ફ્લાય ફ્રીલી

અનન્યાએ ઉત્સાહથી સ્કૂલનો ગેટ ખોલ્યો. આ તો કંઈક અનોખી સ્કૂલ હોય એવું લાગતું હતું. મખમલી લીલા ઘાસ પર હટ(ઝુંપડી) જેવી ઘણી બઘી નાની નાની રંગબેરંગી રૂમ્સ બનાવેલી હતી. આ જગ્યાની વચ્ચોવચ્ચ ફાઉન્ટેનવાળું એક સુંદર તળાવ હતું.

ફ્લાય ફ્રી ટેલેન્ટ સ્કૂલ,” અંદર પ્રવેશતા જ એ બોલી ઊઠી.

આ સ્પેશિયલ સ્કૂલનો અભ્યાસક્રમ પણ સ્પેશિયલ હતો. અન્ય સ્કૂલોના નિયમિત શેડ્યુલ અને એકધારી ભણાવાની સિસ્ટમ કરતા અહીંયા એકદમ જુદું જ હતું. અહીંયા કોઈ પહેલેથી નક્કી કરેલા સબજેક્ટસ કે ક્લાસિસવાળા શેડ્યુલ નહોતા. બાળકોને પોતાની મનગમતી એક્ટિવિટી પસંદ કરવાની પૂરી છૂટ હતી. એમાં કોઈ પણ જાતની ટાઈમ લિમિટ પણ નહોતી જેથી કરીને તેઓ પોતાની ફેવરિટ એક્ટિવિટીમાં સર્વશ્રેષ્ઠ બની શકે. તેથી જ અનન્યાએ પોતાના ઓપન માઈન્ડેડ પેરેન્ટ્સ પાસે આ સ્કૂલમાં ભણવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

એણે બીજા બે બાળકોને સ્કૂલમાં પ્રવેશતા જોયા. એ લોકો પણ અનન્યાની જેમ નવા જ લાગતા હતા. અનન્યા કોઈની પણ સાથે સામેથી વાતચીત કરીને મિક્સ થઈ જાય એવી હતી એટલે માયા અને સિડ સાથે ફ્રેન્ડશીપ કરવામાં એને જરાયવાર ના લાગી.

“ટેલેન્ટ માસ્ટર મિસ સુલિવાને આપણને પોતાની અંદર રહેલી સાચી ટેલેન્ટ શોધવાનું કહ્યું છે.” ટેલેન્ટ હેડ માસ્ટરે આગલા દિવસે કહેલી વાતને યાદ કરતા માયાએ કહ્યું.

અનન્યાને યાદ આવ્યું કે જ્યારે એક જાડા સરખા, તેજસ્વી ચહેરાવાળા મેડમ એને આગલા દિવસે મળ્યા હતા, ત્યારે એમણે પણ આ જ વાત કરી હતી. “અને તમારી જર્નીનો આ સૌથી મહત્વનો પાર્ટ છે.” અનન્યાને સમજણ આપતા એમણે કહ્યું હતું.

“આટલા બધા કામોની વચ્ચે કોઈ પોતાની અંદર છૂપાયેલી સાચી ટેલેન્ટ કેવી રીતે શોધી શકે?” આ વિચાર કરતા-કરતા અનન્યાની આંખો કેમ્પસમાં ફરવા લાગી.

“હમ્મ, એવું પણ બની શકે કે તારામાં એક કરતા વધારે ટેલેન્ટ હોય.” સિડે કહ્યું.

વધારે કંઈપણ વિચાર્યા વિના એ પહેલી હટ તરફ ભાગી. “કમ ઓન” એણે માયા અને સિડ તરફ જોઈને કહ્યું. અનન્યા એ બંને કરતા વધારે ઉત્સાહિત લાગતી હતી. એ લોકો પણ અનન્યા સાથે દોડ્યા. અનન્યાએ પોતાની જ ઉંમરના બાળકોને માટીના ગોળ ગોળ ફરતા ચાકડાની આજુબાજુ ઊભેલા જોયા. અનન્યાના ફ્રેન્ડઝ જરાક ખચકાયા પણ અનન્યા એટલી ઉતાવળી હતી કે એનાથી રાહ ના જોવાઈ. અનન્યાએ જોયું કે ત્યાં પહેલેથી એક છોકરી પોતાના ટર્નની રાહ જોઈને ઊભી હતી અને એની આગળ ઊભેલી બીજી છોકરી માટીમાંથી સુંદર શેપ્સ (આકાર) બનાવી રહી હતી.

