રૂક્ષ્મણીનું વળતર

 ઘણા વર્ષો પહેલાની વાત છે. શ્રીકૃષ્ણ ભગવાનના મહેલમાં આનંદ આનંદ છવાઈ ગયો છે. ક્રુષ્ણ ભગવાનના પત્ની રૂક્ષ્મણી દેવીને ત્યાં બાળકનો જન્મ થયો છે. ત્યાં અચાનક બાળક અદ્રશ્ય થઈ જાય છે. બાળકનું અપહરણ થઈ ગયું !! આખું વાતાવરણ બદલાઈ ગયું. રૂક્ષ્મણી દેવી ખૂબ જોરથી રડવા લાગ્યા. બધી દાસીઓ એમને શાંત પાડવા પ્રયત્નો કરે છે. કૃષ્ણ ભગવાન પાસે પણ ઈલાજ નહોતો કે શું થયું ને કેમ થયું. ત્યાં અચાનક ...

 "નારાયણ, નારાયણ." નારદમુનિ આકાશમાં ઊડતા ઊડતા મહેલમાં આવ્યા. રૂક્ષ્મણી દેવી પાસે શું વાત બની, એ પૂછવા લાગ્યા. રૂક્ષ્મણી દેવીથી તો રહેવાયુ જ નહીં. વિનંતી કરતા એમણે કહ્યું, "મારો પુત્ર લાવી આપો." નારદમુનિએ વિશ્વાસ આપતા કહ્યું કે તેઓ હમણાં જાણી લાવે છે.

  આવું કહી નારદમુનિ આકાશમાં ઊડીને મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી પાસે પહોંચી ગયા. પ્રભુને વંદન કરી, બધી વાત કહી અને પ્રભુને પૂછ્યું કે, "પ્રભુ હકીકત શું છે?" સીમંધર સ્વામી તો કેવળજ્ઞાની, એટલે કે એમને આખા બ્રહ્માંડ નું એક એક પરમાણું, ત્રણે કાળનું બધું દેખાય. એ દ્રષ્ટિના ઉપયોગથી એમને જોયું અને કહ્યું...

 "પૂર્વ ભવમાં રૂક્ષ્મણી દેવી બ્રાહ્મણી હતા. એકવાર તેઓ જંગલમાં ગયાં હશે. ત્યાં એમણે એક મોરનું બચ્ચું જોયું. એ જોતાં જ એમને ગમી ગયું. એટલે એ તો એને લઈને ઘરે આવી ગયાં. ત્યાં જંગલમાં એ બચ્ચાની માં, પોતાનાં બચ્ચાને શોધવા લાગી. થોડીવાર પછી પણ ન મળતા એને ખૂબ આઘાત લાગ્યો. બધે ભટક ભટક કરતી શોધવા લાગી. એકવાર એ શોધતા શોધતા ગામમાં આવી ગઈ. વેદનાથી રડતી રહી. પણ પેલી બ્રાહ્મણીને તો એની જરા પણ અસર ન થઈ. એ તો પ્રેમથી મોરના બચ્ચાંને ઉછેરતી હતી. ગામવાળા લોકોએ પણ એને ઘણી સમજાવી. આમ કરતાં કરતાં ૧૬ મહિના વીતી ગયા. પેલી મોરની માં તો રોજ પોતાના બાળકને શોધતી. આખરે ૧૬ મહિના પછી બ્રાહ્મણીને દયા આવી. એ મોરના બચ્ચાંને એની માં પાસે મૂકી આવી.

  આ પાપના આધારે આ ભાવમાં રૂક્ષ્મ્ણીમાતાને પોતાના પુત્રનો વિરહ ભોગવવાનો આવ્યો છે. એક દેવ એના બાળકને અપહરણ કરી લઈ ગયો છે. એનું નામ પ્રદ્યુમન મળ્યું છે. હવે ૧૬ વર્ષ પછી એ બાળક એની માતાને મળશે.

 નારદમુનિથી રહેવાયું નહીં. એમણે પૂછ્યું, "૧૬ મહિનાના ગુનાની સજા ૧૬ વર્ષ ?" સીમંધર સ્વામીએ સમજાવતા કહ્યું. " હા, આ ભાવમાં જે પાપ કરીએ એનું ફળ આવતા ભાવમાં ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ભોગવવું પડે છે."

 સમાધાન થતાં, સીમંધર સ્વામી પાસેથી નારદમુનિ રૂક્ષ્મ્ણી દેવી પાસે આવે છે અને એમને બધી વાત કરે છે. રાણીને પોતાની ભૂલનો પ્રશ્ચાતાપ થાય છે પણ પોતાનું બાળક સલામત હતું તે જાણીને શાંતિ થાય છે.

મોરલ :- જોયું મિત્રો, પૂછ્યા વગર કોઇની વસ્તુ લઈએ તો બીજા ભવમાં વ્યાજ સાથે ચૂકવવું પડે.