એકવાર, એક સુંદર તળાવ હતું જ્યાં માછલી અને કાચબા જેવા ઘણા સુખી જળચર પ્રાણીઓ રહેતા હતા. તેમની વચ્ચે ચેરી નામની ખુશખુશાલ માછલી રહેતી હતી, જે તેના મિત્રો સાથે મજા માણવાનું પસંદ કરતી હતી. જો કે, ચેરી ઘણીવાર નારાજ થતી હતી, કારણ કે બાળકો તળાવ પર આવતા હતા, કાંકરા ફેંકતા હતા અને છબછબિયા કરી આસપાસ છાંટા ઉડાડતા હતા, જેના કારણે ઘણો અવાજ અને ખલેલ પડતી હતી. તેને બાળકો ગમતાં ન હતાં અને તેનો દિવસ બગડવા માટે બાળકોને જવાબદાર માનતી હતી.
એક દિવસ, બાળકો તળાવ પર આવ્યા ન હતા. ચેરી ઉત્સાહિત હતી અને વિચાર્યું, "આજનો દિવસ અત્યાર સુધીનો શ્રેષ્ઠ દિવસ હશે !" પણ જેમ જેમ દિવસ પસાર થતો ગયો તેમ તેમ તે અન્ય બાબતોથી ચિડાઈ જતી હતી. તેના પડોશીઓની ચીટ-ચૅટ, બતકના અવાજથી અને આજુબાજુ ચાલતા લોકો, આ બધાને લીધે તે પરેશાન રહેતી હતી. તેને સમજાયું કે બાળકો વિના પણ તે હજી નાખુશ જ છે.
દિવસના અંતે, ચેરીએ ઊંડાણપૂર્વક પોતાની જાત પર વિચાર કર્યો કે, શા માટે તે હજી પણ નાખુશ હતી ? સાચું કારણ શું હતું ? બાળકો કે અન્ય વસ્તુઓ ? ચેરી તેના વિચારોમાં ખોવાઈ ગઈ અને તેને અચાનક સમજાયું કે, બાળકો કે અન્ય કોઈના કારણે તે પરેશાન નથી. તે વસ્તુઓ સામે જોવાની તેની પોતાની દ્રષ્ટિ અને તેનું પોતાનું વલણ જ હતું.
ચેરી સમજી ગઈ કે જ્યાં સુધી બહાર દેખાતાં પરિબળો હતાં ત્યાં સુધી તેને તે દોષિત માનતી હતી. પરંતુ જ્યારે તે પરિબળો અદૃશ્ય થઈ ગયા, ત્યારે તેને સમજાયું કે એતો તેની આસપાસના વાતાવરણને જોવાની પોતાની દ્રષ્ટિ જ હતી. તેની આજુબાજુની દરેક બાબતમાં ખામીઓ શોધવાની અને ફરિયાદ કરવાની તેની આદત તેને દુઃખી કરતી હતી.
તરત જ તેને આ બધું સમજાયું. ચેરીએ બીજા જ દિવસથી તેના પર કામ કરવાનું શરૂ કર્યું. તેણે દરેક નાની બાબતમાં સવળું જોવાનું અને ફરિયાદ બંધ કરવાનો પ્રયત્ન કર્યો. તેણે દરરોજ ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું, અને કોઈ પણ પરિસ્થિતિમાં ક્યારેય પણ, કોઈની ભુલો ન જોવાય, ફરિયાદ ન કરાય તે માટે સવળી દ્રષ્ટિ રાખવાની શક્તિ માંગી.
થોડા દિવસો પછી, બાળકો તળાવ પર પાછા ફર્યા. તેઓ હંમેશની જેમ છબછબિયા કરતાં રમતાં હતાં, પણ આ વખતે ચેરીને આશ્ચર્ય થયું કે, તેને તેમના માટે કોઈ અવળા વિચારો ન આવ્યા. અને ખરેખર, ચેરીએ હેરાન થવાને બદલે તેમના મોંઢા પરનો આનંદ અને હાસ્ય જોયું. તેને રમતિયાળ બાળકો આનંદદાયક લાગ્યાં અને તેની અંદરના આનંદને જોયો. એ જ રીતે, તેણે તેની અંદર રહેલી સવળી દ્રષ્ટિને પણ જોઈ.
બતકનો અવાજ અને ત્યાંથી પસાર થતા લોકોને કારણે પણ હવે તે પરેશાન થતી ન હતી. તેની પ્રાર્થના સફળ થઈ ગઈ ! ચેરી શીખી કે સવળી દ્રષ્ટિએ તેના જીવનને વધુ સુખી બનાવી દીધું હતું. તેણે ફરિયાદ કરવાનું બંધ કર્યું અને દરેક વસ્તુમાં અને તેની આસપાસના દરેકમાં બેસ્ટ જોવાનું શરૂ કર્યું. અને ત્યારથી ચેરી તળાવમાં આનંદથી રહેવા લાગી.