ધીરજ ધરો

પ્રાચીન સમયમાં, બુદ્ધ ભગવાન તેમના શિષ્યો સાથે એક ગામથી બીજે ગામ પગપાળા પ્રવાસ કરતા હતાં. એક દિવસ એક તળાવ પાસેથી  પસાર થતાં બુદ્ધ અને તેના શિષ્યો આરામ કરવા રોકાયા. તેમણે તેના શિષ્યને કહ્યું, "મને તરસ લાગી છે તો તળાવમાંથી મારા માટે થોડું પાણી લઇ આવો."

શિષ્ય તળાવ પાસે ગયો તો તેણે જોયું કે લોકો તેમાં કપડાં ધોઈ રહ્યા હતા અને ત્યાં જ એક બળદગાડું પણ તેમાંથી પસાર થતું હતું.પાણી ડહોળું થઇ ગયું હતું એટલે શિષ્યને લાગ્યું કે આ પાણી બુદ્ધને પીવાલાયક નથી.

તે પાછો આવ્યો અને બુદ્ધને કહ્યું, "પાણી એકદમ ડહોળું છે અને પીવાલાયક નથી." 

બુદ્ધે તેના શિષ્યોને કહ્યું, "આ ઝાડ નીચે આપણે થોડી વાર આરામ કરીએ." થોડી વાર પછી બુદ્ધે એ જ શિષ્યને ફરી વાર તળાવમાંથી પાણી લાવવાનું કહ્યું. આજ્ઞાપૂર્વક શિષ્ય તળાવ પાસે ગયો અને જોયું તો પાણી એકદમ ચોખ્ખું થઇ ગયું હતું. માટી તળાવના તળિયે બેસી ગઈ હતી અને ઉપરનું પાણી પીવાલાયક થઇ ગયું હતું. આથી ઘડામાં પાણી ભરી તે બુદ્ધ પાસે લઇ આવ્યો. 

બુદ્ધે પાણી સામે જોયું અને પછી શિષ્ય સામે જોઈને કહ્યું, "જોયું, થોડો સમય પસાર થવા દીધો તો પાણી કેવું સ્થિર થઇ ગયું! માટી એની જાતે જ તળાવના તળિયે બેસી ગઈ અને તને ચોખ્ખું પાણી મળી ગયું. કોઈ મહેનત કરવાની જરૂરત ના પડી."

તમે કંઈ પણ ના કર્યું હોય છતાં, તમારો મિત્ર અકળાય જાય કે ગુસ્સે થઇ જાય તો તમને ખબર પડે કે તમારા મિત્ર માટે આજનો દિવસ સારો નથી? ધીરજ રાખી રાહ જુઓ અને થોડો સમય પસાર થવા દો, તમારો મિત્ર તમારી પાસે પાછો આવશે. પાણીને સ્થિર થવા દો તો માટી એની જાતે નીચે બેસી જશે.