લેટ્સ બેક અ કેક !



રોઝીને કંઈક નવું કરવું હતું. એને કેક બેક કરવાનું મન થયું. એણે બૂમ પાડીને મમ્મીને પૂછ્યું, "મમ્મી, હું કેક બનાવું? મેં એક ટી.વી. પ્રોગ્રામમાં જોયું છે એટલે મને આવડે છે." "ચોક્કસ બનાવ", મમ્મીએ કહ્યું. "પણ એક શરત છે, કિચન તારે સાફ કરવાનું !"

રોઝી ઉત્સાહમાં આવી ગઈ. એણે એપ્રન પહેર્યું અને પેન્ટ્રી ખોલી. તેણે એક બાઉલ કાઢ્યું અને બોલી,"ચાલો કેક બનાવીએ. લોટ, માખણ, થોડી ખાંડ, થોડું વિનેગર, ચપટી સોડા, એક ચમચી બેકિંગ પાવડર, અને હા, થોડો કોકો પાવડર!"

એણે બધી સામગ્રી મિક્સ કરી. પછી એક પેનમાં તૈયાર થયેલા ખીરાને રેડ્યું, અને ગરમા ગરમ ઓવનમાં પેન મૂક્યું. કેક ધીમે ધીમે ફૂલીને ઉપર આવી રહી હતી એ જોવામાં એને મઝા પડી..

તેનો નાનો ભાઈ જોય કિચનમાં આવ્યો. "યમ્મી, બહુ સરસ સુગંધ આવે છે ! આ હમણાં ખાવા મળશે ? "થોડી રાહ જો.", રોઝીએ એને ધીરજથી સમજાવ્યું. ડેડી ઘરે આવે એટલે આપણે બધા સાથે મળીને કેક ખાઈશું." પણ બિચારા જોયને ડિનર પતે ત્યાં સુધી રાહ જોવી પડી.

આખું ફેમિલી એકસાથે ગોઠવાઈ ગયું. રોઝીએ બધાને કેક આપી. જોયે ખુશ થઈને કહ્યું. આ અત્યાર સુધીની સૌથી સરસ કેક છે. "વાહ ! તે તો બહુ સરસ કેક બનાવી છે !", મમ્મી અને ડેડીએ પણ કેકના વખાણ કર્યા. "થેન્ક યુ", રોઝીએ હરખાઈને કહ્યું. રોઝી ખુશ હતી. "રોઝી, શૈલીની બર્થ ડે આવે છે તો એના માટે પણ એક કેક બનાવ ને ! એ ખુશ થઈ જશે."

એ રાત્રે રોઝીને ઊંઘ જ નહોતી આવતી. એ બીજી કેક બનાવવા ઉતાવળી થઈ રહી હતી. "હું એને સરસ આઈસીંગ, કેન્ડીઝ અને શુગર પ્લમ્સથી સજાવીશ." એ મનમાં ને મનમાં વિચારવા લાગી. 'હું આ શહેરની સૌથી સરસ કેક મેકર બનીશ!"

પાર્ટીના આગલા દિવસે શૈલી માટે કેક બનાવવા માટે રોઝી ખુબ એક્સસાઈટેડ હતી. એણે એક બાઉલ લીધો અને બધી સામગ્રી એમાં ભેગી કરી. લોટ, માખણ, થોડી ખાંડ,....પણ કોકો પાવડર તો ખલાસ થઈ ગયો હતો ! "કંઈ વાંધો નહીં, એના વિના પણ કેક બની તો જશે જ !" રોઝીએ વિચાર્યું.

"ચલ, આજે સાદી કેક બનાવું." એણે કેકને ઓવનમાં મૂકી અને રાહ જોવા લાગી. એણે ગરમ-ગરમ કેક ઓવનમાંથી બહાર કાઢી અને જોયને પૂછ્યું, "જોય, તું ચાખીને કહે તો કેવી બની છે." જોયે એક નાનો પીસ ચાખ્યો પણ એ કંઈ બોલ્યો નહીં. રોઝીએ એક પીસ લઈને ચાખી જોયો, "યક !"

જોય હસવા લાગ્યો. એણે રોઝીને એક બાઉલ આપ્યું અને બોલ્યો, "કંઈ વાંધો નહીં, તું ફરીથી ટ્રાય કર." "હા." રોઝીએ નિરાશ થઈને કહ્યું. એણે કંટાળીને ધીરેધીરે ફરીથી બધું મિક્સ કર્યું. લોટ, માખણ, થોડી ખાંડ, થોડું વિનેગર, ચપટી સોડા, એક ચમચી બેકિંગ પાવડર અને થોડી મેલ્ટેડ ચોકલેટ !

"અને આ ગયું કેક મિક્સ ઓવનમાં," જોય સામે જોઈને કહેતા રોઝીએ પેનને ઓવનમાં મૂક્યું. ઓવન અચાનક બંધ થઈ ગયું. ઈલેક્ટ્રીસીટી કટ થઇ ગઈ. "ઓહ નો !" રોઝીએ બૂમ પાડી. એ જમીન પર બેસી ગઈ. "જવા દે ! મારે હવે કેક બનાવવી જ નથી !" એણે એપ્રન કાઢીને ફેંકી દીધું અને પગ પછાડતી પોતાના રૂમમાં જતી રહી.

એ શુગરના વાદળોમાં તરી રહી હતી. એણે લોટથી બનેલા ઊંચા ટાવર, માખણના મોટા મોટા ક્યુબ્સ, બેકિંગ પાવડરના ઢગલા અને ચોકલેટની વહેતી નદી જોઈ.

તે શાંતિથી બેસીને વિચારવા લાગી, "એક કેક બનાવવા માટે પણ આટલા બધા સંજોગોની જરૂર પડે અને એક પણ સંજોગ ઓછો પડે તો કામ પૂરું ના થાય. વસ્તુઓ, જગ્યા, ટાઈમ, કાર્ય કરવા પાછળનો હેતુ... આ બધું એકસાથે ભેગું થવું જોઈએ."

આ નવી દ્રષ્ટિથી એેને શાંતિ અને હળવાશનો અનુભવ થયો. એ ધીમેથી ઊઠી, કિચનમાં ગઈ અને એણે ફરી કેક બનાવી. બધાને કેક બહુ જ ભાવી. શૈલીને એની બર્થ ડે પર એક સરસ સરપ્રાઈઝ મળી. રોઝીને પોતાની જાત પર હસવું આવ્યું. હવે એ સમજી ગઈ હતી કે બધા સંજોગો ભેગા થાય તો જ કામ થાય !