આશીર્વાદ

સ્વામી વિવેકાનંદ અમેરિકા જવાના હતા. જતાં પેહલાં તે પોતાની માતા શારદાદેવી પાસે આશીર્વાદ લેવા માટે ગયા. જઈને કહ્યું, “હું અમેરિકા જઈ રહ્યો છું. મને આશીર્વાદ આપો.”

          માતાના ચરણોમાં મસ્તક નમાવ્યું, પરંતુ માતાએ આશીર્વાદ ના આપ્યા અને ચૂપચાપ ઊભા રહ્યા. સ્વામીજીએ ફરીથી આશીર્વાદ માગ્યા, છતાં તેઓ મૌન રહ્યા. ઘણાં સમય પછી માતાએ સ્વામીજીને રૂમમાં રાખેલી છરી લાવવા કહ્યું. સ્વામીજીએ છરી લાવી આપી પણ આશીર્વાદ સાથે તેનો શો સંબંધ છે તેના વિશે તેમને ખ્યાલ આવ્યો નહીં. જોકે છરી મળતાની સાથે જ માતાએ આશીર્વાદનો વરસાદ વરસાવી દીધો.

         સ્વામીજીએ ચકિત થઈને તેના વિશે પૂછ્યું, તો માતાએ તેના વિશે જણાવ્યું, “બેટા, મેં જયારે છરી માગી તો તેં તેની ટોચ તારા હાથમાં પકડીને તેની બીજી બાજુ મારા હાથમાં આપી. તેનાથી હું સમજી ગઈ કે તું તમામ ખોટી બાબતો પોતાની પાસે રાખીને લોકોનું ભલું જ કરીશ. પોતે ભલે ઝેર ગ્રહણ કરવું પડે, પણ લોકોને તો અમૃત જ વહેંચીશ. તેથી હું તને અંતરથી આશીર્વાદ આપું છું.”

         આ સાંભળીને સ્વામીજીએ કહ્યું, “પણ હું આવું નથી વિચારતો. મેં તો એ વિચારીને છરીની ટોચ મારી તરફ રાખી, કે તમને ઇજા ન થાય.”

          ત્યારે માતા વધારે પ્રસન્ન થઈને બોલ્યા, “તે તો વધારે સારી વાત છે. તારા સ્વભાવમાં જ ભલાઈ છે. તું ક્યારેય કોઈનું ખોટું કરીશ નહીં. જા, મારા આશીર્વાદ સતત તારી સાથે છે.”

          અને ખરેખર, સ્વામી વિવેકાનંદજીનું સમગ્ર જીવન બીજાની ભલાઈમાં જ પસાર થયું.