ચીલી અને આલુના ઝઘડા પછી ચીલી ક્યાંય મળતો નથી. એને શોધતા શોધતા આલુ નદી કિનારે જાય છે. ત્યાં પાર્સલીને પાણીમાં તરતો જોઈને આલુ અકળાઈ જાય છે. હવે આગળ…
પાર્સલીને પાણીમાં તરતો જોઈને મેં અકળાઈને પૂછ્યું, ‘પાર્સલી, તું ચીલીને શોધવાને બદલે આ શું કરે છે ?’
પાર્સલીએ કહ્યું, ‘આલુભાઈ, આટલી નથી ખબર ? હું અહીંયા મારા ફ્યૂચર બેસ્ટ ફ્રેન્ડની રાહ જોઉ છું. જે રીતે ચીલીને તમે મળ્યા હતા, એ રીતે મને પણ અહીંયા મારો બેસ્ટ ફ્રેન્ડ મળશે !’, કહીને એ હસ્યો. ખરેખર મને લાગે છે, કે પાર્સલીના મગજના તાર હલી ગયા છે.
બધા હાંફળા-ફાંફળા થઈને ચીલીને શોધે છે અને આ પાર્સલી પોતાના બેસ્ટ ફ્રેન્ડની શોધમાં પડ્યો છે ! આવું કોણ કરે ?!
ચીલીના મમ્મીએ મને ઘરે જવા કહ્યું. એમને ખાતરી હતી, કે રાત પડશે એટલે ચીલી ઘરે આવી જ જશે. એમણે પાર્સલીને પણ ‘ચીલીશેક’ની લાલચ આપીને ઘરે મોકલ્યો.

પણ મારે ઘરે નહોતું જવું. મારો બેસ્ટ ફ્રેન્ડ મારાથી દુઃખી થઈને ક્યાંક જતો રહ્યો હતો. સાચું કહું તો હવે મને ખરેખર ચીલીની ચિંતા થતી હતી.
ઘરે માને જોતા જ હું દોડીને એમને ભેટી પડ્યો. મેં કહ્યું, ‘મા ચીલી…’ તો માએ મને કહ્યું, ‘ચિંતા ના કર, હું તને નવા ફ્રેશ લાડુ બનાવી આપીશ.’ આજે બધાને થયું છે શું ? ચીલી મળતો નથી અને એક બાજુ પાર્સલી બેસ્ટ ફ્રેન્ડ શોધવા નીકળ્યો છે, તો બીજી બાજુ મા લાડુની વાતો કરે છે. મેં ગુસ્સામાં કહ્યું, ‘મા, એક તો ચીલી મળતો નથી અને તમે લાડુ લાડુ કરો છો ? મારી તો ભૂખ જ મરી ગઈ છે.’ તો મા મને કહે, ‘હેં ? ચીલી નથી મળતો ?’
‘હા મા, આખા જંગલમાં શોધી લીધો. પણ ક્યાંય ના મળ્યો.’

જાણે હું બીજી જ ભાષામાં બોલતો હાઉ એવી રીતે મા મારી સામે જોઈ રહ્યા અને પછી બોલ્યા, ‘ચીલી ક્યાં ખોવાઈ ગયો છે !’ હવે મારી અકળામણ વધી ગઈ. “એ ક્યાં ખોવાઈ ગયો છે એ ખબર હોત તો ‘એ ખોવાઈ ગયો છે’, એવું હું કહેત જ નહીં ને !”
તો મા મને કહે, ‘અરે, ચીલી તો એ સૂતો તારા પલંગ પર. તારા બધા લાડુ ખાઈ ગયો છે.’ મેં એને કહ્યું, ‘રહેવા દે, તારું પેટ ફાટી જશે.’ પણ એ તો રોકાયો જ નહીં. કહેવા લાગ્યો, ‘આલુને હું સજા આપીશ. એના બધા લાડુ ખાઈ જ જઈશ. પછી એને ખબર પડશે ! હું એનો બેસ્ટ ફ્રેન્ડ છું તો પણ એ કોકોની સાઈડ લે છે. આજે ભૂખ્યો રહેશે એટલે ખબર પડશે !’ બોલતો ગયો અને ખાતો ગયો. મેં એને પૂછ્યું, ‘શું તારો ને આલુનો ઝઘડો થયો છે ?’

તો કહે, ‘આંટી, મેં આલુને કહ્યું, કે અમારી ફ્રેન્ડશિપ પૂરી. પણ એવું કીધું તો આલુ રડવા માંડ્યો ને તમને તો ખબર છે ને, કે એ રડે, તો મને દુઃખ થાય છે. એણે ગમે તેટલું ખરાબ કર્યું હોય, પણ મારા કારણે એ રડે, તો મને કેવી રીતે ગમે ? એટલે મેં ફ્રેન્ડશિપ તોડવાનું કેન્સલ રાખ્યું. હું બધા લાડુ ખાઈ જઈશ અને એની સાથે ઝઘડો પણ કરીશ. તમે મને આજે રોકતા જ નહીં.’ એણે એટલા લાડુ ખાધા, કે અહીંયાથી ઊભો જ નહોતો થઈ શકતો. પછી મેં એને ઉપાડ્યો અને તારા પલંગ પર બેસાડ્યો. જેવો એને પલંગ પર બેસાડ્યો કે સૂઈ ગયો. કલાક થયો, એટલા જોરથી નસકોરા બોલાવે છે, કે તારા પપ્પા તો અવાજથી થાકીને બહાર જતા રહ્યા.




