આલુ-ચીલી - ચેપ્ટર–૧૬

ચીલી આલુ પર ખૂબ ગુસ્સે થઈ ગયો છે. એને એવું જ લાગે છે કે એના બેસ્ટ ફ્રેન્ડએ એનો સાથ ના આપ્યો. એટલે એ હારી ગયો. ખરેખર શું બન્યું હતું એ આલુ એને કહેવા માંગે છે. હવે આગળ...
મેં ચીલીને કહ્યું, ‘સોરી ચીલી, તું મારી વાત સાંભળ ને... હું તને કહું...’ હું મારી વાત ચીલીને કહું અને એને સમજાવું એ પહેલા તો પાર્સલી વચ્ચે કૂદી પડ્યો, ‘તમે શું કામ સોરી કહો છો ? એનું ખરાબ ના દેખાય એટલે તમે બધાને એવું કીધું, કે એણે કોકોને જીતવા દીધી. સોરી તો એણે તમને કહેવું જોઈએ !’
મને થયું, આ પાર્સલી ખોટા ટાઈમે ખોટી વાત બોલે છે. 
હવે ચીલી એકદમ ખીજાઈને બોલ્યો, ‘તો મેં નહોતું કીધું સોરી કહેવા માટે. એણે કહેવું જ હતું તો એવું કહેવું હતું કે, મેં મારા બેસ્ટ ફ્રેન્ડને ચિયર કરવાને બદલે બહારના લોકોને પ્રોત્સાહન આપ્યું. મેં ચીલીનો આત્મવિશ્વાસ તૂટી જાય એવો પ્રયત્ન કર્યો. મેં છેલ્લી મોમેન્ટ પર એની સાથેની ફ્રેન્ડશિપ તોડી નાખી !’ 
શું ? ચીલી શું બોલે છે ? મેં એની સાથેની ફ્રેન્ડશિપ તોડી નાખી ? મેં એનો આત્મવિશ્વાસ તોડી નાખ્યો ?

પણ ચીલી આટલાથી અટક્યો નહીં. એ આગળ બોલ્યો, ‘તું નાનો હતો, ત્યારથી મેં ક્યારેય તારો સાથ નથી છોડ્યો. જ્યારે બધા તને કહેતા હતા, કે તું સ્કેટિંગ નહીં કરી શકે ત્યારે પણ મેં ક્યારેય એવું નથી કીધું તને કે તું નહીં કરી શકે ! તું એટલો જાડો હતો, કે તું જે સ્કેટ્સ પહેરતો એ સ્કેટ્સ જ તૂટી જતા હતા. ત્યારે મેં સુગરીને કહીને તારી માટે સ્પેશિઅલ સ્કેટ્સ બનાવડાવ્યા ! આજે બધા ‘આલુ આલુ’ કરે છે. પણ તે વખતે તો તારી સામે પણ કોઈ નહોતું જોતું. તે કેમ મારી સાથે આવું કર્યું ?’

હાશ... ચીલીએ મને સામેથી પૂછ્યું, કે મેં કેમ આવું કર્યું ? હવે હું એને કહીશ એટલે એ સમજી જશે.
હું કંઈ કહું એ પહેલા તો પાર્સલી બોલ્યો, ‘તું આવી રીતે કેમ આલુભાઈ સાથે વાત કરે છે ? એ તને બેસ્ટ ફ્રેન્ડ માને છે ને તું ?’
ચીલી રડતા રડતા બોલ્યો, ‘હવે નથી આલુ મારો બેસ્ટ ફ્રેન્ડ ! હું એને ક્યારનો કહું છું, કે મને બધું બળે છે. પણ મારી સાથે વાત કલવા માટે એની પાસે તાઈમ જ ક્યાં છે. હવે મને મલવા કે માલી સાટે ટીલી સેક તીવા ક્યાલેય ના આવટો.’

એમ કહી ચીલી ત્યાંથી જતો રહ્યો. મને થયું, કે ચીલીએ મારી ફ્રેન્ડશિપ તોડી દીધી ? મારી વાત પણ ના સાંભળી ?
હું આંખો લૂંછીને પાછળ ફર્યો. જોયું તો થીઓ, એના ફ્રેન્ડસ અને કોકો પાછળ ઊભા ઊભા અમારી વાતો સાંભળી રહ્યા હતા. જીફ્ફી ચીલી કરતાં પણ વધારે જોરથી રડી રહ્યો હતો. બાકી બધાની આંખમાં પણ પાણી આવી ગયા હતા. સિવાય એક... પાર્સલી... પાર્સલી ચીલીથી પણ વધારે લાલ થઈ ગયો હતો. એ ગુસ્સામાં હજુ વધારે નુકસાન કરી દેશે તો ? પણ આનાથી વધારે તો શું નુકસાન થશે. ફ્રેન્ડશિપ તો ચીલીએ તોડી દીધી.

Cookies Consent

This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...