Aaloo-Chilly – Chapter07

ચીલીના નાના ભાઈ પાર્સલીએ ચીલીની મજાક ઉડાવતું સોંગ બનાવ્યું હતું. અજાણતા આલુએ એના પર ડાન્સ કર્યો. એથી ચીલીને ખરાબ લાગ્યું છે. આલુ અને ચીલી તળાવ પર પ્રેક્ટિસ માટે જઈ રહ્યા છે. હવે આગળ...

હું આલુને કહેવા જ જતો હતો કે મને શું થયું છે પણ કોઈ કારણસર આલુ મારી સામે બત્રીસેય દાંત બતાવીને હસી રહ્યો હતો. એનું મોઢું જોઇને હું શું કહેવાનો હતો એ ભૂલી ગયો. મને તો શક છે કે પાર્સલીનું સિંગિંગ સાંભળીને એના મગજના તાર હલી ગયા છે. અને આ આલુ મોટી સ્માઈલ આપી રહ્યો હતો. એની સ્માઈલથી ગભરાઈને મેં એને પૂછ્યું, “ તું કેમ આટલું હસે છે?” તો મને કહે, “મારી પાસે તારી માટે સરપ્રાઈઝ છે.”

મને ડબ્બો અને બોટલ આપીને આલુ બોલ્યો, “આ ડબ્બામાં તારી માટે ડ્રાયફ્રૂટસ છે. કેમકે, પ્રેક્ટિસ કરીશ એટલે તને ભૂખ લાગશે અને તું ગમે તે ખાઈ લઈશ તો તારો અવાજ બેસી જશે. અને આમાં તારી માટે ફ્રુટ જ્યુસ છે, જેનાથી તારું ગળું સારું રહેશે.”

આલુએ મારી માટે આટલી મહેનત કરી ? મને અંદર બહુ જ ઠંડુ લાગ્યું. મને ડબ્બાની વસ્તુ કરતા ડબ્બા પરના સ્ટીકર ગમી ગયા. બેસ્ટ સિંગર – ચીલી. આ જોઇને જ કોકોની કીકી બહાર આવી જશે. મારો વટ પડી જશે અને કોકોને પણ ખબર પડી જશે કે મારા સ્પોર્ટમાં સ્કેટિંગ ચેમ્પિયન ‘આલુ’ છે.

આલુએ પાર્સલીના સોંગ પર ડાન્સ કર્યો એના માટે મેં એને માફી આપી દીધી. એમેય, તમે પણ આલુનો ડાન્સ જુઓ તો એને માફી જ આપી દો. જો ક્યારેય પાર્સલીના સિંગિંગ અને આલુના ડાન્સિંગ વચ્ચે હરીફાઈ થાય તો જજ નક્કી જ ના કરી શકે કે વધારે ખરાબ કોણ કરે છે ? અને એનાથી પણ ખરાબ વાત તો એ છે કે બંનેને ખબર જ નથી કે એમના સિંગિંગ અને ડાન્સિંગથી સામેવાળાની આંખો અને કાન કેટલા ત્રાસ પામે છે.

આ વિચાર કરતા કરતા, અમે પ્રેક્ટિસ માટે નદી કિનારે પહોંચ્યા. તો ત્યાં કીકી કોયલ હતી. મેં કોકોની સામે જોયું જ નહીં. ધીરે રહીને મારી બોટલ મૂકી જેથી એને દેખાય કે બેસ્ટ સિંગર કોણ છે ! પણ આ શું ?

એના હાથમાં પણ “સિંગર કોકો લખેલી બોટલ હતી !!”

           આલુને જોતા જ એ ખુશ થઇને બોલી, “થેન્ક્સ આલુ !!” અને આલુએ મને આપી હતી એવી જ મોટી સ્માઈલ આપીને બોલ્યો, “યુ આર વેલકમ, બેસ્ટ ઓફ લક...”

         આલુ કોકો માટે પણ જ્યુસ લાવ્યો ? એ કોકોનો ફ્રેન્ડ છે કે મારો ? એણે કોકોને જ્યુસ આપવાની શું જરૂર હતી ? મને એટલું ગરમ લાગે છે કે મને થાય છે મારા પીંછા બળી રહ્યા છે. આલુને આટલી જ બીજાને મદદ કરવી હોય તો જ્યુસની દુકાન ખોલી લેવી જોઈએ. મને આલુ પર એટલો ગુસ્સો આવે છે ને ! મેં એને પૂછી જ લીધું, “આલુ, તું મારી સાઈડ છે કે કોકોની ? એની માટે કેમ જ્યુસ લાવ્યો !” આલુ તો મેં કંઈ ખોટું કીધું હોય એવી રીતે શોકમાં બોલ્યો, “તારી જ ! તારામાં બેસ્ટ સિંગર લખ્યું છે, જો !”

          જો એ મારી સાઈડ હોય તો એણે કોકોને જ્યુસ શું કામ આપ્યો ?