શ્રીમદ્ રાજચંદ્ર અને અંબાલાલભાઈ

એક વખત શ્રીમદ્જીએ અંબાલાલભાઈને આજ્ઞા કરી કે, 'અંબાલાલ,બહારનું આ ફળિયું સ્વચ્છ કરી નાખ.' અંબાલાલભાઈ શ્રીમદ્જીનો આશય સમજી ના શક્યા અને તેથી એમણે નોકરને બોલાવીને કહ્યું કે, 'તું બહારનું ફળિયું વગેરે બધું જ સ્વચ્છ કરી નાખજે.'

આ સાંભળીને શ્રીમદ્જીએ અત્યંત કરુણા સાથે કહ્યું, ''અંબાલાલ,અમને નોકર રાખતાં આવડે છે.''

એ શબ્દો સાંભળી અંબાલાલભાઈ ચેતી ગયા અને આજ્ઞાધીન થઈ ફળિયું જાતે જ સાફ કર્યું. એ ઘડીએ એમને ભૂલ સમજાઈ કે ફક્ત પોતાના હિત માટે જ અપાયેલી સેવા કે આજ્ઞા જાતે ન કરવું અને અન્યને સોંપવું એ કેવી મૂઢતા છે ! એમની આપેલી પ્રત્યેક સેવામાં, આજ્ઞામાં મારું કલ્યાણ જ રહેલું છે,પછી તે ફળિયું સાફ કરવાની પણ કેમ ન હોય, એ એમને નક્કી થયું.

એ દિવસથી એમણે અનુભવ્યું કે શ્રીમદ્જીએ ફળિયું સ્વચ્છ કરાવી વાસ્તવમાં તો એમનું ચિત્ત સ્વચ્છ કરાવ્યું છે.

બીજો એક પ્રસંગ છે. એક વખત શ્રીમદ્જી બોધ આપતા હતા. એમાં એમણે અંબાલાલભાઈને થોડા શબ્દો કહ્યા. તે જ શબ્દો બે-ત્રણ કલાક પછી જયારે એમને ફરી પૂછ્યા ત્યારે એમણે કહ્યું, ' મને યાદ નથી.'

શ્રીમદ્જીએ એમને કહ્યું, ''ઊઠ, અહીંથી ચાલ્યો જા. શબ્દો યાદ આવે ત્યારે જ અમારી પાસે આવજે.''

અંબાલાલભાઈ રડતાં રડતાં, ખિન્ન હૃદયે બહાર ચાલ્યા ગયા ને શબ્દો યાદ કરવા લાગ્યા. તેવામાં એક મુમુક્ષુએ શ્રીમદ્જી પાસે આવીને કહ્યું, ''શબ્દો તો યાદ આવશે, એમને અંદર આવવા દો.''

પણ શ્રીમદ્જીએ એ ઉપર ધ્યાન આપ્યું નહીં, પછી સાંજે જયારે શબ્દો યાદ આવ્યા ત્યારે એમણે અંબાલાલભાઈને ઉપર આવવા દીધા.

એ દિવસથી જેને બે-ત્રણ કલાક પછી શબ્દો યાદ ન રહેતા એવા અંબાલાલભાઈને આઠ દિવસ પછી પણ શ્રીમદ્જીનો બોધ અક્ષરશ: લખી શકાય એટલો યાદ રહેવા લાગ્યો.

કેવો હોય છે ગુરુનો પ્રતાપ ! નબળાઈને શક્તિમાં પરિવર્તિત કરી નાખનારું ગુરુનું અદ્ભૂત સામર્થ્ય અજોડ છે.