"વૂફ વૂફ", મારો કૂતરો, કૂપર આવ્યો અને મારા પલંગ પર મારી બાજુમાં બેસી ગયો. સવારના 6 વાગ્યા હતા, અને હું હજુ પણ મારી આવનારી દિવાળીની ઉજવણી વિશે સપના જોતો હતો. એટલામાં જ મારી મમ્મીએ બૂમ પાડી, "મનન, ઉઠ! તારે શાળાએ જવામાં મોડું થશે." અનિચ્છાએ, હું ઉભો થયો અને શાળાએ જવા માટે તૈયાર થવા લાગ્યો. મિત્રો, આગળ વધતા પહેલા હું મારો પરિચય આપું. મારું નામ મનન છે, હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું અને આ મારી સ્ટોરી છે!
તમામ તહેવારોમાં દિવાળી મારો પ્રિય તહેવાર છે. શું તમે જાણો છો શા માટે? કારણ કે તે રંગો, ફટાકડા, જાતજાતની વાનગીઓ અને રજાઓ આ બધું તેની સાથે લઈને આવે છે. હું શાળાએ જતો હતો ત્યારે મારા પપ્પાએ બૂમ પાડી, "મનન! તારે આજે ફટાકડા ખરીદવા જવું છે?"
હુરે!!" હું આનંદથી બોલી ઉઠ્યો. "હા પપ્પા! મારી પાસે પહેલેથી જ મારું લિસ્ટ તૈયાર છે."
ઉત્સાહિત થઈને હું સ્કૂલ બસમાં ચડ્યો. હું સ્કૂલમાં દિવસભર બેચેની અનુભવતો હતો. હું મારી ઘડિયાળ તરફ જોતો અને વિચારતો, "ઘરે જવાનો બેલ ક્યારે વાગશે?"
આખરે સાંજ પડી! હું સોસાયટીના કમ્પાઉન્ડમાં રમી રહ્યો હતો ત્યાં જ પપ્પા મેઈન ગેટથી અંદર આવ્યા. તેઓ દરરોજ કરતાં વહેલાં ઘરે આવી ગયા હતાં. હું તેમની પાછળ પાછળ ઘરની અંદર ગયો અને જેવો એમણે ચા-નાસ્તો પૂરો કર્યો કે તરત જ મેં એમને પૂછ્યું, "પપ્પા! આપણે બજારમાં જઈએ? હું તૈયાર છું!"
"હા બેટા!! ચાલો જઈએ!" પપ્પાએ જવાબ આપ્યો. બજારમાં, મારા લિસ્ટમાં જે હતું તે મેં ઝડપથી લઈ લીધું અને વિવિધ પ્રકારના ફટાકડાઓથી ભરેલી મારી બેગ સાથે બહાર નીકળ્યો.
હું ચમકદાર રંગના દીવાઓ, ફાનસ, મીણબત્તીઓ અને ડેકોરેશનવાળી દુકાનો તરફ જોઈ રહ્યો હતો ત્યારે અચાનક, હું એક યુવાન છોકરા સાથે અથડાયો અને ધડ! કરીને મારી બેગ નીચે પડી. જોતજોતામાં મારા બધા ફટાકડા બેગમાંથી પડી ગયા!
ફટાકડા લેવા માટે હું ઝડપથી નીચે ઝૂક્યો. મેં જોયુ કે, મારા ફટાકડા તરફ એ યુવાન આશ્ચર્ય સાથે જોતો હતો. એવું લાગતું હતું કે તેણે આટલા નજીકથી ફટાકડા ક્યારેય જોયા નથી. તે મારા અનારચક્રો લેવા માટે નીચે નમ્યો. મને ડર લગતા, મેં તેની પાસેથી તે છીનવી લીધા અને ઝડપથી મારી બેગમાં પાછા મૂકી દીધા. જ્યારે હું ત્યાં ઊભો થઈને તેને જોતો હતો, ત્યારે મને સમજાયું કે આ છોકરામાં કંઈક અલગ છે. તેના કપડાં ફાટેલા હતા, તેના હાથ અને પગ પર નિશાન હતા અને એવું લાગતું હતું કે તેણે થોડા દિવસોથી ખાધું નથી.
"મનન! જલ્દી કર! ઘરે જવાનો સમય થઈ ગયો છે!" મારા પપ્પાએ બૂમ પાડીને મને બોલાવ્યો. "હા! પપ્પા! હું આવું છું!"
