રાજા રાવણ

રાજા રાવણને તો તમે જાણો છો. પણ આજે એમના વિશેની એક સુંદર વાત તમને કરીએ જે તમે નહીં જ જાણતા હો. એક દિવસ રાજા રાવણ પુષ્પક નામના વિમાનમાં બેસીને પોતાની પત્ની મંદોદરી સહિત અષ્ટાપદ તીર્થે ગયા. એ તીર્થ પર ભરત રાજાએ એક સુંદર જિનાલય બંધાવ્યું હતું. ત્યાં રાજા રાવણે પોતાના સમુદાય સહિત શિવ ભગવાનની પૂજા કરી. એમને હૃદયમાં ખૂબ ભક્તિભાવ જાગૃત થયો. એમણે વીણા મંગાવી. હાથમાં વીણા લઇ તેઓ ભાવથી ભક્તિ કરવા બેઠા. તેવામાં નાગપતિ ધરણેન્દ્ર ત્યાં આવી ચોવીસ તીર્થંકરોને નમસ્કાર કરી રાવણ પાસે બેઠા. રાવણે એમને અષ્ટાપદ તીર્થનું મહત્વ પૂછ્યું. નાગપતિએ એમને અષ્ટાપદ તીર્થનું મહત્વ કહ્યું. તે સાંભળી રાવણના હૃદયમાં જાગૃત થયેલો ભક્તિભાવ ખુબ વધી ગયો. તેઓ ઘણા હર્ષથી ભક્તિ કરવા લાગ્યા. તેઓ વીણા વગાડતાં ભક્તિમાં તરબોળ થવા લાગ્યા. જાણે ભગવાન સાથે એક તાર થઇ ગયા હતા.

થોડી વારમાં અચાનક વીણાની એક તંત્રી ( તાર) તૂટી ગઈ. વીણા વાગતી અટકી ગઈ અને એમની આંખો ખુલી ગઈ. ત્યારે ‘અહો ! આ ભાવ ભક્તિનો ભંગ ન થાઓ.’ એમ વિચારીને તત્કાળ રાવણે જાણે તંત્રી તૂટી જ નથી એમ પોતાના હાથમાં ચીરો મૂકી નસ કાઢીને વીણામાં સાંધી દીધી અને ફરી ભકિતમાં મગ્ન થઇ ગયા. એમની તીર્થંકરો પ્રત્યેની ભક્તિ એટલી ઊંચી દશાએ પહોંચી કે એમણે ‘તીર્થંકર નામકર્મ’ બાંધ્યું. એ જોઈ દેવોએ પણ પુષ્પવૃષ્ટિ કરી એમની પ્રશંસા કરી. ‘તીર્થંકર નામકર્મ’ એટલે ભવિષ્યમાં તેઓ તીર્થંકર થાય.

જોયું મિત્રો, ભાવ બગડવાથી અધોગતિ થાય છે એમ ભાવ ઊંચા જવાથી જ ઉર્ધ્વગતિ થાય છે. રાજા રાવણ આવતી ચોવીસીમાં તીર્થંકર થવાના છે. માટે દશેરાના દિવસે એમના પૂતળા ના બળાય કે એ જોઇને ખુશ પણ ના થવાય.