“આ તો વિચિત્ર લાગે છે!” માયાએ મોઢું બગાડતા કહ્યું.

“મને તો આ અદ્ભુત લાગે છે,” જે છોકરી માટીના ચાકડા પર પોતાના હાથથી હળવા ટપલા મારીને કલાકૃતિ બનાવી રહી હતી એના તરફ ધસી જઈને અનન્યા બોલી ઊઠી.

“મને પણ ટ્રાય કરવા દે ને!” એણે એ છોકરીને કહ્યું.

“અ.. અ.. એક મિનિટ પહેલા તુ શીખી તો લે...” ગાઈડે અનન્યાને રોકતા કહ્યું.

એણે પેલી છોકરી જેવું જ અનુકરણ કરવાનો ટ્રાય કર્યો પણ

-ધબાક-

બધી માટી એની ઉપર જ પડી. અરેરે, એણે બધું ખરાબ કરી નાંખ્યું.

થોડી જ વારમાં અનન્યા, માયા અને સિડ એ હટની બહાર નીકળી ગયા. હવે એમણે પોતપોતાની રીતે બધી એક્ટિવિટી ટ્રાય કરી જોવાનું નક્કી કર્યું.

અનન્યા મખમલી લીલા ઘાસ પર ચાલતી હતી એવામાં જ એનું ધ્યાન બીજી હટ પર પડ્યું. કેશ ગૂંથણ(કેશ કળા)

“આ ઈન્ટરેસ્ટિંગ લાગે છે!” એણે મનોમન વિચાર્યું. આ વખતે હું આ ટેલેન્ટ શીખીને જ રહીશ.

 

ગાઈડે એને સ્ટેપ્સ સમજાવ્યા, રંગીન દોરો લે અને પહેલા એને વાળની લટોની ફરતે વીંટી લે.

અનન્યા એટલી બધી ઉત્સાહિત હતી કે પૂરી વાત સાંભળ્યા વિના જ એણે વાળને પોતાના હાથમાં તો લીધા પણ પછી વાળની લટોને કઈ બાજુ લઈ જવી ને કેવી રીતે ગૂંથવી એ ના સમજાતા એ પોતે જ ગૂંચવાઈ ગઈ. અને બહુ જલ્દી જ કંટાળી ગઈ.

“ના અનન્યા, જો આવી રીતે કરવાનું છે! “ ગાઈડે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો.

પણ અનન્યાને લાગ્યું કે આ કામ એનાથી નહીં થઈ શકે. તેથી તેણે આ હટમાંથી બહાર નીકળવાનું નક્કી કર્યું.

એણે નોટીસ કર્યું કે થોડે દૂર ઊભેલા મિસ સુલિવાન એને જ જોઈ રહ્યા હતા.  

“અનન્યા, તને અહીંયા મઝા આવે છે?” એમણે હળવી સ્માઈલ આપતા પૂછ્યું.

“હા, મિસ.” એણે નકલી સ્માઈલ આપતા કહ્યું. હજી ઘણી બધી ટેલેન્ટ્સ જોવાની બાકી છે એમ વિચારીને એણે પોતાની જાતને આશ્વાસન આપ્યું.

દિવસો પસાર થવા લાગ્યા. ગીત(કવિતા) લખવાનું, પેઈન્ટીંગ, અત્તર બનાવવાની કળા વગેરે બધી જ કળાનો એણે અનુભવ કરી લીધો હતો. એ દરેક જગ્યાએ ઉત્સાહથી જતી પરંતુ કોઈપણ જગ્યાએ એક કલાકથી વધારે ટકતી નહોતી. એની ફેવરિટ ટેલેન્ટ કઈ હતી? હવે એ કઈ રીતે શોધી શકશે?

