શું તમને એવી કોઈ દુનિયા ખબર છે જ્યાં જુદાં જુદાં ઝાડ એકસાથે રહેતા હોય, અને એ બધા આપણી જેમ બોલી અને વિચારી પણ શકે ?
ગ્રીનલેન્ડ નામના એક સુંદર બગીચામાં આંબો, લીમડો, સુખડ, ગુલમહોર જેવા ઘણા બધા ઝાડ રાજીખુશીથી રહેતા હતા.
એક વખતની વાત છે. ઉનાળો શરુ થયો. તડકામાં બધા ઝાડ નીચે સરસ ઠંડો છાંયો હતો. આંબાના દરેક ઝાડ ઉપર રુમઝુમ કરતી રસદાર કેરીઓ લટકતી હતી.
એમાંનું એક ઝાડ હતું મેરી મેંગો. રોજ બગીચામાં લોકો, એ ઝાડ નીચે છાંયડામાં બેસવા આવતા અને કેરીઓ ખાઈને ખુશ થઈ જતા.
મેરી મેંગો: ‘બધા મારી કેરીઓ ખાય છે ને લઈ જાય છે પણ એના બદલામાં કંઈ જ નથી આપતા ! તો પછી હું શા માટે બધાને કેરી આપું ?’
બીજા દિવસે બે બાળકો કેરી લેવા આવ્યા પણ મેરી મેંગોએ ના આપી. બે- ત્રણવાર ટ્રાય કર્યો પણ કેરી ના મળી, એટલે એ લોકો જતા રહ્યા.
પછી એક પોપટ કેરી ખાવા આવ્યો. મેરી મેંગો ચિડાયો અને એણે આખું ઝાડ હલાવ્યું. પોપટ તો ડરીને ફૂરરરર ઊડી ગયો.
ફરી ઉનાળો આવ્યો અને મેરી મેંગો કેરીથી ભરાઈ ગયું. પણ કોઈ એની પાસે કેરીઓ લેવા ના ગયું. કેરીઓના વજનથી ડાળીઓ તુટવા લાગી.
મેરી મેંગોની તબિયત ખરાબ થવા લાગી. બગીચાના માલિકે ડૉકટરને બોલાવ્યા.
ડૉકટર- 'હં, લાગે છે બહુ ગંભીર વાત છે...'
ડૉકટર- 'મેરી મેંગો, તારી કેરીઓ બધા લઈ જતા હતા ત્યારે નવી કેરી માટે જગ્યા થતી હતી, એટલે તું ફ્રેશ રહેતો હતો.'
ડૉકટર - 'પણ, હવે તે કેરીઓ આપવાનું બંધ કરી દીધું એટલે તારી કેરીઓ ખાલી થઈ નથી શકતી, એટલે તારી તબિયત બગડી ગઈ છે.'
ડૉકટર- 'તારા સાજા થવાનો એક જ ઉપાય છે.'
મેરી મેંગો - 'જલ્દી કહો...'
ડૉકટર -'તું બધાંને કેરી આપવાનું શુરુ કરી દે.'
ડોક્ટર- 'પોતાની વસ્તુ બીજાને આપવાથી આપણું નુકસાન નથી થતું, પણ આનંદ મળે છે. અને આપણું કુદરત જ સંભાળી લે છે.'
મેરી મેંગો - 'હા, સાચી વાત છે. મારી ભૂલ થઈ ગઈ, હવેથી હું કોઈને ક્યારેય કેરી માટે ના નહીં પાડું.'
આવી રીતે મેરી મેંગો ફરીથી બધાને કેરી આપવા લાગ્યો. લોકોનો આનંદ જોઈને એ પણ હવે ખુશમાં રહેવા લાગ્યો
બીજા બધા પણ, હવે એનું મોટું મન જોઈને એની પાસે વધારે આવવા લાગ્યા. પછી મેરી મેંગો ક્યારેય બીમાર ન પડયો.