Aaloo-Chilly – Chapter04

મને ઘરે પાછા આવ્યાને એક કલાક થઇ ગયો હતો. પણ હજુ મને અંદર ગરમ ગરમ લાગતું હતું. મને લાગે છે આ થીઓના શેકમાં કંઈ ગડબડ હતી. ત્યાં તો અચાનક પાર્સલી જોર જોરથી નારા લગાવવા લાગ્યો, ‘સમોસું છે જેના વગર અધૂરું, એ છે આલુ. જીતશે જે આજે ચેમ્પિયનશિપ, એ સૌનો ફેવરિટ આલુ.’

બોલો, જયારે એને બોલવાનું હતું ત્યારે એ બોલ્યો નહીં ને હવે મારી કવિતા ગાતો હતો. મમ્મી જોઇને ખુશ થઇ રહ્યા હતા. મને થયું, ‘કવિતા મારી છે ને મમ્મી એના પર ખુશ થાય છે.’ મને ખાતરી છે કે પાર્સલી જ મમ્મીનો ફેવરિટ છે. મને તો અંદર એટલું ખરાબ લાગ્યું કે કંઈ ઠંડુ ઠંડુ ખાઈને મેં રૂમમાં જઈને સુઇ જવાનું નક્કી કર્યું. ત્યાં...

મારું નામ સાંભળતા જ મેં સૂઈ જવાની એક્ટિંગ કરી. કોઈને મળવાનો મને મૂડ નહોતો. ત્યાં પાર્સલીએ આવીને મને કહ્યું, ‘આલુભાઈ તને બોલાવે છે.’ આલુ ક્યારથી ‘ભાઈ’ થઇ ગયો ! મને તો પાર્સલીએ ક્યારેય આટલું સન્માન નથી આપ્યું. પણ ત્યારે મારે એની સાથે ઝઘડવું નહોતું કારણકે મને એનું કામ હતું. મેં એને ધીરેથી કહ્યું, ‘ તું જઈને આલુને કહી દે કે ચીલી સૂઈ ગયો છે.’ એ તો મારી સામે જ જોઈ રહ્યો. પછી મે એને કહ્યું, ‘તું આવું કહીશ તો હું તને એક વીક રોજ ચીલી શેક પિવડાવીશ.’ આ સંભાળીને એની આંખો ચમકી અને એ ઊડીને તરત બહાર ગયો.

ખરેખર, ક્યારેય કોઈ ડોબાઓની સ્કુલ ખોલે તો પાર્સલીનો એમાં કાયમ પહેલો નંબર આવે ! હું તરત ઊડીને બહાર ગયો. આલુ પાર્સલીની વાતથી કન્ફયૂઝ હતો પણ મને જોઇને ખુશ થઇ ગયો. અને પાર્સલી મને જોઇને વધારે કન્ફયુઝ થઇ ગયો. એણે મને કહ્યું, ‘ પણ તે તો કીધું કે તું...’ મેં એનું મોઢું બંધ કર્યું અને કહ્યું કે, ‘તું હમણાં ચૂપચાપ જઈશ તો તને એક વીક ચીલી શેક પિવડાવીશ.’ એણે ઈશારો કર્યો, ‘બે’.

મમ્મીને પાર્સલી કેટલો માસૂમ અને ભોળો લાગે છે. પણ એ કેટલો લુચ્ચો છે એ મને જ ખબર છે. પાર્સલી ગયો અને આલુ મારી પાસે આવ્યો. એણે મને એની ટ્રોફી બતાવી અને મને ભેટી પડ્યો, ‘હું જીતી ગયો !’ મને ખુશી થવી જોઈતી હતી, પણ ખબર નહીં મને ફરી અંદર એટલું બધું ગરમ લાગ્યું કે હું શું કહું ! હવે આ ‘આલુ જીતી ગયો’ એ સાંભળી સાંભળીને હું થાકી ગયો હતો.