ઈચ્છા થઈ. પૈસા તો અમારી પાસે ન મળે, એટલે કાકા બીડીનાં ઠૂંઠા ફેંકી દે તે ઠૂંઠાની ચોરી કરવાનું અમે શરૂ કર્યું.

Mahtama gandhi1

પણ ઠૂંઠા કંઈ દર વખતે મળી ન શકે અને તેમાંથી બહુ ધુમાડોય ન નીકળે. એટલે નોકરની ગાંઠમાંથી બે-ચાર પૈસાની ચોરી કરતા ને બીડી ખરીદતા. પણ એને સંઘરવી ક્યાં? એ સવાલ થઈ પડયો. વડીલોના દેખતાં તો બીડી પીવાય જ નહી એ ખબર હતી. જેમ તેમ કરીને થોડા અઠવાડિયા ચલાવ્યું. તે દરમિયાન મેં સાંભળ્યું કે એક જાતના છોડ(તેનું નામ તો ભૂલી ગયો છું) થાય છે, તેની ડાળખી બીડીની જેમ સળગે છે ને તે પી શકાય. અમે તે મેળવીને ફૂંકતા થયા !

પણ અમને સંતોષ ન થયો. અમારી પરાધીનતા અમને સાલવા લાગી. છેવટે અમે બન્નેએ એંઠી બીડી ચોરીને પીવાની તેમ જ નોકરના પૈસા ચોરીને તેમાંથી બીડી લઈ ફૂંકવાની ટેવ છોડી દીધી.
બીડી પીવા કરતાં બીડીઓના ઠૂંઠા ચોરવા અને તે માટે નોકરના પૈસા ચોરવા એ દોષને હું વધારે ગંભીર ગણું છું. આ ઉપરાંત બીજો પણ એક ચોરીનો દોષ થયો. બીડીનો દોષ થયો ત્યારે મારી ઉંમર બાર-તેર વર્ષની હશે, કદાચ તેથીએ ઓછી.

અને આ ચોરી વેળાએ ઉંમર પંદર વર્ષની હશે. આ ચોરી મારા ભાઈના સોનાના કડાના કકડાની હતી. તેમણે નાનું સરખું, એટલે પચીસેક રૂપિયાનું કરજ કર્યું હતું. એ કેમ પતાવવું એનો અમે બન્ને ભાઈ વિચાર કરતા હતા. મારા ભાઈને હાથે સોનાનું કડું હતું. તેમાંથી એક તોલો સોનું કાપવું મુશ્કેલ નહોતું. કડું કાપીને એટલું સોનુ વહેચ્યું અને કરજ પૂરું કર્યું.

પણ મારે માટે આ વાત અસહ્ય થઈ પડી. હવે ચોરી ન જ કરવાનો મેં નિશ્ચય કર્યો. પિતાજીની પાસે કબૂલ પણ કરી દેવું જોઈએ એમ લાગ્યું.જીભ તો ન ઊપડે. પિતાજી મને મારશે એવો ડર નહોતો. પણ તેઓ દુઃખી થશે, કદાચ માથું કૂટશે તો ? એવો વિચાર આવ્યો. પણ એ જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ, તે વિના શુદ્ધિ નહીં થાય એમ લાગ્યું.

છેવટે ચિઠ્ઠી લખીને દોષ કબૂલ કરવો ને માફી માંગવી એવો મેં નિશ્ચય કર્યો. મેં ચિઠ્ઠી લખીને પિતાજીને હાથોહાથ આપી. ચિઠ્ઠીમાં બધો દોષ કબૂલ કર્યો ને સજા માંગી. પોતે પોતાની ઉપર દુઃખ ન વહોરી લે એવી આજીજીપૂર્વક વિનંતી કરી અને ભવિષ્યમાં ફરી એવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા કરી.

મેં ધ્રુજતા હાથે આ ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી. હું તેમની પાટની સામે બેઠો. આ વેળાએ તેઓ પથારીવશ હતા. તેમણે ચિઠ્ઠી વાંચી. આંખમાંથી આંસુ ટપક્યાં. ચિઠ્ઠી ભીંજાઈ. તેમણે ક્ષણવાર આંખ મીંચી અને પછી ચિઠ્ઠી ફાડી નાંખી. ને પોતે વાંચવા માટે બેઠાં થયા હતા તે પાછા સૂતા.

હું પણ રડયો. પિતાજીનું દુઃખ સમજી શક્યો. એ આંસુના પ્રેમબાણે મને વીંધ્યો. એ પ્રેમ તો જેણે અનુભવ્યો હોય તે જ જાણે.
પિતાજી ક્રોધ કરશે, કટુ વચન સંભળાવશે, કદાચ માથું કૂટશે, એવું મે ધાર્યું હતું. પણ એમણે આટલી અપાર શાંતિ જાળવી તેનું કારણ દોષની નિખાલસ કબૂલાત હતી એમ હું માનું છું. મારા એકરારથી પિતાજી મારા વિષે નિર્ભય થયા અને મારા પ્રતિ તેમની લાગણી ખૂબ વધી ગઈ.

Mahtama gandhi2

 જોયું બાળમિત્રો,ગાંધીજીએ એમનાથી થયેલી અપ્રમાણિકતાનો કેવો પશ્ચાતાપ કર્યો, પિતાજી સામે પોતાના દોષની કબૂલાત કરી, અને ફરી ક્યારેય એ દોષ ન કરવાનો નિશ્ચય કર્યો અને છેક સુધી તેમણે એ નિશ્ચયને પાળ્યો.

તો આવો, આપણે પણ નક્કી કરીએ કે ભૂતકાળના કોઈ પણ પ્રસંગોમાં આપણે અપ્રમાણિક થયા હોય તો એનું દિલથી પ્રતિક્રમણ કરી લઈશું. હવે, ફરી ક્યારેય અપ્રમાણિક નહી થઈએ એવો સ્ટ્રોગ નિશ્ચય કરીએ અને તે માટે પરમ પૂજ્ય દાદા ભગવાન પાસે ખૂબ શક્તિ માંગીએ.

 

Also Learn & Enjoy this animation !

 

 
Copyright © 2007- Dada Bhagwan Foundation