થોડા મહિનાઓ પછી, એક દિવસ, મિસ સુલિવાને એક ખાસ જાહેરાત કરવા માટે બધાને ભેગા કર્યા. “દર વર્ષે આપણે એક ખાસ ઈવેન્ટનું આયોજન કરીએ છીએ, જેના પ્લાનિંગ અને આયોજનના બધા કાર્યો સ્ટુડન્ટ્સ દ્વારા કરવામાં આવે છે.” વાતને આગળ વધારતા એમણે કહ્યું કે, “તમારા બધાના ઈન્ટરેસ્ટને ધ્યાનમાં રાખીને બધાને અલગ અલગ એરિયાના કામ વહેંચવામાં આવ્યા છે જેથી તમે જે શીખ્યા છો એને પ્રેક્ટિકલ અનુભવમાં લાવી શકો.”

એટલામાં, સ્ટુડન્ટ્સના નામ, એમના સ્પેશીયલ ટાસ્ક અને હેલ્પર્સના નામવાળું એક લીસ્ટ આવી ગયું. અનન્યા એ લીસ્ટમાં પોતાનું નામ શોધવા લાગી. નીચે સુધી નજર ફેરવતા આખરે એને પોતાનું નામ જડી ગયું.

“હેલ્પર્સ? મારું નામ હેલ્પર તરીકે કેમ રાખ્યું છે? લીડર તરીકે કેમ નહીં?” એણે મનોમન વિચાર્યું અને આજુબાજુ જોયું.

થીડી જ વારમાં અમુક બાળકો સિડની આજુબાજુ ગ્રુપમાં બેસી ગયા. અનન્યાએ જોયું કે સિડએ બધાને સ્ટેજ પરફોર્મન્સ માટે સૂચના આપી રહ્યો હતો. સિડ અને માયા બંને પોતપોતાના ગ્રુપને ગાઈડ કરી રહ્યા હતા. અને પોતાને જ્યાં હેલ્પની જરૂર હોય ત્યાં જવા માટે કહેવામાં આવ્યું હતું.

શું એનામાં એવી એક પણ ટેલેન્ટ નહોતી કે જે એ સરસ રીતે કરી શકે?

એ ઉદાસ થઈ ગઈ. હતાશા સાથે એ ત્યાંથી બહાર નીકળીને ફાઉન્ટેનવાળા તળાવ પાસે જઈને બેઠી.

અચાનક, એને ખભા પર કોઈના હુંફાળા હાથનો અનુભવ થયો. એણે જોયું તો મિસ સુલિવાન ત્યાં ઊભા હતા.

“શું થયું?”

“કંઈ નહીં, મેમ.”

અને એની આંખોમાં આંસુ આવી ગયા. એણે છેલ્લા અમુક મહિનાઓમાં ખરેખર કોઈપણ વસ્તુ બરાબર શીખી નહોતી. જેનું કારણ એને પોતાને પણ ખબર નહોતું. એનામાં નવું નવું શીખવાની ધગશ હતી એટલા માટે જ તો એણે આ સ્કૂલ પસંદ કરી હતી. સ્કૂલમાં એને મુક્તતાનો અનુભવ પણ થતો હતો, તો પછી એ કંઈ શીખી કેમ નહોતી શકી? હજી સુધી એને પોતાનામાં રહેલી ટેલેન્ટ ઓળખાતી કેમ નહોતી?

અનન્યાના વિચારોને જાણે વાંચી લીધા હોય એમ ટેલેન્ટ માસ્ટર મિસ સુલિવાને એને કહ્યું કે, “આપણા બધા પાસે એવી શક્તિ છે કે આપણે જે ધારીએ એ શીખી શકીએ. પણ કોઈપણ ટેલેન્ટને બરાબર શીખવા માટે ધીરજ, સતત પ્રયત્ન અને સમર્પણભાવ જરૂરી છે. પછી તારે ટેલેન્ટને શોધવી નહીં પડે ઉલ્ટું ટેલેન્ટ જ તને શોધી લેશે!”

