યુનિક પ્રોમિસ

તુલસી નામની એક નાની છોકરી તેના મમ્મી-પપ્પા સાથે હાલમાં જ એક  નવી જગ્યાએ શિફ્ટ થઈ હતી. બીજે દિવસે સવારે તે વહેલી ઉઠીને, તેની મમ્મી સાથે નજીકના મંદિરે જવા માટે તૈયાર થઈ. તુલસી અને તેની મમ્મી મંદિરના પગથિયા ચઢતાં ચઢતાં, મંદિરના જુદાં-જુદાં દેવી-દેવતાઓ વિશે વાત કરતા હતાં. ત્યારે અચાનક જ તુલસીની નજર મંદિરની મુખ્ય મૂર્તિ પર પડી. 

"વાહ, કેટલી અદભુત અને વિશાળ મૂર્તિ છે," એટલું કહી તુલસી મૂર્તિ પાસે દોડી ગઈ. ભગવાનનો મીઠો હસતો ચહેરો અને ચમકતી આંખોએ તેને આશ્ચર્યચકિત કરી દીધી. ખુશીથી એણે મૂર્તિને કહ્યું, "તમે મારા મિત્ર બનશો ?" 

"ઓહ ચોક્કસ, કેમ નહીં!" ભગવાનની અંદરના જાદુઈ અવાજે કહ્યું. 

તુલસીના આનંદની કોઈ સીમા ન હતી.એણે ભગવાન સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું અને દૈવી અવાજે પણ એની સાથે વાત કરી! ત્યારે અચાનક તુલસીની મમ્મીએ એને બોલાવી અને કહ્યું કે, હવે આપણે ઘરે પાછા જવું પડશે. "આપણે કાલે મળીશું. હું તમારા માટે મારી મનપસંદ ચોકલેટ્સ લાવીશ. તમે મને શું ભેટ આપશો?" તુલસીએ પૂછ્યું. 

"પ્રેમ!" મોહક સ્મિત સાથે ભગવાનને કહ્યું. અપાર આનંદ સાથે તે ઘરે જવા પાછી ફરી. તુલસીને સ્કુલેથી પાછા આવ્યા પછી દરરોજ ભગવાન સાથે વાતચીત કરવાની આદત પડી ગઈ. એ એમને ગમતાં વિષય પર વાત કરતી હતી અને ભગવાન પ્રેમાળ સ્મિત સાથે એની વાતને સ્વીકારતા હતા. પછીના રવિવારે એણે ભગવાન માટે ફૂલોનો હાર બનાવ્યો અને પૂછ્યું, "ભગવાન, આજે તો મને તમારી પાસેથી વધારે પ્રેમ મળશે, ખરું ને?" 

ભગવાને હસીને જવાબ આપ્યો, "મારી વ્હાલી, પ્રેમમાં કોઈ સોદો ના હોય. મારો પ્રેમ કોઈ પણ સંજોગોમાં ક્યારેય વધશે કે ઘટશે નહીં, ભલે પછી તમે મને હાર પહેરાવીને મારું સન્માન કરો કે ન કરો." તે જવાબ સાંભળી આશ્ચર્યચકિત થઈ ગઈ અને તરત જ ભગવાનને પ્રેમથી ભેટી પડી.

એક દિવસ તુલસીએ સ્કુલમાં નવી મિત્ર બનાવી. એ તેની સાથે રમવામાં એટલી ખોવાઈ ગઈ કે તે મંદિરની મુલાકાત લેવાનું અને ભગવાનને મળવાનું ભૂલી ગઈ. ત્રીજા દિવસે એણે મંદિરની મુલાકાત લીધી અને ભગવાનને પૂછ્યું, "ભગવાન, હું બે દિવસથી તમને મળવાનું ભૂલી ગઈ, શું તમે મારાથી નારાજ છો?" 

આના પર ભગવાને જવાબ આપ્યો, "ના, બિલકુલ નહીં, મારી વ્હાલી! પ્રેમ બિનશરતી છે. શુદ્ધ પ્રેમમાં કોઈ અપેક્ષાઓ હોતી નથી." તુલસીએ આદરપૂર્વક ભગવાનના શુદ્ધ પ્રેમને નમન કર્યું અને દરરોજ ભગવાનની મુલાકાત લેવાનું વચન આપ્યું. 

એક દિવસ, તુલસીનો તેના પડોશી રાહુલ સાથે ઝઘડો થયો, પરંતુ તે તેના કરતા મોટો હોવાથી તેને તે વધુ કહી શકી નહિ. તે પછી સાંજે, તે ભગવાન પાસે ગઈ અને તેમના પર પોતાનો ગુસ્સો ઠાલવતા કહ્યું, "હું દુઃખમાં હોઉં ત્યારે પણ તમે હસો છો. આ સાબિત કરે છે કે તમે મને પ્રેમ નથી કરતા," અને મંદિરેથી ચાલી નીકળી. 

થોડી વાર પછી, એને એની ભૂલ સમજાઈ અને એ માફી માંગવા માટે પાછી ગઈ. એણે એમની સાથે દુર્વ્યવહાર કર્યો હોવા છતાં પણ ભગવાનને હંમેશાની જેમ તેની તરફ હસતા જોઈને તેને આશ્ચર્ય થયું. તે કંઈ બોલે તે પહેલા ભગવાને ખૂબ જ પ્રેમથી કહ્યું, "વ્હાલી, તે સારું કર્યું તું પાછી આવી ગઈ." 

તુલસીનું હૃદય ભરાઈ ગયું અને તેની આંખોમાંથી આંસુ વહી ગયા. એણે પોતાનો ચહેરો ભગવાનના ખોળામાં મૂક્યો અને રડવા લાગી. "માફ કરો ભગવાન, હું તમને પ્રેમ કરું છું. કૃપા કરીને મને સજા કરો." 

"તુલસી રડીશ નહીં” એમ કહીને ભગવાને તેને શાંત કરી. ફક્ત મને એક પ્રોમિસ આપ કે તે મારી સાથે જેવો પ્રેમ અનુભવ્યો છે તેવો જ પ્રેમ તું બધે જ ફેલાવીશ. તું તારા જીવનમાં જેને પણ મળે તે બધાને આવો જ શુદ્ધ પ્રેમ આપીશ... પ્રોમિસ ?" તુલસીએ તેના નાના હાથ ભગવાનના હાથમાં મૂક્યા અને દરેકને શુદ્ધ પ્રેમ આપવાનું  પ્રોમિસ આપ્યું. તેને શુદ્ધ પ્રેમનો અર્થ સમજાયો અને વિચાર આવ્યો કે, "પ્રેમ તો એ છે કે, જે વધતો કે ઘટતો નથી, જે અવિરત  છે અને તેમાં કોઈ અપેક્ષા જ હોતી નથી."

Related link : 

Magazines- Love