ધ્રુવ શીખ્યો ABC



આખરે સ્કૂલ પૂરી થઈ અને ધ્રુવ ઘરે પહોંચ્યો. "ધ્રુવ, તારું સ્વેટર ક્યાં છે?" ધ્રુવે આશ્ચર્યથી મમ્મી સામે જોયું. એને કંઈ યાદ નહોતું આવતું. "બેટા, તારી વસ્તુઓની સંભાળ રાખવાનું શીખ...." તેણે મમ્મીની વાત પર બહુ ધ્યાન ના આપ્યું.

ધ્રુવ એના ફ્રેન્ડ આકાશને મળવા ગયો. "આકાશ, હું તારી સ્ટોરી બુક વાંચવા લઉં.?" "હા, પણ તું પહેલા જે બુક લઈ ગયો છે એ પાછી લેતો આવજે." "મેં તને પાછી નથી આપી?" "ના! તે ખોઈ તો નથી નાંખી ને ? મારી બુક પાછી આપી જા, પછી હું બીજી આપીશ." ધ્રુવ મૂંઝાતો ઘરે આવ્યો. બુક ક્યાં મૂકી હતી તે એને યાદ જ નહોતું આવતું.

રાત થઈ ગઈ હતી એટલે ધ્રુવ સૂઈ ગયો. સ્વપ્નમાં એને એક વાંકડિયા વાળવાળો, હેટ પહેરેલો માણસ ઝાડની નીચે બેઠેલો દેખાયો. એના હાથમાં એક લાકડી હતી. જેવો ધ્રુવ તેની પાસે ગયો, તો એણે ત્યાં વસ્તુઓનો એક ઢગલો જોયો. "એય, આ બધી વસ્તુઓ તો મારી છે. તમે કોણ છો?" ધ્રુવે ઘાંટો પાડીને પૂછ્યું.

"હું અંકલ કેર છું," એણે હસીને કહ્યું. "તમે મારી વસ્તુઓ ચોરી છે. તમે ચોર છો." ધ્રુવે જોરથી કહ્યું. "મેં ચોરી નથી કરી પણ ભેગી કરી છે. તું આ બધું જ્યાં ને ત્યાં મૂકીને જતો રહ્યો હતો. ...બસમાં, પાર્કની બેન્ચ પર...આ લિસ્ટ તો બહુ લાંબુ છે," અંકલ કેરે જવાબ આપ્યો.

"ઓહ! પણ આ વસ્તુઓ મારી છે. મને પાછી આપી દો !" "ના, હવે તે તારી નથી. પણ જો તારે પછી જોઈતી હોય તો CCC કર. એટલે કે કલેક્ટ કેર કૂપન્સ. એ માટે તારે એક સરળ નિયમ ABC પાળવાનો, એટલે કે 'ઓલવેઝ બી કેરફૂલ," અંકલ કેરે તરત જવાબ આપ્યો. "પણ મારાથી એ કેવી રીતે થશે, અંકલ કેર?" ધ્રુવે પૂછ્યું.

"કામની વસ્તુઓ પેક કરવામાં કાળજી રાખ. વસ્તુઓ લીધા પછી તેની જગ્યાએ પાછી મૂકી કે નહીં એનું ધ્યાન રાખ. ઉછીની લીધેલી વસ્તુઓ પાછી આપવાનું યાદ રાખ. તારી જવાબદારીઓનું ભાન રાખ. દરેક કાર્ય કર્યા પછી વિચાર, "શું મેં બધી કાળજી રાખી ?" આમ ધીમે ધીમે તું શીખી જઈશ. એકદમ સહેલું છે, ABC - ઓલવેઝ બી કેરફૂલ."

"આ બધી બાબતની કાળજી રાખવા માટે તુ તૈયાર છે ને?" અંકલ કેરે પૂછ્યું. "હા, હું તૈયાર છું. મને મારી વસ્તુઓ પાછી જોઈએ છે," ધ્રુવે કહ્યું. ધ્રુવ અંકલ કેરનો આભાર માનવા જતો હતો, ત્યાં જ એની મમ્મીનો અવાજ સંભળાયો. "ધ્રુવ, ચાલ ઊઠી જા હવે ! સ્કૂલે જવાનું મોડું થશે." અને ધ્રુવ સપનામાંથી જાગી ગયો.

રીસેસ પડી એટલે ધ્રુવ રમવા માટે બહાર ગયો. બેલ વાગતા તે કલાસમાં પાછો જતો હતો, ત્યાં જ તેને અંકલ કેરના શબ્દો યાદ આવ્યા. એણે પાછું વળીને જોયું તો એની પાણીની બોટલ ઘાસમાં પડી હતી. એ દોડીને બોટલ લઈ આવ્યો. એણે મનોમન અંકલ કેરનો આભાર માન્યો.

તમને લાગે છે કે ધ્રુવે પોતાની વસ્તુઓ પાછી મેળવવા માટે જરૂરી કુપન ભેગા કર્યા હશે? આપણને ખબર છે કે એણે ABC નો સરળ નિયમ પાળ્યો પછી એણે પોતાની એકપણ વસ્તુ કે ફ્રેન્ડશીપને ગુમાવી નથી.