ઘરે પહોંચીને, મેં ડિનર કર્યું અને કૂપર સાથે ફટાકડા ફોડવા દોડી ગયો. "હે કૂપર! જોજે!" હું મારો પહેલો અનારચક્ર (ફ્લાવર પોટ) સળગાવું છું. ફટાકડામાંથી ફૂટતા અને આકાશને ચમકાવતા વિવિધ રંગોથી હું બહુ ખુશ થઈ ગયો હતો, પણ તે થોડા સમય માટે જ. "યેલ્પ! યેલ્પ!" કૂપર ગભરાયો અને ઘરની અંદર ગાયબ થઈ ગયો. કદાચ, ફટાકડાના અવાજે જ તેને ડરાવી દીધો હતો. મેં એ પણ જોયું કે મારા દાદા ઉધરસ ખાતા ખાતા ઘરની અંદર ગયા હતા. ખબર નહીં કેમ પણ મેં આસપાસ જોઈને નોટિસ કર્યું કે ધુમાડો તેમના ગળામાં બળતરા કરતો હતો. માત્ર એક સેકન્ડ માટે મને ખરાબ લાગ્યું, પણ મેં એક પછી એક ફટાકડા ફોડવાનું ચાલુ રાખ્યું. પરંતુ, મારી અંદર, કંઈક અલગ લાગ્યું - ફટાકડા ફોડીને આનંદ લેવામાં મને દુઃખ લાગ્યું.
હું અનુભવી શકતો હતો કે મારો અંતરાત્મા મને પજવી રહ્યો છે, "મનન! તું આ કેવી રીતે કરી શકે છે? આમાં થોડી મિનિટો જ લાગે છે, અને બધા પૈસા ધુમાડામાં ગાયબ થઈ જાય છે. જ્યારે આજે તું જે છોકરાને મળ્યો હતો, તેને જોઈને એવું લાગતું હતું કે તેની પાસે જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ નહોતી. શું તે જોયું નહિ કે તારા ફટાકડાઓથી કૂપર કેટલો ડરી ગયો અને દાદાને પણ અસર થઈ? શું તું હજી પણ આ વસ્તુઓને અવગણી અને આ પ્રકારની મજા માણી શકે છે?" આ ક્ષણિક આનંદની બરબાદીને સમજીને, હું ખરેખર પૈસાનો વધુ યોગ્ય રીતે ઉપયોગ કરવા માંગતો હતો. મેં દિવાળી ઉજવવાની બીજી અલગ રીતો વિશે વિચારવાનું શરૂ કર્યું. હું મારા દાદા પાસે ગયો અને તેમને આખો અનુભવ કહ્યો. "બેટા, મને તારા પર ખૂબ જ ગર્વ છે! અને, 'દિવાળી વિથ અ ડિફરન્સ'ની ઉજવણી કરવા બદલ તારા વિચારોની હું ખરેખર પ્રશંસા કરું છું," દાદાએ મારો ખભો થપથપાવીને કહ્યું.
"દાદાજી, શું આપણે કોઈ અનાથાશ્રમમાં જઈએ અને ત્યાં તે બાળકો સાથે તહેવાર ઉજવી શકીએ?" મેં તેમને પૂછ્યું.
"અદ્ભુત, મનન! આ એક ઉચ્ચ વિચાર છે! ચાલ આ વિચાર તારા મમ્મી-પપ્પા સાથે શેર કરીએ અને ત્યાં સાથે જઈએ."
તે દિવસ પછીથી, અમે મારા મમ્મી-પપ્પા સાથે આ વિચારની ચર્ચા કરી, જેઓ તરત જ અમારી સાથે આ 'દિવાળી વિથ અ ડિફરન્સ' મિશનનો ભાગ બનવા સંમત થયા.
થોડા સંશોધન પછી, અમે ત્યાં રહેતા બાળકો સાથે દિવાળીની ઉજવણી કરવા "હેપ્પી હોમ" ની મુલાકાત લેવાનું નક્કી કર્યું. છેવટે, દિવાળી પર અમે દરેક માટે કેક, મીઠાઈઓ, ગેમ્સ અને ભેટો લઈને ત્યાં પહોંચ્યા.
ટૂંક સમયમાં, એ જગ્યા હાસ્ય, આનંદ, ખુશી અને ઉજવણીથી ભરાઈ ગઈ. નિર્દોષ બાળકો ગીતો ગાવામાં, વાર્તાઓ શેર કરવામાં, જોક્સ અને રમતો રમીને ખૂબ જ આનંદ માણી રહ્યા હતા. એટલામાં જ, એક બાળક મારી પાસે આવ્યો અને કહ્યું, "ભૈયા, તમારો ખૂબ ખૂબ આભાર! અમે આટલી મજા આ પહેલા ક્યારેય નથી કરી. તમે ખરેખર અમારા બધા માટે આ દિવાળી 'અલગ' બનાવી છે."
અંદરથી સંતોષની લાગણી અનુભવતા, મેં કૂપર તરફ જોયું અને તે પણ દરેક સાથે પોતાની રીતે આનંદ માણી રહ્યો હતો. અમને સમજાય તે પહેલાં જ અમારા જવાનો સમય થઈ ગયો હતો. અમે તેમને 'ગુડબાય' કહીને, ખૂબ જ જલ્દી ફરી પાછા આવવાનું વચન આપ્યું.
ખરેખર અત્યાર સુધીની આ સૌથી શ્રેષ્ઠ દિવાળીની ઉજવણી હતી!