સિંગિંગ પ્રેક્ટિસમાં કોકોનું સોંગ સાંભળીને આલુએ એના ખૂબ વખાણ કર્યા અને એનાથી ચીલીને ખૂબ દુઃખ થયું છે. એ એકદમ મૂડલેસ થઈને ઘરે આવી ગયો છે. કોમ્પિટિશનની સવારે શું થયું, તે હવે ચીલીનો નાનો ભાઈ પાર્સલી કહેશે.
ખબર છે ? ચીલીના કારણે હું આખી રાત સૂતો નથી, એ આખી રાત પાંખો હલાવ્યા કરતો હતો. અને સવારે ઊઠવાના ટાઈમે નસકોરા બોલાવીને સૂઈ ગયો. બોલો ! આજે એની કોમ્પિટિશન છે ને રિયાઝ કરવાના બદલે એ સૂતો છે. જો કે, એ એટલું સરસ ગાય છે કે એ જીતી જ જશે. મેં પણ એને સોંગ ગાઈને જ ઉઠાડવાનું નક્કી કર્યું.
ઊઠતાની સાથે જ એ મને કંઈ પણ કહ્યા વગર તરત રેડી થવા માંડ્યો. હું એના માટે આલુભાઈએ આપેલી ‘બેસ્ટ ‘રિંગરવાળી બોટલ ભરતો હતો, ત્યાં તો આલુભાઈ પણ આવી ગયા. મેં એમને જ કહી દીધું કે, “હમણાં તમે ચીલીને ‘બેસ્ટ સિંગર કહો છો. પણ જયારે હું પણ સિંગિંગ ચાલુ કરીશ, ત્યારે તમે કોને ‘બેસ્ટ સિંગર’ કહેશો ?” તો આલુભાઈના લાડવામાં માખી પડી ગઈ હોય, એવું એમનું મોઢું થઇ ગયું. મારા સિંગિંગની વાત સાંભળીને ખબર નહીં કેમ મમ્મી પણ મને કહેવા લાગ્યા, ‘બેટા પાર્સલી, તું હવા ગુલાંટમાં બેસ્ટ છે, તું સિંગિંગ રહેવા દે.’ હજુ હું કંઈ કહું ત્યાં તો ચીલી આવી ગયો. બોલો ! એણે મને આખી રાત સૂવા નહોતો દીધો અને મોઢું એનું એવું લાગતું હતું, કે જાણે મેં એને પાંખો મારી હોય.
અને આલુભાઈને જોઇને ખુશ થવાના બદલે બોલ્યો, ‘તું અહીંયા શું કરે છે ? તારે કોકોના ઘરે જવું હતું ને, એ તો તારો બેસ્ટ ફ્રેન્ડ છે !’
આ વાત સાંભળીને હું તો ગૂંચવાઈ ગયો. મને તો કોઈએ કહ્યું જ નહીં, કે કોકો અને આલુભાઈ બેસ્ટ ફ્રેન્ડસ છે. હું તો નાનો હતો ત્યારથી મને એવું જ લાગતું હતું કે આલુભાઈને ચીલી બેસ્ટ ફ્રેન્ડ છે. એટલે તો એમણે ‘બેસ્ટ સિંગર’વાળી બોટલ ચીલીને આપી હતી. આલુભાઈએ તો એક મોટી સ્માઈલ આપીને ચીલીને કહ્યું, ‘આજે તું જીતે કે હારે, આપણે કોમ્પિટિશન પછી પાર્ટી કરીશું. અને આજથી આલુ શેક ફરીથી આલુ-ચીલી શેક થઇ જશે !!’ મેં પણ નક્કી કર્યું છે, હું આલુભાઈ જેવો જ બેસ્ટ ફ્રેન્ડ બનાવીશ. જે હાર-જીતમાં કાયમ મારી સાથે રહે.
“હા, બેટા અમારા માટે તો તું ‘બેસ્ટ સિંગર’ છે અને કાયમ રહીશ !”, મમ્મીએ ચીલીને ભેટીને કહ્યું. અને ચીલી રડવા માંડ્યો. અને રડતા રડતા મમ્મીને ‘થું થું બબી’ કહેવા લાગ્યો. મને થાય છે કે મારા ભાઈ ચીલીએ ક્યારેય રડવું ના જોઈએ. કેમ કે, એ રડે તો એના નાક અને આંખમાંથી એટલું પાણી નીકળે કે શું બોલે છે, એ આલુભાઈ સિવાય કોઈ સમજી ના શકે.
મેં આલુભાઈ સામે જોયું અને એમણે મને કહ્યું કે, ‘થેન્ક યૂ, મમ્મી !’ એવું ચીલી કહી રહ્યો છે. પણ મને તો એ સમજાતું નથી કે એ રડે છે કેમ ?