મહર્ષિ અરવિંદ ની પોઝીટીવ દ્રષ્ટિ

મહર્ષિ અરવિંદ ઘોષ આપણા દેશના જાણીતા સ્વાતંત્ર્ય સેનાની તથા જાણીતા તત્વચિંતક હતા. તેઓ વડોદરામાં ઈ.સ. ૧૮૯૪ થી ૧૯૦૬ દરમિયાન મહારાજા સયાજીરાવ ગાયકવાડના અંગત સચિવ તરીકે રહ્યા હતા. ચાલો, આપણે શ્રી અરવિંદના બાળપણની થોડી વાતો જાણીએ.
શ્રી અરવિંદ નાનપણથી જ ખુબ તેજસ્વી હતા. એમના પિતાજીએ અરવિંદ અને એમના બીજા બે ભાઈઓને માન્ચેસ્ટરમાં એમના મિત્ર મિસ્ટર ડ્યુએટને ત્યાં ભણવા મોકલ્યા.

થોડા સમય સુધી અરવિંદ અને તેમના ભાઈઓએ મિસ્ટર ડ્યુએટ પાસેથી શિક્ષણ મેળવ્યું. પણ સંજોગોનુસાર થોડા સમય પછી ડ્યુએટ અને તેમનાં પત્નીને ઓસ્ટ્રેલિયા જવાનું થયું. આથી તેમણે લંડનમાં એક ઘર ભાડે લીધું અને તેમાં પોતાની વૃદ્ધ માતાની સાથે આ ત્રણેય ભાઈઓની રહેવાની વ્યવસ્થા કરી.

ત્રણેય ભાઈઓ લંડનમાં દાદીમાની સાથે રહેતા હતા. એમના પિતાજી દેશમાંથી નિયમિત પૈસા મોકલી શકતા ન હતા. ઘણીવાર તો મહિનાઓ વીતી જાય તો પણ પૈસા આવતા નહીં. પરંતુ દાદીમાં હતાં એટલે ખાવા-પીવાનો કંઈ વાંધો આવતો ન હતો. આમ ત્રણ વરસ તો સારી રીતે નીકળી ગયાં.

પણ એક દિવસ એવો વાંધો પડી ગયો કે બધું જ ઊંધું-ચત્તું થઇ ગયું. એમાં બન્યું એવું કે દાદીમાને ત્રણેય ભાઈઓએ દરરોજ પ્રાર્થના ગાઈને સંભળાવવી પડતી. તેમજ પ્રાર્થના પછી ધર્મગ્રંથમાંથી એક પાનું મોટેથી વાંચીને સંભળાવવું પડતું. આ વાંચવાનું કામ મોટે ભાગે ભાઈ બિનયભૂષણ જ કરતા. પણ તે દિવસે વચલા ભાઈ મનમોહને વાંચ્યું. એ દિવસે મનમોહનનો મિજાજ ઠેકાણે ન હતો. ધર્મગ્રંથ વાંચતા પહેલા એ મોટેથી બોલ્યા, " ધર્મગ્રંથમાં જે લખ્યું છે એ પ્રમાણે લોકો ચાલતા તો નથી અને વાંચ વાંચ કરે છે."

આ સાંભળીને દાદીમાં કાળઝાળ થઇ ગયાં. એમનો ગુસ્સો ભભૂકી ઊઠ્યો. બોલ્યા, "અરેરે, તમે આવા હળહળતા નાસ્તિક છો.! ધર્મગ્રંથનું આવું અપમાન કરો છો ? જાવ, હવે મારે તમારી સાથે રહેવું નથી. હું આ ચાલી" અને તેઓ તો સાચેસાચ પોતાનો બધો સામાન લઈને બીજે રહેવા જતાં રહ્યા.

અને તે દિવસથી ઘર ચલાવવાનો બધો જ ભાર ત્રણે ભાઈઓના માથે આવી પડ્યો. હવે ઘરનું ભાડું કોણ ભરશે ? ફી ભરવાનાય પૈસા નથી, તો ખાવા-પીવાના પૈસા ક્યાંથી કાઢશું ? આમ અનેક મુશ્કેલીઓ તેમને ઘેરી વળી. ભાડું ભરવાના પૈસા ન હોવાથી ઘર ખાલી કરી દેવું પડયું.

મોટાભાઈ બિનયભૂષણે લિબરલ ક્લબની ઓફિસમાં અઠવાડિયાના પાંચ પાઉન્ડની નોકરી શોધી લીધી. એને ક્લબની પાછળ એક ભંડકિયા જેવો ઓરડો હતો, એમાં રહેવા આપ્યું. ખરેખર તો એ ઓફિસનું ગોડાઉન હતું. હવા ઉજાસનું નામ નહી. લંડનની કાતિલ ઠંડીની સામે ગરમાવો આપે તેવી 'ફાયર પ્લેસ' ની પણ કોઈ વ્યવસ્થા નહોતી. કારણ કે આ ઓરડો સામાન ભરવા માટેનો હતો. માણસોને રહેવા માટેનો નહીં. આ ઉપરાંત, ત્યાં ટ્રેનોની સતત અવર-જવરનો ઘોંઘાટ ચાલુ જ રહેતો.

પણ શ્રી અરવિંદ હિંમત ન હાર્યા. આવા ભંડકિયામાં, સતત થતા ઘોંઘાટની વચ્ચે રહી એમણે પોતાનો સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો. આ ઉપરાંત, એ ઓરડીમાં રહીને તેઓ ઇટાલિયન, રશિયન, સ્પેનિશ, જર્મન અને ગ્રીક ભાષાઓ પણ શીખ્યા. એટલું જ નહી, પણ એમણે સમગ્ર સ્કૂલમાં શ્રેષ્ઠ સાહિત્યના લેખન માટે અપાતું 'બટરવર્થ પ્રાઈઝ' અને ઇતિહાસ માટે અપાતું 'વુડવર્થ પ્રાઈઝ' પણ મેળવ્યું. અને સ્કૂલના શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકેની સ્કોલરશીપ પણ મેળવી.

જોયું મિત્રો, શ્રી અરવિંદે આવા પ્રતિકૂળ સંજોગોમાં પણ કેવું ઉચ્ચ ભણતર મેળવ્યું.! તો ચાલો આજે આપણે પણ નક્કી કરીએ, કે નાની મોટી મુશ્કેલીઓમાં નિરાશ થયા વગર પોઝિટીવ રહીને પાર નીકળી જઈશું.

Related Links:

Article on Power of positivity