આપવાથી આવે આનંદ

બીજાને કંઈ પણ આપીએ તો આનંદ આવે જ પરંતુ પોતાની વસ્તુ બીજાને સરળતાથી આપી ના શકવાથી આપણે લોકોને ખુશી આપી શકતા નથી. આ વાતનો મને એક અનુભવ થયો હતો જેમાં મારા uncle એ મને ઘણી હેલ્પ કરી હતી. તો ચાલો ફ્રેન્ડ્ઝ, હું તમને મારી પોતાની વાત શેર કરું કે કેવી રીતે હું પોતાના માટે જ વિચારતી એક જીદ્દી છોકરીમાંથી બીજાની કેર લેનાર છોકરી બની ગઈ.

એક દિવસ, સ્કુલથી પાછા આવ્યા પછી હું સાયકલ ચલાવતી હતી ત્યારે મારા કઝીન્સ મારી પાસે સાયકલ માંગવા લાગ્યા. મેં વિચાર્યું કે મારી વસ્તુ હું બીજાને શા માટે આપું? સાયકલ ચલાવવી હોય તો એ લોકો પોતાની લઈ આવે. એટલામાં કોઈનો અવાજ સંભળાયો. અરે, આ તો મારા કાકાનો જ અવાજ હતો. “ચોક્કસ એ મારા માટે કંઈક લઈને આવ્યા હશે!”

            હું એમને જઈને ભેટી પડી અને તરત જ એમણે એમના પોકેટમાંથી એક ચોકલેટ કાઢીને મને આપી.

            ફ્રીજમાં ચોકલેટ મૂકતી વખતે મેં uncle ને પૂછ્યું, “Uncle , આશુ તમારી સાથે નહોતો આવ્યો?”

            “હા એ આવ્યો હતો પણ અત્યારે એ કરિશ્મા સાથે અંદર રમે છે.” વિપુલ uncle એ જવાબ આપ્યો અને સોફા પર જઈને બેઠા.

જેવું મેં મારા કઝીન્સનું નામ સાંભળ્યું એવો મને વિચાર આવ્યો કે એ લોકો જરૂર અંદર મારા ગેમ્સથી રમતા હશે. એ લોકો શું કરે છે એ જોવા  માટે હું ફટાફટ દોડી રૂમમાં ગઈ. મારી શંકા સાચી જ હતી એ લોકો મારા રૂમમાં બેસી મારી બોર્ડ ગેમથી રમતા હતા. મારાથી એ સહન ના થયું. મેં તરત જ એમની પાસેથી મારી બોર્ડ ગેમ ખેંચી લીધી.

            મારું વર્તન જોઈને મારા uncle મારી પાસે આવ્યા અને એમણે મને સમજાવ્યું, “કૃપા, બીજાની સાથે શેર કરવાથી તને આનંદ મળશે. બીજાને આપણી ચીજ-વસ્તુઓ આપીએ તો એમાં આપણે કંઈ ગુમાવતા નથી. વાસ્તવમાં, બીજાને આપવાથી તને તારી જરૂરીયાતની વસ્તુઓ કાયમ મળી જ રહેશે અને બદલામાં તને વધારે આનંદ મળશે.”

            “પણ પોતાની વસ્તુઓ બીજાને આપવાથી આનંદ કેવી રીતે મળે?” મેં દલીલ કરી.

            મારું વર્તન જોઈને કાકાને લાગ્યું કે મને આ વાત પર વધારે સમજાવવાનો કોઈ ફાયદો નહીં થાય. એમણે વાત બદલતા કહ્યું કે, “એ વાત જવા દે. આજે રાત્રે હું તમને બધાને કબુતર-ઘરમાં લઈ જઈશ. ત્યાં તમારે જેટલું રમવું હોય એટલું રમજો.” બહાર જવાની વાત સાંભળીને હું બહુ જ ખુશ થઈ ગઈ હતી.

 

Uncleના કહ્યા પ્રમાણે અમે બધા નીચે બેસી ગયા. ધીમે ધીમે કબુતરો આવવા લાગ્યા અને અમારા હાથમાંથી ખાવા લાગ્યા. ક્યારેક હું ‘હુરર...’, હુરર...’ એમ કહીને કબુતરો તરફ ચણા ફેંકતી અને ક્યારેક એમને મારા હાથમાંથી જ ચણા ખાવા દેતી. કરિશ્મા અને આશુ મારી નકલ કરતા હતા. જેમ જેમ કબૂતરો અમારી પાસેથી વધારે ખાતા તેમ તેમ એમનો આનંદ વધતો ગયો. ચણાનું એક પેકેટ પૂરું થયું એટલે અમે બીજા બે પેકેટ લઈ આવ્યા. ઘરે પાછા જતા પહેલા વિપુલ uncleએ અમને બધાને આઈસક્રીમ ખવડાવ્યો હતો. 

            અમે બધા ડીનર કરવા માટે ભેગા થયા ત્યારે વિપુલ uncleએ જાહેર કર્યું કે, “કૃપા બધાને ખાવાનું પીરસસે તો જ હું આજે જમીશ.” બધાને જમવાનું પીરસવામાં મને ખુબ ખુશી થઈ હતી અને એમાં મને મઝા પણ આવતી હતી. જ્યારે હું ડીનર કરવા માટે બેઠી ત્યારે કરિશ્મા અને આશુએ ખુબ પ્રેમથી મારી થાળીમાં જમવાનું પીરસ્યું. એ વખતે મને અહેસાસ થયો કે મેં પહેલા એમની સાથે જે વર્તન કર્યું હતું એ ખોટું હતું. આ પ્રસંગથી આખા ઘરનું વાતાવરણ આનંદ અને પ્રેમમય થઈ ગયું.