આલુ-ચીલી - ચેપ્ટર–૧૨

આલુએ કોકોનો સાથ આપ્યો એનાથી ચીલીને બહુ જ ગરમ ગરમ લાગ્યું. અને એ કોમ્પિટિશન છોડીને ઘરે આવી ગયો. ચીલી અપસેટ હતો, પણ આલુ એની પાછળ ના આવ્યો. એનાથી ચીલીને વધારે ગરમ લાગ્યું. પાર્સલીને ઉલ્લુ બનાવીને ચીલી થીઓના કેફે પર જતો રહ્યો. હવે પાર્સલી આગળ વાત કહેશે...

            ચીલીને જો ‘ચીલી શેક’ પીવો હોય તો મને ક્યારેય કહેવું જ ના જોઈએ, કે ફ્રિજમાં ‘ચીલી શેક’ છે. ચીલી પણ ભોળો છે ! મેં તો ફ્રિજમાંથી બધો ‘ચીલી શેક’ પી લીધો. બહાર આવીને જોયું તો ચીલી ક્યાંય હતો જ નહીં.

આ ચીલી ક્યાં ગયો, મેં અમારા ઘરની આજુબાજુ જોયું. પણ એ ક્યાંક ના દેખાયો.

હેં ? આ ચીલી ક્યાં ઉડી ગયો ? હવે હું એને ક્યાં શોધીશ ? મને આલુભાઈએ એને પાર્ટીની જગ્યાએ લઇ આવવા કહ્યું હતું. હું તો ગભરાઈને તળાવે ગયો. ત્યાં કોમ્પિટિશન બસ પૂરી જ થઇ હતી. જીફ્ફી રડતા રડતા બોલી રહ્યો હતો કે, ‘કોકો સારું ગાય છે, પણ એના અવાજ કરતા એના શબ્દો...’ આટલું બોલતા બોલતા તો એને ધ્રુસકું આવી ગયું. જીફ્ફીના આંસુથી થીઓની ટોપી ભીની થઇ ગઈ. થીઓએ એને કીધું, ‘તું રડીશ નહીં, આપણે નેક્સ્ટ એડવેન્ચર પર કોકોને આપણી સાથે લઇ જઈશું, આપણે એના બેસ્ટ ફ્રેન્ડસ બનીશું !’

મેં દુરથી જોયું  કે આલુભાઈ કોકો સાથે કંઇક વાતો કરી રહ્યા હતા.

            કોકો કહી રહી હતી, ‘આલુ, થેંક યુ, પણ તારે રોકાવા જેવું નહોતું. ચીલીને બહુ દુઃખ થયું. મને તો ટેવ છે...’ ત્યાં તો આલુભાઈ વચ્ચે બોલ્યા, ‘ચીલી મારો બેસ્ટ ફ્રેન્ડ છે ! એ મને સમજશે. તું ચિંતા ના કરીશ. આજથી તું પણ ચીલી અને મારી બંનેની ફ્રેન્ડ છે.’ કોકોની આંખમાં તો આ સાંભળીને મોટા મોટા આંસુ આવી ગયા, ‘તને ખબર છે આલુ, ચીલી તો એકદમ નેચરલ સિંગર છે. એણે મારા પછી ગાવાનું શરુ કર્યું, તો પણ મારાથી સારું ગાય છે. જો એ આજે અપસેટ ના થયો હોત અને એણે એનું સોંગ ના બદલ્યું હોત, તો એ જ જીતી જાત !’

આ વાત સાંભળીને તો મારી છાતી ફૂલી ગઈ. કોમ્પિટીશન જીતી ગયા પછી પણ કોકો મારા ભાઈ ચીલીના વખાણ કરતી હતી. એ વખતે મારાથી બોલ્યા વગર રહેવાયું નહીં. ‘આમ જુઓ તો કોકો પાસે હજુ બેસ્ટ સિંગર તરીકે રહેવા માટે એક-બે વર્ષ છે. પછી હું ગાવાનું ચાલુ કરીશ ત્યારે હું જ બેસ્ટ કહેવાઇશ.’ મારી આ વાત સાંભળીને આલુભાઈની આંખો ચકળવકળ થઇ ગઈ. ખબર નહીં કેમ !

            એમણે મને પૂછ્યું, ‘ તું અહીંયા ? ચીલી ક્યાં છે ?’

            અરે રે, હું તો ભૂલી જ ગયો, કે હું અહીંયા કેમ આવ્યો હતો. મેં કહ્યું, ‘અરે હા, એ તો કહેવાનું રહી જ ગયું. ચીલી તો ઊડી ગયો, હું એની પાછળ ગયો. પણ મને એ મળ્યો નહીં. હવે આપણે એને ક્યાં શોધીશું ?’

            આલુભાઈ બોલ્યા, ‘એ ઊડીને થાકશે એટલે થીઓના કેફે પર કંઇક ઠંડુ ખાવા ચોક્કસ આવજે જ.’ આલુભાઈ ચીલીને મારા કરતા પણ વધારે ઓળખે છે. મને થાય છે કે હું આલુભાઈના ફોટો સાથે છાપામાં એક એડ આપી દઉં કે મને પણ એમના જેવો બેસ્ટ ફ્રેન્ડ મળી જાય.

            હું આ એડનું વાક્ય વિચારતો હતો. ત્યાં તો આલુભાઈ બોલ્યા, ‘કોકો, તું પણ પાર્ટીમાં ચાલ !’

            મને થયું, કે ‘આલુભાઈ બહુ સારા છે. પણ ચીલીને વધારે ખોટું લાગી જશે અને એમની અને ચીલીની દોસ્તી તૂટી ગઈ તો ?!’ મેં એમને કાનમાં કહ્યું, ‘ભાઈ, ચીલીનો મૂડ ખરાબ છે, રહેવા દો !’ કોકોએ પણ કહ્યું, ‘ના, આલુ રહેવા દે !’ પણ કોઈની વાત સાંભળી જ ના હોય એમ સ્કેટ્સ પહેરીને બોલ્યા, ‘જોઈએ આપણામાંથી કોન પહેલા પહોંચે છે !’ એમ કહીને નીકળી પડ્યા !

Cookies Consent

This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...