ચીલીએ આલુ સાથે ઝઘડો કર્યો. એમાં પાર્સલી વચ્ચે પડયો, એટલે ચીલી વધારે ગુસ્સે થયો. અને છેલ્લે એ આલુની ફ્રેન્ડશિપ તોડીને જતો રહ્યો. આ વાતથી આલુ-ચીલી ખૂબ દુઃખી છે અને પાર્સલી ચીલીના આવા વ્યવહારથી ખૂબ ગુસ્સે થયો છે. હવે આગળ આલુ શું કરશે ?
હજુ હું કોઈને કંઈ કહું એ પહેલા કોકો બોલી, ’સોરી આલુ, હું જયાં જઉં છું ત્યાં બધું ખોટું જ થાય છે !’ અને પછી એ પણ રડતી રડતી જતી રહી. પાર્સલીએ ફરી બોલવાનું ચાલુ કર્યું, ’આલુભાઈ, આ ચીલી બહુ ખરાબ બેસ્ટ ફ્રેન્ડ છે. તમે નવો બેસ્ટ ફ્રેન્ડ બનાવી લો. એકવાર હારી ગયો એમાં તો કેવું કરે છે ! હું મારા બેસ્ટ ફ્રેન્ડ માટે છાપાં (ન્યુઝ પેપર) માં એડ મૂકવાનો છું, તમારે પણ મૂકવી છે ?’ અને ત્યાં જ એના દિમાગમાં કોઈ જબરજસ્ત આઈડિયા આવ્યો અને એ મારી આજુબાજુ આવીને, આંખો પટપટાવીને, કાલુ-કાલુ બોલવા માંડયો, ‘આ...લુ...ભા...ઈ..., એક કામ કરીએ, તમે ને હું બેસ્ટ ફ્રેન્ડ્સ બની જઈએ.’

હું એને કંઈ કહું એ પહેલા એ બોલ્યો, ’હું બેસ્ટ સિંગર અને તમે બેસ્ટ ડાન્સર. વાહ ! શું જોરદાર પેર થશે આપણી !’ ત્યાં ફરી જીફફી જોરજોરથી રડવા માંડયો. મને ખબર નથી, કે એ પાર્સલીની વાતથી દુઃખી થઈને રડતો હતો કે પાર્સલી પોતાને બેસ્ટ સિંગર માને છે, એ સાંભળીને રડી પડયો હતો.
પાર્સલીને આમ મારી આજુબાજુ ઊડતા જોઈને મને ચક્કર આવી ગયા. મેં એને સૂંઢથી પકડીને ડાળી પર બેસાડયો અને કહ્યું, ’ચીલી અને હું બેસ્ટ ફ્રેન્ડ છીએ. અને ગમે તે થઈ જાય, કાયમ અમે બેસ્ટ ફ્રેન્ડ રહીશું જ...’
પાર્સલીએ મને પૂછયું, ’પણ એણે તો...’ મેં એને બોલતો અટકાવીને કહ્યું, ‘એ મારો બેસ્ટ ફ્રેન્ડ છે. હું સાવ નાનો હતો ત્યારથી અને કાયમ રહેશે!’

અમે બેસ્ટ ફ્રેન્ડ્સ કેવી રીતે બન્યા, એ વાત મેં એ લોકોને કહી સંભળાવી.

‘હું આખો દિવસ ઘરે જ રહેતો હતો. મને ક્યાંય જવું ગમતું નહોતું. પણ જયારે મેં પહેલીવાર સ્કુલમાં સ્કેટિંગ કલાસ વિષે સાંભળ્યું, તો મને સ્કેટિંગ કરવાનું બહુ મન થઈ ગયું. હું હિમંત કરીને સ્કેટિંગ ક્લાસમાં જોડાયો. ત્યારે એ બધાએ મને બહુ ચિડવ્યો, ’જોજે રોતલું, તું પડે તો તારો બધો કલર જમીન પર ઢોળાઈ ના જાય’, ‘હવે રંગીન રોતલું સ્કેટિંગ કરશે, સ્કેટ્સ પણ તારા કલર જેવા જ લેજે.’ હું બધાથી ભાગીને તળાવ પર જતો રહ્યો. ત્યાં તળાવના પાણીમાં પોતાને જોઈને એ જ વિચારતો હતો કે, ‘કેમ હું બધા કરતાં જુદો છું...’




