કાર્ટૂન સ્ટોરી-૧

કાર્ટૂન સ્ટોરી-૧ - જીમ્મીએ પાઠ શીખ્યો

આ વાર્તા કારલેન્ડ નામના શાનદાર શહેર વિશે છે, જ્યાં તમામ વાહનો બોલી શકતા હતા !

આ શહેર તેના સુવ્યવસ્થિત ટ્રાફિક વ્યવહાર માટે જાણીતું હતું. તમામ વાહનો સાવચેતીથી નિરીક્ષણ હેઠળ હોવાથી, આ શહેરમાં ક્યારેય એક પણ અકસ્માત થયો ન હતો. રેડ સિગ્નલ પર, તમામ સારી વર્તણૂકવાળા વાહનોએ ધીરજપૂર્વક રાહ જોઈ અને અન્ય વાહનોને પસાર થવા દીધા.

એક દિવસ ટિયાના નામની એક તોફાની કાર, કારલેન્ડમાં આવી. તેને બીજાને હેરાન કરવામાં આનંદ આવતો હતો અને અન્ય કાર માટે શાંતિથી ચાલવું મુશ્કેલ બનાવી દીધું હતું.

બધી કાર્સ ટિયાનાથી ડરતી હતી.

તેનો ફેવરેટ લક્ષ્ય જીમ્મી હતી, જે કારલેન્ડની સૌથી નિષ્ઠાવાન કાર્સમાંની એક હતી.

એક દિવસ જીમ્મી ટિયાના પર ગુસ્સે થઈ ગઈ જ્યારે તેણે તેને પાર્કિંગની જગ્યા પર ઉભી જોઈ. જીમ્મી - ઓય ટિયાના, આ મારી પાર્કિંગની જગ્યા છે! તું બીજે કેમ પાર્ક નથી કરતી? અને ટિયાના ત્યાંથી ખસી જ નહીં. ટિયાના - કેમ, આ જગ્યામાં તારું નામ લખેલું છે ? હું અહીંયા જ પાર્ક કરીશ, હા…હા…હા

આવો ટિયાનાનો સ્વભાવ હતો. બિચારી જીમ્મી… દરેક વખતે તેના બચાવમાં કોણ આવશે? એક દિવસ, અચાનક જીમ્મીને અંકલ હેન્રી વિશે વિચાર આવ્યો !!

આ અંકલ હેન્રી છે. અંકલ હેન્રી અથવા 'હેપ્પી હેન્રી'. એ વૃદ્ધ હોવા છતાં, એ ખૂબ જ મિલનસાર હતા. નાની ટિયાના હેપ્પી ઓલ્ડ હેન્રી વિશે જાણતી ન હતી, કારણકે એમણે લાંબા સમયથી મુખ્ય રસ્તાઓ પર વાહન ચલાવવાનું બંધ કરી દીધું હતું. જો કે, અન્ય તમામ કાર એમને ઓળખતી હતી કારણ કે જ્યારે પણ તેમની કાર બગડતી હતી, ત્યારે એમણે તેમને મદદ કરી હતી.

જીમ્મી અંકલ હેન્રીને એમના ગેરેજમાં મળવા ગઈ. તેને ટિયાના સાથેની પ્રોબ્લેમમાંથી બહાર નીકળવા માટે કેટલીક સલાહ જોઈતી હતી.

અંકલ હેન્રી આરામ કરી રહ્યા હતા. તે અંકલ હેન્રીની નજીક ગઈ અને કહ્યું, "અંકલ હેન્રી!" હેન્રીએ ધીમેથી આંખો ખોલી.

"ઓહ જીમ્મી, તું છે ! આટલા લાંબા સમય પછી તને જોઈને આનંદ થયો. કેવું ચાલે છે બધું ?" “અંકલ, એક નવી કાર છે, ટિયાના; તે મને ખૂબ પજવે છે." જીમ્મીએ અકળાઈને કહ્યું. "અને તું તેની સાથે કેવી રીતે વ્યવહાર કરે છે ?" હેન્રીએ તેને પૂછ્યું. "હું તેની સાથે ઝઘડો કરીને થાકી ગઈ છું." જીમ્મીએ જવાબ આપ્યો

“આ જ નિયમ આપણાં રોજબરોજનાં જીવનમાં પણ લાગુ પડે છે. કોઈની સાથે ઝઘડો ન કરો, ”અંકલ હેન્રીએ કહ્યું.

"પણ અંકલ, જો કોઈ મારી સાથે જાણીજોઈને ઝઘડે તો મારે શું કરવું જોઈએ?" જીમ્મીએ પૂછ્યું. "જો તમે વાહન ચલાવી રહ્યા હોય ત્યારે જો કોઈ ટ્રાફિક નિયમ તોડે અને તમારી સામે આવે તો તમે શું કરશો ?" હેન્રીએ પૂછ્યું. જીમ્મીએ તરત જ જવાબ આપ્યો, "અકસ્માત ટાળવા માટે હું રસ્તામાંથી બહાર નીકળી જઈશ."

“કેમ ?” અંકલ હેન્રીએ ફરીથી પૂછ્યું. "કારણ કે તે અકસ્માત મને નુકસાન પહોંચાડશે અને હું મરી પણ શકું છું !" જીમ્મીએ જવાબ આપ્યો

અંકલ હેન્રીએ કહ્યું, “જેને જીવનમાં શાંતિ જોઈતી હોય તેણે એડજસ્ટ થવું પડશે. જે અથડામણો ટાળવા માટે મક્કમ છે તે હંમેશા એડજસ્ટ થવાના રસ્તા શોધશે. આમ તેની કોમનસેન્સનો પણ વિકાસ થશે. એ કુદરતનો નિયમ છે.” જીમ્મીએ વચન આપ્યું, “ઓહ! હવેથી હું કોઈની સાથે ઝઘડામાં નહીં ઉતરું.”

ટૂંક સમયમાં જ ટિયાનાને જીમ્મીને ચીડવવામાં રસ જતો રહ્યો. કારણ કે તે હવે ગુસ્સે થતી ન હતી. અંતે, તેણે જીમ્મીને ઉશ્કેરવાનું બંધ કર્યું. આ રીતે, જીમ્મી દરેક સમયે ‘અથડામણ ટાળો’ની સમજણને એપ્લાય કરવાનું શીખી, પછી તે રસ્તામાં હોય કે જીવનમાં.

Cookies Consent

This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...