આલુ સાથે ફ્રેન્ડશિપ તોડીને ચીલી રડતો રડતો જતો રહ્યો છે. ત્યારે આલુ પોતાની અને ચીલીની નાનપણની વાત પાર્સલીને કરે છે. નાનપણમાં આલુના જુદા કલરના કારણે બધા એને ‘રંગીન રોતલું’ કહીને ચિડવતા હતા. જયારે આલુએ પહેલી વાર સ્કેટિંગ ટ્રાય કર્યું, ત્યારે બધાએ એને ખૂબ ચિડવ્યો. એટલે એ દુઃખી થઈને તળાવ પર જતો રહ્યો. હવે આગળ...

હું તળાવ પાસે બેઠો હતો. પાણીમાં પોતાનો પડછાયો જોઈને વિચારતો હતો, કે કાશ હું પણ બધા જેવો દેખાતો હોત ! તો મારી સાથે આવું ના થાત. ત્યાં જ મને અવાજ આવ્યો, ’એ જાડિયા, મને ઓળખ્યો ? હું ચીલી...’ મેં જોયું તો ચીલી પાણીમાં ઊંધો પડીને મજા કરતો હતો. વર્ષો પહેલા જયારે જંગલમાં આગ લાગી હતી, ત્યારે ચીલી સાથે મારી થોડી ઓળખાણ થઈ હતી. પણ હું એને ખાસ જાણતો નહોતો. પણ એ દિવસે તળાવ પર એણે મને એવી રીતે બોલાવ્યો, જાણે અમારી બહુ જૂની ઓળખાણ હોય.

એ મને કહેવા લાગ્યો, ‘હું મોટો થઈને મહાન સિંગર બનીશ અને આખું જંગલ મારો ઓટોગ્રાફ લેવા આવશે. તને જોઈતો હોય તો કહી દે. હું અત્યારે જ આપી દઉં.’
મેં વિચાર્યા વગર એને મારી નોટ આપી. તો કહેવા માંડયો, ‘જાડિયા, પહેલા તારું નામ તો કહે !’ તો મારાથી બોલાઈ ગયું, ’રંગીન રોતલું.’ તો એ જોર જોરથી હસવા લાગ્યો અને બોલ્યો, ’આવું કેવું નામ છે ? તું રંગીન રોતલું કેવી રીતે ? તારાથી વધારે તો હું રંગીન છું. તું રંગીન રોતલું, તો હું રંગીન છોતરું.’ હવે એક પોપટ પણ મારી મસ્તી કરે છે ! એમ વિચારીને મારું મોઢું પડી ગયું.

મારું મોઢું જોઈને એ સીધો મારા ખભા પર બેઠો અને કહેવા લાગ્યો, ‘જો આલુ, તું ચિંતા ના કરીશ. તું સ્કેટિંગ કર. તને કોઈ હેરાન કરશે તો હું એને જોઈ લઈશ.’ મેં એને પૂછ્યું કે, ‘તને મારું નામ કેવી રીતે ખબર છે ?’ તો એ કહે, ‘મને બધી ખબર હોય છે. તું બી રંગીન, હું બી રંગીન. તું બનીશ મારો બેસ્ટ ફ્રેન્ડ ?’ બેસ્ટ ફ્રેન્ડ ? મારું તો આખા જંગલમાં કોઈ ફ્રેન્ડ પણ નહોતું અને આ ચીલી તો સીધો મારો બેસ્ટ ફ્રેન્ડ બનવા તૈયાર થઈ ગયો !
બીજા દિવસે ચીલી મને પરાણે સ્કેટિંગ કરવા લઈ ગયો અને મને કહે, ‘જો આલુ, તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે. એટલે હું તને એક સિક્રેટ કહીશ. આજે તને કોઈ ચીડવેને, તો તું એને મોટી સ્માઈલ આપજે અને જો કોઈ તને હેરાન કરશે તો હું એને જોઈ લઈશ.’ મને થયું, આટલું નાનું બચ્ચું મોટા મોટા મદનિયાને કેવી રીતે જોઈ લેશે ? મેં કીધું, ‘પણ...’ તો એ વચ્ચે જ બોલી ઊઠયો,’ અરે રે, તને સ્માઈલ આપતા નથી આવડતું ? ઊભો રહે, હું શીખવાડું !’, આમ કહી એણે મને મોટી સ્માઈલ આપી.

એ એવો કાર્ટૂન લાગતો હતો, કે એને જોઈને મને હસવું આવી ગયું. તો મને કહે, ‘એ આલુ ! તને તો સ્માઈલ કરતા આવડી ગયું. ચલ, બાય...’ કહીને એ ઊડી ગયો.




