ચીલીની સિંગિંગ કોમ્પિટિશનની સવારે આલુ ચીલીના ઘરે આવ્યો છે. પણ એને જોઇને ચીલી ખુશ નથી. એ આલુને કહે છે કે, ‘તું કોકોના ઘરે જા !’ અને પછી કોઈ કારણ વગર ચીલી મમ્મીને ભેટીને રડે છે. હવે પાર્સલી પાસેથી આગળની વાત સાંભળીએ...
અમે બધા સાથે કોમ્પિટિશનની જગ્યાએ પહોંચ્યા. આખા રસ્તે ચીલી કંઈ જ બોલ્યો નહીં. બાકી તો એ કોઈ પણ કોમ્પિટિશનના દિવસે ગીતો ગાઈને બધાનું માથું દુખાડી દે. અને આલુભાઈ જયારે જયારે એની સાથે વાત કરવા જાય ત્યારે જ એને ઊંઘ આવી જતી હતી. અમે જેવા તળાવે પહોંચ્યા, સામે કોકો મળ્યો.
મેં અને આલુભાઈએ કોકોને બેસ્ટ ઓફ લક કહ્યું. અને ત્યાં તો ચીલી બોલ્યો, ‘હા કોકો, બેસ્ટ ઓફ લક ! તારા ઘરેથી કોઈ આવ્યું નથી તારી જીત જોવા ? કદાચ એમને પણ ખબર હશે કે તું નહીં જ જીતે !’ અને પછી એણે આજના દિવસની પહેલી સ્માઈલ આપી. પણ ખબર નહીં કેમ, મને એની સ્માઈલ જરાય ના ગમી.
આ સાંભળીને કોકોની બદલે આલુભાઈ લાલ થઇ ગયા. આવા લાલ તો વર્ષો પહેલા જયારે કીડીમાસીએ આલુભાઈના પગમાં ચટકા ભર્યા હતા ત્યારે થયા હતા. એટલે તરત હું કીડીમાસીને શોધવા માંડ્યો. પણ ત્યાં તો આલુભાઈ બોલ્યા, ‘કોણે કીધું કોકો એકલો છે ? હું છું ને એને ચિઅર કરવા. કોકો, તું મસ્ત ગાજે તું ચોક્કસ જીતીશ !”
આ સાંભળીને ચીલીની આંખમાં એક ડબ્બી મરચું પડી ગયું હોય એવી ફાટીને લાલ થઇ ગઈ.
કોકો તો રડીને ત્યાંથી જવા માંડ્યો. આલુભાઈ એની પાછળ ગયા. અને હું ચીલીને બેસ્ટ ઓફ લક કહેવા ફર્યો અને એની પાંખ સાથે અથડાયો. એની પાંખથી હું સખત દાઝી ગયો. મને થયું ચીલીને તાવ આવે છે ? એ આટલો ગરમ કેમ છે ? એણે મને જોરથી ધક્કો માર્યો અને એ ત્યાંથી જતો રહ્યો.
મેં મમ્મી સામે જોયું. જાણે કીડીમાસીએ એમને પણ ચટકા ભર્યા હોય એવું એમનું મોઢું થઇ ગયું હતું. હું પછી આલુભાઈની પાસે ગયો ત્યાં મેં આલુભાઈને કોકો સાથે વાત કરતા સાંભળ્યા.
એમની વાત પતી એટલે મેં એમને પૂછ્યું, ‘ને ચીલી ?’ અને અમે બંને કોમ્પિટિશન પહેલા ચીલી સાથે વાત કરવા ગયા. પણ ચીલી અમને જોઇને એટલો ગરમ થઇ ગયો કે એણે કહી દીધું, ‘અહીંયા કેમ આવ્યા છો ? કોકો પાસે જાવ. અને આલુ, હું આપણા ફ્રેન્ડશિપનું સોંગ નથી ગાવાનો !’ આલુભાઈ એને કંઈ જવાબ આપે એ પહેલા તો એ ઊડીને જતો રહ્યો.
ચીલીની વાત સાંભળીને મારા પીંછા ખરી ગયા, એણે જે સોંગ મહિનાથી તૈયાર કર્યું હતું એ હવે ગાવાની ના પડતો હતો.
આલુભાઈએ મને જોરથી દબાવી દીધો અને કહ્યું, ‘કોમ્પિટિશનમાં ગમે તે થાય, કોમ્પિટિશન પતે પછી આપણે થીઓના કેફે પર મોટી પાર્ટી કરીશું અને બધું સરસ થઇ જશે.’ પાર્ટીની વાત સાંભળીને મને મજા પડી ગઈ.
ચીલીએ સ્ટેજ પર આવીને જે ગાયું એ સાંભળીને તો મને હસવું જ આવી ગયું, ‘માછલી જલ કા રાણી છે, જીવન ઉસકા પાણી છે, હાથ લગાવો બી જાયેગી, બહાર કાઢો ગુજર જાયેગી !” મારું અને હરીફાઈ જોવા આવેલા બધાનું હસી હસીને પેટ દુખી ગયું. ચીલીને પોતાને ખબર નથી, કે એને હિન્દી નથી આવડતું. જો કે આ જોક્સ કોમ્પિટિશન હોત તો ચીલી જીતી જાત !
પણ આનું રિઝલ્ટ શું આવશે એ તો હવે બધાને ખબર હતી. બધાને હસતા જોઇને ચીલીએ આલુભાઈ સામે જોયું. આલુભાઈ જરાય હસતા નહોતા. અને તો પણ ચીલી એકદમ ગુસ્સાથી એમની સામે જોતો હતો. પછી તો રિઝલ્ટની રાહ જોયા વગર જ ત્યાંથી જતો રહ્યો.