અપસેટ થઈને ચીલી થીઓના કેફે પર ગયો. પાર્સલી અને આલુ પણ ચીલીને સરપ્રાઈઝ પાર્ટી આપવા માટે કેફે પર જવા નીકળી ગયા. પાર્સલીએ ‘ના’ પાડી, છતાંય આલુએ કોકોને પણ પાર્ટીમાં આવવા કહ્યું. ચાલો જોઈએ, કે થીઓના કેફે પર પહોંચતા જ ચીલીએ શું જોયું ?
જ્યારે મેં ઉપરથી થીઓના કેફે પર બેનર જોયું, ‘બેસ્ટ સિંગર, બેસ્ટ ફ્રેન્ડ ચીલી’ મને પહેલા તો મારી આંખ ઉપર વિશ્વાસ ના આવ્યો.
પછી નીચે જઈને જોયું તો મને હજુ વધારે નવાઈ લાગી. થીઓનું કેફે તો પાર્ટી-પ્લેસ બની ગયું હતું. બધા કપ પર મારો ફોટો હતો. એ ફોટામાં હું ગાઈ રહ્યો હતો. શું આલુએ ‘આલુ શેક’નું નામ ફરી ‘ચીલી શેક’ કરી દીધું ? પણ હું તો જીત્યો પણ નહોતો. ચારે બાજુ મારા ફોટોઝ હતા. મેં પહેલી વાર સિંગિંગ ક્લાસ જોઈન કર્યા, મેં પહેલી વાર નદી કિનારે ગીત ગાયું, મારી પહેલી કોમ્પિટિશન, મારી સિંગિંગની સ્પેશિઅલ ટી-શર્ટ, જે મમ્મી-પપ્પાએ મારા માટે ખરીદી હતી તે... આ બધી યાદો એ ફોટોઝમાં હતી. જાણે કોઈએ સિંગિંગની સ્પેસશિપમાં બેસાડીને મને ટાઈમ ટ્રાવેલ કરાવી દીધું હોય એવું લાગી રહ્યું હતું. મારું શરીર હવે દાઝતું નહોતું.
થીઓને હજુ ખબર નહોતી, કે હું આવી ગયો છું. થીઓ અને ઝોઈ કિચનમાં તૈયારી કરતા કરતા વાતો કરી રહ્યા હતા, ‘આલુ તો બેસ્ટ છે જ, પણ ચીલી જેવું તો કોઈ જ નહીં. ’ તો ઝોઈ બોલી, ‘હા, સાચી વાત ! છેલ્લી ઘડીએ કોણ પોતાનું સોંગ બદલીને કોકોને આ રીતે જીતવા દે ! કેટલું મોટું મન છે એનું તો... ’ મને થયું, આ લોકો શું વાત કરે છે? મેં કોકોને જીતવા દીધી ?
હજુ હું કંઈ સમજુ કે કંઈ પૂછું ત્યાં તો મને ‘ઘરર... ઘરર...’ સ્કેટ્સનો અવાજ આવ્યો. પાછળ ફરીને જોયું તો આલુ ફુલ સ્પીડમાં આવી રહ્યો હતો. સ્પીડમાં એનું મોટું પેટ એટલું જોરથી ઊછળી રહ્યું હતું, કે દોડપકડ રમતી પાંચ માખીઓ વચ્ચે અડફેટમાં આવી ગઈ અને એના પેટ સાથે ભટકાઈને ચક્કર ખાઈને પડી ગઈ.
હું હજુ એને કંઈ કહું ત્યાં તો એનું મોઢું જોઈને મને ખબર પડી, કે સ્કેટ્સ પર આલુનો કંટ્રોલ નથી. જો હું ઊડીશ નહીં તો માખીઓ જેવી જ હાલત મારી પણ થશે. હું ઊડવા ગયો, ત્યાં તો આલુ ઝાડ સાથે ભટકાઈને જમીન પર પડી ગયો. મને થયું, ‘આ સ્કેટિંગ ચેમ્પિઅન છે ?!’ હું એને કંઈક કહેવા જઉ એ પહેલા મને જોરથી એ જ કર્કશ અવાજ સંભળાયો, ‘ચી...લી...’ હું હજુ ફરીને જોઉ એ પહેલા તો જોરથી પાર્સલી મારી સાથે ભટકાયો અને મને ફુદરડી ફેરવી દીધી. એય આલુની જેમ જ ઝાડ સાથે ભટકાઈને આલુ પર પડ્યો. આલુનું તો સમજાય, પણ પાર્સલી આટલો મોટો થયો તો પણ એને ઊડતા નથી આવડતું ! ફુદરડી ફરીને મનેય માખીઓની જેમ ચક્કર ચડી ગયા.
આટલું ઓછું હોય એમ આલુ બોલ્યો, ‘હું જીત્યો.’ તો જોરથી થૂંક ઉડાડતા પાર્સલી બોલ્યો, ‘ના, હું જીત્યો.’ અને પછી બંનેએ જોરથી હસવાનું ચાલુ કર્યું. ક્યાંક ઝાડ સાથે ભટકાવાથી બંનેના મગજને નુકસાન તો નહીં થયું હોય ને ? મને તો હજુ ચક્કર આવતા હતા. ત્યાં કોઈએ મારો હાથ પકડ્યો.
હાશ ! મને બહુ સારું લાગ્યું. મેં કીધું, ‘થેન્ક યૂ, આ પાર્સલીએ તો બધું ગોળ ગોળ ફેરવી દીધું.’ ચક્કર ઓછા થયા ને પાછળ જોયું, તો મને પકડનાર બીજું કોઈ નહીં પણ કોકો હતી. એ મારી સામે બત્તીસી કાઢીને હસી રહી હતી. એણે મને પૂછયું, ‘ચીલી, તું બરાબર છે ?’ મારે એને કહી જ દેવું હતું કે, ‘તું અહીંયા હોય તો હું કેવી રીતે બરાબર હોઈ શકું ?’