થીઓના કેફે પર પોતાના માટે થઈ રહેલી પાર્ટી જોઈને ચીલીનો મૂડ માંડ સારો થયો હતો. પણ ત્યાં એણે કોકોને જોઈ અને બધાએ જે રીતે કોકોના વખાણ કર્યા, તેનાથી ચીલીને ફરી બધું બળવા લાગ્યું. એ પાર્ટી છોડીને જતો રહ્યો. એને જતો જોઈને આલુ એની પાછળ ગયો. હવે આગળ શું થાય છે એ આલુ જ કહેશે.
ચીલીની આંખમાં પાણી જોઈને મને ખૂબ દુઃખ થયું એના માટે તો આ પાર્ટી રાખી હતી અને એ જ... મને લાગે છે એકવાર હું એની સાથે વાત કરી લઈશ. એટલે બધું સરખું થઈ જશે.
હું એની પાછળ ગયો. નજીક જઈને એને બોલાવ્યો, ‘ચીલી, ક્યાં જાય છે ? ચલને આપણે સાથે ચીલી શેક પીએ !”
ચીલી પાછળ ફર્યો અને ખૂબ રડવા માંડ્યો અને બોલવા માંડ્યો, ‘તાલે જે કલવું હોય ટે કલ. પાલ્તી માલી છે, તો ટોટો અહીંયા સુ કલે છે ? ટુ માલો ફ્ર્લેન્ડ છે કે કોકોનો?’
ત્યાં તો પાર્સલી આવ્યો ને મને કાનમાં કહેવા લાગ્યો, ‘આલુભાઈ, આ શું બોલે છે ? આ રડતા રડતા બોલશે તો ખબર કેવી રીતે પડશે ? અને મને થયું, સરખું તો બોલે છે. મેં પાર્સલીને કહ્યું, ‘એ કહે છે, કે તારે જે કરવું હોય તે કર. પાર્ટી મારી છે, તો કોકો અહીંયા શું કરે છે ? તું મારો ફ્રેન્ડ છે કે કોકોનો ?
અને હું ચીલીને કંઈ કહું એ પહેલા તો પાર્સલી બોલવા માંડ્યો, ‘તને શરમ નથી આવતી ચીલી ! આલુભાઈએ તારા માટે આટલી મહેનત કરી. તું હારી ગયો છે, તો પણ તારા માટે આટલી મોટી પાર્ટી આપી ! અને તો પણ તું એમને ગમે તેવું બોલે છે !”
બસ, પછી તો ચીલીનું રડવાનું બંધ થઈ ગયું અને એ ગુસ્સાથી લાલપીળો થઈ ગયો અને કહેવા લાગ્યો, “તો નહોતું કરવું. મેં એને ક્યાં કહ્યું હતું કે મારા માટે પાર્ટી રાખ પણ મેં તો એના માટે પાર્ટી આપી હતી. એ જેટલી વાર સ્કેટિંગ પ્રેક્ટિસ કરતો હતો, ત્યારે હું એને ચિયર કરવા જતો હતો અને હું એને એવું પણ નહોતો કહેતો, કે ‘કદાચ કુલ્ફી જીતી જશે.’ હું કાયમ એવું જ કહેતો હતો, કે ‘આલુ, તું જ જીતીશ, તું કરી શકીશ.’ મેં ફુલ્ફીને મારો ફ્રેન્ડ નહોતો બનાવી લીધો !” મારી ઈચ્છા નહોતી તો પણ ચીલીને મારાથી દુઃખ થઈ ગયું હતું. એટલે મારાથી કહેવાઈ ગયું. ‘સોરી ચીલી, તું મારી વાત સાંભળ ને... હું તને કહું...’