દિવાળીનું મહત્ત્વ

જાણો છો ? દિવાળી આપણે કેમ ઊજવીએ છીએ ? એ દિવસે ભગવાન મહાવીર મોક્ષે પધાર્યા હતા. જયારે કોઈ પણ જીવ મોક્ષે જાય ત્યારે આકાશવાણી થાય, દેવ દુંદુભિઓ વાગે જેથી બધાને જાણ થાય કે આ જીવ મોક્ષે ગયો. જયારે આ તો તીર્થંકર ભગવાન. એમની મોક્ષે પધાર્યાની આકાશવાણી સંભાળીને બધા દેવ-દેવીઓ હર્ષોલ્લાસથી નાચી ઊઠયા. ફૂલોની વર્ષા કરીને અને દીપમાળા પ્રગટાવીને એમણે ભગવાનના નિર્વાણની ઉજવણી કરી. તેથી આપણે પણ દિવાળીના દિવસે દીપમાળા પ્રગટાવીએ છીએ.

ભગવાનના મોક્ષે પધાર્યાના સમાચાર સાંભળી એમના પ્રથમ ગણધર ગૌતમ સ્વામી, જે ત્યાં હાજર ન હતા, એમને ખૂબ આઘાત લાગ્યો. એ ઘડીએ વિચારોના મંથનને અંતે એમને ભગવાનની વીતરાગતાનાં દર્શન થયા. બસ ! એજ ઘડીએ એમને કેવળજ્ઞાન પ્રગટ થયું.

તો આવો, આ દિવાળીએ આપણે પણ આ પ્રસંગોને યાદ કરી આપણને પણ કેવળજ્ઞાન પ્રગટ થાય અને અંતે મોક્ષે જઈએ એવી ભાવના કરીએ.