નાનો ધૈર્ય હંમેશા બીજા લોકો સાથે ઝઘડા કરી બેસતો હતો. આમ, તે હંમેશા બીજાને નુકસાન પહોંચાડતો અને દુઃખ આપતો. ઘણી વખત, ધૈર્યના પિતા તેને આ રીતે વર્તન ન કરવા સમજાવતા. પણ ધૈર્ય હંમેશા એવું બહાનું કાઢીને છટકી જતો કે, "શું આને બીજાને દુઃખ પહોચાડ્યું કહેવાય? મને એવો કોઈ ખ્યાલ નહોતો."
એક દિવસ તેના પિતાએ તેને ખીલ્લીઓથી ભરેલી થેલી આપી અને કહ્યું, "ધૈર્ય, આજથી જ્યારે પણ તું કોઈને દુઃખ પહોંચાડે, ત્યારે આ થેલીમાંથી ખીલ્લી લઈને લાકડાના ટુકડામાં મારી દેજે." ધૈર્યએ કુતૂહલવશ પૂછ્યું, "આમ કરવાથી શું થશે?" આના પર તેના પિતાએ જવાબ આપ્યો, "તું જાતે જ અનુભવ કરીશ."
બીજા દિવસે, ધૈર્ય તેની બહેનને "શોર્ટી... શોર્ટી..." કહીને ચીડવતો હતો, આ સાંભળીને તેના પિતાએ ધૈર્યને કહ્યું, "દીકરા, બીજાને ચીડવવું એ તેમને દુઃખ આપ્યા બરાબર જ છે." "એવું છે !" ધૈર્યએ આશ્ચર્યમાં પૂછ્યું. તેણે તરત જઈને લાકડામાં ખીલ્લી મારી.
એક દિવસ, ધૈર્યના મિત્રએ તેને પૂછ્યા વગર લખવા માટે તેની નવી પેન ઉપાડી. આનાથી ધૈર્ય એટલો નારાજ થયો કે તેણે તેના મિત્રનું પેન્સિલ બોક્સ બારીમાંથી બહાર ફેંકી દીધું. જ્યારે ધૈર્યના શિક્ષકે તેના પિતાને આ અંગે ફરિયાદ કરી, ત્યારે તેના પિતાએ તેને ફરીથી સમજાવ્યું કે, "તેં આ કરીને તારા મિત્રને દુઃખ પહોંચાડ્યું છે."
ધૈર્યને તેના ટીચરથી ઈરીટેશન થતું હતું. અને તે મનોમન તેના શિક્ષકની ટીકા કરવા લાગ્યો. ધૈર્યના પિતા સમજી ગયા કે તે તેના શિક્ષક માટે નેગેટિવ વિચારી રહ્યો છે. તેથી તેમણે તરત જ ધૈર્ય તરફ ધ્યાન દોર્યું અને કહ્યું, "અન્ય વિશે નકારાત્મક વિચારવું એ તેમને દુઃખ આપ્યા બરાબર જ છે". તે દિવસે ધૈર્યએ લાકડામાં બે ખીલ્લી મારી દીધી.
આ રીતે, જ્યારે પણ ધૈર્ય જૂઠું બોલે, પોતાની પાસે હોવા છતાં અન્યની વસ્તુઓ લઈ લે, પોતાની સ્કીલ્સ પર ગર્વ લે, ઈર્ષ્યા કરે કે બીજા સાથે સ્પર્ધા કરે, ત્યારે તેના પિતા તેને તરત જ ચેતવણી આપતા. ધૈર્ય હંમેશા તેના પિતાની વાત માનતો અને દરેક વખતે લાકડામાં ખીલ્લી મારતો.
ટૂંક સમયમાં એ દિવસ આવી ગયો જ્યારે તેણે બીજાઓને નુકસાન પહોંચાડવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું. તેણે તેના પિતાને કહ્યું, "પપ્પા, હવે હું કોઈને દુઃખ નથી આપતો, તો મારે આ લાકડાના ટુકડાનું શું કરવું જોઈએ?" તેના પિતાએ ખૂબ જ પ્રેમથી જવાબ આપ્યો, "હવે લાકડાના ટુકડામાંથી બધી ખીલ્લીઓ કાઢી નાખ."
પિતાની સલાહથી કન્ફયુઝ ધૈર્યએ પિતાએ કહ્યું એ પ્રમાણે કર્યું. બધી ખીલ્લી કાઢ્યા પછી, તે તેના પિતાને લાકડાનો ટુકડો બતાવવા ગયો. તેના પિતાએ કહ્યું, "સારું, પણ શું તે આ લાકડાના ટુકડાના બધા કાણાં જોયા? હવે, જો તારે તે કાણાંને ભરીને લાકડાને પહેલા જેટલું સારું બનાવવું હોય, તો તું શું કરીશ ?
"ધૈર્યએ જવાબ આપ્યો, "મારે ખૂબ મહેનતથી દરેક કાણાંને લાકડાંનો વહેર અને ગુંદરથી ભરવું પડશે." તેના પિતાએ કહેવાની તક ઝડપી લીધી, "બરાબર, એ જ રીતે, જ્યારે આપણે બીજાને દુઃખ પહોંચાડીએ છીએ, ત્યારે આપણે તેમને એવા ઘા આપીએ છીએ જે તેની જાતે રૂઝાતા નથી." ધૈર્ય એ તેના પિતાને પૂછ્યું, "પપ્પા, આનો કોઈ ઉકેલ તો હોવો જોઈએ ને?"
તેના પિતાએ જવાબ આપ્યો, "હા, પ્રતિક્રમણ. દિલથી માફી માંગવાથી, બધા ઘા રૂઝાય છે." ધૈર્ય સમજી ગયો કે બીજાને દુઃખ આપવું કેટલું જોખમી છે અને તેણે તે દિવસથી નક્કી કર્યું કે હવેથી ક્યારેય કોઈને દુઃખ નહિ આપે.