કુળનું અભિમાન

ભગવાન ઋષભદેવના વખતની વાત છે. એમના પૌત્ર મરીચિએ ભગવાન પાસે દીક્ષા લીધી હતી. ગરમીના દિવસો હતા. ચક્રવર્તી રાજા ભરતના પુત્ર મરીચિ ભગવાન સાથે ભરબપોરે વિહાર કરી રહ્યા હતા. સૂર્યના કિરણથી તપી ગયેલા માર્ગ પર ચાલવાનું એમના માટે અસહ્ય થઈ રહ્યું હતું. ગરમ પવન અગ્નિની જ્વાળાઓની જેમ એમના શરીરને બાળી રહ્યું હતું. પરસેવાથી એમના શરીરમાંથી દુર્ગંધ આવી રહી હતી. આનાથી અકળાઈને એમને વિચાર આવવા લાગ્યા કે, 'મારાથી ચારિત્રવ્રત પાળવું મુશ્કેલ છે, અને તે છોડીને ઘરે પાછો જઉં તો કુળની આબરૂ જાય.' આમ વિચારી એમણે વચલો રસ્તો શોધી કાઢ્યો.

થોડી છૂટછાટ સાથે તેઓ ચારિત્રવ્રત પાળવા લાગ્યા અને ભગવાનની સાથે સાથે વિચારવા લાગ્યા. ભગવાન જ્યાં સ્થિરવાસ કરે એ જગ્યાની બહાર એ પોતે રહે. આમ મરીચિ મુનિ પણ નહીં અને ગૃહસ્થ પણ નહીં પણ કોઈ નવીન વેષધારી થયો. લોકો જ્યારે એમની પાસે ધર્મ પામવા આવતા ત્યારે તે ખરો ધર્મ ભગવાન પાસે જ છે. એમ કહી એમની પાસે મોકલતા.

એક દિવસ ભરતરાજા ભગવાનના દર્શન કરવા આવ્યા. ભગવાનની દેશના સાંભળ્યા બાદ એમણે ખૂબ વિનયપૂર્વક ભગવાનને પૂછ્યું, "આ ચોવીસીમાં તીર્થંકર થનાર કોઈ જીવ અહીં છે ?" પ્રભુએ જવાબ આપ્યો, "આ તમારો મરીચિ નામનો પુત્ર છે તે આ જ ભરતક્ષ્રેત્રમાં મહાવીર નામે ચોવીસમાં તીર્થંકર થશે.આ પહેલા એ ત્રિપુસ્ટ નામે વાસુદેવ થશે અને પ્રિયમિત્ર નામે ચક્રવર્તી પણ થશે."

આ સાંભળી ભરતરાજા મરીચિને વંદન કરવા ગયા. વંદન કરતાં એમણે મરીચિને કહ્યું, "તમે ત્રિપુસ્ટ નામે પ્રથમ વાસુદેવ થશો. પછી ચક્રવર્તી થશો અને ત્યાર બાદ ચોવીસમાં તીર્થંકર થશો. હું તમારા તીર્થંકર પદને વંદન કરું છું આમ કહી એમણે મરીચિની ત્રણ પ્રદક્ષિણા કરી એમને વંદના કરી પાછા ફર્યા.

રાજાની વાણી સાંભળી મરીચિ ખૂબ હર્ષ પામ્યા. તેઓ વિચારવા લાગ્યા, "ઓહોહો ! હું સર્વ વાસુદેવોમાં પ્રથમ વાસુદેવ થઈશ. ત્યાર બાદ ચક્રવર્તી પણ થઈશ અને છેલ્લો તીર્થંકર થઈશ. મારા દાદા પ્રથમ તીર્થંકર છે. મારા પિતા પ્રથમ ચક્રવર્તી છે. તેથી મારું કુળ શ્રેષ્ઠ છે. જેમ સર્વ ગ્રહોમાં સૂર્ય અને તારામાં ચંદ્ર શ્રેષ્ઠ છે. એમ સર્વ કુળમાં મારું કુળ સર્વશ્રેષ્ઠ છે. "આમ વિચારતા એ પોતાના કુળનું અભિમાન કરવા લાગ્યા. અભિમાનની તીવ્રતા એટલી વધી ગઈ કે ત્યારે ને ત્યારે જ એમણે નીચા કુળનું કર્મ બાંધી લીધું. એટલે કે બીજા ભાવમાં એમનો જન્મ નીચા (હલકા)કુળમાં થયો.

જોયું મિત્રો, ઉંચા કુળનું અભિમાન એમને નીચા કુળમાં લઈ ગયું. આમ, અભિમાન કરવાથી અધોગતિ જ થાય છે.