આટલું કહીને મિસ સુલિવાન ચાલ્યા ગયા.

મિસ સુલિવાનના કહ્યા પ્રમાણે શું અનન્યાએ કોઈ ટેલેન્ટને પોતાનામાં ખીલવા(પ્રવેશવા) જ નથી દીધી? એવું કેમ?

એણે માયા અને સિડને પોતાની પાસે આવતા જોયા. “અનન્યા, જો અમને અમારી ટેલેન્ટ્સ મળી ગઈ.” સિડે ગર્વથી કહ્યું, તારી ટેલેન્ટ કઈ છે?”

અનન્યા એ લોકો સાથે આંખો મિલાવી ના શકી. એને હવે પોતાની અંદર રહેલી પ્રતિભાને ખરેખર શોધવી હતી.

“સાંભળ, મેં આ સુંદર ગીત(કવિતા)ની રચના કરી છે.” માયાએ પાછળથી આવીને એને કહ્યું.

“માયા, તુ ગીત બનાવતા(કવિતા લખતા) કેવી રીતે શીખી? પહેલા મેં તને આ કામમાં ઘણી બધી ભૂલો કરતા જોઈ હતી.”

“અરે, એ ભૂલોએ જ તો મને વધારે સારું કરતા શીખવ્યું છે. જયારે મારાથી બરાબર કામ ના થાય ત્યારે હું ગાઈડની હેલ્પ લેતી હતી.” માયાએ અનન્યાની આંખોમાં જોઈને કહ્યું, “અનન્યા, આપણી ભૂલો થાય એટલે કંઈ એ ટેલેન્ટ છોડી ના દેવાય. કંઈપણ શીખવા માટે પૂરતો સમય આપવો પડે. ઈન્ટરેસ્ટ કેળવવો પડે. કંઈપણ શીખવું અઘરું નથી પણ જો આપણે ધીરજ અને એકાગ્રતા સાથે કામ કરીએ તો ધીમે ધીમે આપણા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થાય અને એક દિવસ એ ટેલેન્ટમાં માસ્ટરી પણ કરી શકીએ. આ જ સફળતાની ચાવી છે.”

અનન્યાને પોતાના સવાલોનો જવાબ મળી ગયો હોય એમ હવે એને અહેસાસ થયો કે કોઈપણ ટેલેન્ટમાં એણે ધીરજ નહોતી રાખી અને તેથી જ દરેક ટેલેન્ટમાં એને પહેલીવારમાં જ નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. પોતાની અધિરાઈના કારણે એણે બીજીવાર પ્રયત્ન કર્યો જ નહોતો. ફરીથી શીખવાનો પ્રયાસ કરવામાં એણે ભાગેડુવૃત્તિ જ દર્શાવી હતી. અસફળતા જોઈને એ ત્યાંથી દૂર ભાગી જતી હતી. તો પછી કોઈપણ ટેલેન્ટમાં એ માસ્ટરી ક્યાંથી કરી શકે? ઈન્ટરેસ્ટ ડેવલપ કરવા માટે એણે એકાગ્રતા અને સતત પ્રયત્નો કરવાની જરૂર હતી.

હવે એણે નિશ્ચય કરી લીધો હતો. એ કોઇપણ એક ટેલેન્ટ પસંદ કરશે અને છેલ્લે સુધી એને વળગી રહેશે. ભલે પરિણામ ગમે તે આવે. હવે એને મિસ સુલિવાનનો ઈશારો પણ સમજાયો. એકવાર એ ટેલેન્ટને પસંદ કરશે પછી ટેલેન્ટ પોતે જ એને પસંદ કરી લેશે.

દૂરથી એણે ડ્રેસ બનાવવાની હટ જોઈ. અને હવે એને સમજાઈ ગયું હતું કે એણે શું કરવાનું છે.