ચીલી આલુ સાથે ફ્રેન્ડશિપ તોડીને જતો રહ્યો. બધા આલુને પૂછે છે, કે ચીલીના આવા વર્તન પછી પણ કેમ એ ચીલીનો બેસ્ટ ફ્રેન્ડ રહેવા માગે છે ? ત્યારે આલુ એમના બાળપણની વાત કરે છે. બધા આલુને ‘રંગીન રોતલું’ કહીને ચીડવતા હતા. ચીલીએ આલુને શિખવાડ્યું હતું, કે કોઈ એને ચીડવે, તો એણે એક મોટી સ્માઈલ આપવાની. જ્યારે સ્કેટિંગ રીંગ પર બધા આલુને ચીડવશે, ત્યારે શું એ સ્માઈલ આપી શકશે ?
જેવા બે પગમાં સ્કેટ્સ પહેર્યા, કે બધા મદનિયાઓએ મને ‘રંગીન રોતલુ, રંગીન રોતલું’ કહેવાનું ચાલુ કર્યું.

મને ફરી ડર લાગ્યો, એકલું લાગ્યું. ત્યાં તો ઝૂ…મ… કરતો ચીલી ઊડીને, મારી પાસે આવીને મને કહે, ‘રંગીન છોતરાએ શિખવાડ્યું એ આટલું જલદી ભૂલી ગયો ? સ્માઈલ !’ અને પછી બધા મદનિયાઓને જોરથી કહ્યું, ‘છીછ… છીછ… તમારા બધાનું નામ કહો. મારે મારી નોટમાં તમારું નામ લખવું છે. હું જ્યારે બેસ્ટ સિંગર બનીશ, ત્યારે તમને કોઈને મારો ઓટોગ્રાફ નહીં આપું. તમે મારા બેસ્ટ ફ્રેન્ડને હેરાન કરો છો ને !’ બોલો, હજુ તો એ સિંગર પણ નહોતો બન્યો અને રોફ એનો વિનરવાળો હતો. એની વાત સાંભળીને મને હસવું આવી ગયું.
મને હસતા જોઈને એણે જોરથી બૂમ પાડી, ‘રંગીન રોતલું ! તું તો જલદી શીખી ગયો…’ આ સાંભળીને મારા મોં પર હજુ મોટી સ્માઈલ આવી ગઈ.

એ સ્માઈલે મેજિક કર્યું. જ્યારે એ લોકો મને ચીડવતા ત્યારે હું સ્માઈલ કરતો. એટલે એ લોકોને મને ‘રંગીન રોતલું’ કહીને ચીડવવામાં મજા આવવાની બંધ થઈ ગઈ. થોડા દિવસમાં તો એમણે મને ચીડવવાનું બંધ કરી દીધું. બસ, ત્યાર પછી હું ને ચીલી ક્યારેય છૂટા નથી પડ્યા.

પાર્સલી, જે અત્યાર સુધી ચીલી પર ગુસ્સે હતો એ કહેવા લાગ્યો, ‘તમને કોઈને ખબર નથી. મારો ચીલીભાઈ તો વર્લ્ડનો બેસ્ટ ભાઈ છે.’
મેં પાર્સલીને કહ્યું, ‘કંઈ પણ થાય, હું ને ચીલી છૂટા નહીં પડીએ. ચાલ, આપણે એને શોધી કાઢીએ.’
અમે બધા જંગલમાં ચીલીને શોધવા નીકળ્યા. પાર્સલી આગળ ઊડી ગયો. પહેલા અમે તળાવે ગયા. ત્યાં એ નહોતો. સ્કૂલે ગયા, ત્યાં પણ નહોતો. પછી અમે ચીલીના ઘરે ગયા, તો એ ત્યાં પણ નહોતો. ચીલીના મમ્મી પણ અમારી વાત સાંભળીને અમારી સાથે ચીલીને શોધવા નીકળ્યા. પછી મને યાદ આવ્યું, કે એ ચોક્કસ નદીએ ગયો હશે. એ જ નદી, જ્યાં અમે બેસ્ટ ફ્રેન્ડ બન્યા હતા. જેમ જેમ નદી નજીક આવતી ગઈ, મને વિશ્વાસ થતો ગયો, કે ચીલી અહીંયા જ હશે. ત્યાં તો મને નદીમાં કોઈના તરવાનો અવાજ આવ્યો. હું ખુશ થઈ ગયો, કે ચીલી મળી ગયો. હું આગળ દોડીને ગયો.
જોયું તો પાર્સલી નદીમાં તરતો હતો. મને પહેલીવાર પાર્સલીને જોઈને ચીઢ ચડી. મેં એને અકળાઈને પૂછ્યું, ‘પાર્સલી, તું ચીલીને શોધવાને બદલે આ શું કરે છે ?’





