મિસ્ટેક માસ્ટર પાર્ટ-૨

ટિમીએ પુલ તરફ જોયું. ગભરાહટને કારણે તેનાં પેટમાં ગડગડ અવાજ આવવા લાગ્યો.. હૃદય ભારે લાગતું હતું. તેને પડવું નહોતું. એને મૂર્ખ દેખાવું નહોતું.

પણ વાદળી પવને તેને હળવો ધક્કો માર્યો, અને જીવનમાં પહેલી વાર ટિમીની જિજ્ઞાસા તેના ડર કરતાં થોડી મોટી બની ગઈ.

એ ધીમેથી પુલ પર ચડ્યો.

પુલ જોરથી હલવા લાગ્યો.

ડગમગ...
ડગમગ...

“અરે બાપ રે!”

એનો પગ લપસી ગયો અને તે નીચે પડી ગયો.

પણ તે કઠણ જમીન પર પડ્યો નહીં. તે એક એવા વાદળ પર પડ્યો જે નરમ ઓશિકા જેવું લાગતું હતું.

“પુફ!”

એક ગોળમટોળ, પાંખોવાળું પ્રાણી તેની સામે દેખાયું.

હેલો! હું ટિપર છું – તારો મિસ્ટેક ફ્રેન્ડ.

તું સતત પોતાના પગ તરફ જોતો હતો. બીજીવાર પુલના સેન્ટરમાં જોજે.”

ટિમી આશ્ચર્યથી એને જોતો રહ્યો.

ટિપર કોઈ રાક્ષસ જેવો લાગતો નહોતો. એ તો એક સુંદર રમકડાં જેવો લાગતો હતો.

પહેલી વાર ટિમી હસી પડ્યો.

એ ફરી ઊભો થયો અને પુલ પર ચઢ્યો.

હલચલ...
ડગમગ...

“છપાક!”

ફરી એ પડી ગયો.

“પુફ!”

આ વખતે ચશ્માં પહેરેલું બીજું નાનકડું પ્રાણી દેખાયું.

“હું સ્લાઈડર !

તું ઉતાવળમાં દોડી રહ્યો હતો એટલે લપસી ગયો. બીજીવાર ધીમે ધીમે, નાનાં અને સ્થિર પગલાં ભરજે.”

ટિમીએ માથું હલાવ્યું.

હવે એને પુલના અંત સુધી પહોંચવાની ચિંતા નહોતી.

હવે તો એને ઉત્સુકતા હતી કે બીજીવાર પડું તો કયો નવો ‘મિસ્ટેક ફ્રેન્ડ’ મળશે!

ધીરે ધીરે એને સમજાયું કે જ્યારે પણ એ ભૂલ કરે છે, ત્યારે એને એક રહસ્યમય નવું કંઈક શીખવાની રીત મળે છે.

શીખવું ડરામણું નહોતું.

શીખવું તો મજેદાર હતું!

એક પગલું...
થોડું ડગમગાવું...
નાનું પગલું...
આગળ જોવું...
ધીમે અને સ્થિર રહેવું...

અને આખરે એક બહાદુર કૂદકા સાથે ટિમી પુલની બીજી બાજુ પહોંચી ગયો!

બધા જોરદાર તાળીઓ પાડવા લાગ્યા.

ટિમીએ પોતાના ભૂલ મિત્રોને આભાર કહેવા પાછળ જોયું.

પણ અચાનક એઓ સોનેરી ધુમ્મસમાં ખોવાઈ રહ્યા હતાં.

 “તમે ક્યાં જઈ રહ્યા છો?” ટિમીએ હાથ લંબાવીને પૂછ્યું.

મિસ્ટેક ફ્રેન્ડસએ મીઠા અવાજમાં કહ્યું, “કારણ કે અમે જે શીખવાડવા માટે આવ્યા હતા એ પાઠ તું શીખી ગયો છે. એકવાર પાઠ શીખાઈ જાય પછી અમારી જરૂર નથી રહેતી.”

એમ કહી એઓ ધીમે ધીમે અદૃશ્ય થઈ ગયા.

ટિમીએ ફરી પુલ તરફ જોયું.

પુલ હજુ પણ ડગમગી રહ્યો હતો.

પ્રોફેસર હોપલે પ્રેમથી ટિમીના માથા પર હાથ ફેરવ્યો.

“ટિમી, આત્મવિશ્વાસ ધરાવતા લોકો પરફેક્ટ નથી હોતા. તેઓ ફક્ત એવા લોકો હોય છે જે ભૂલોથી ડરતા નથી.

જ્યારે તું ‘શું થશે જો...?’ એવા ડરને પોષણ આપવાનું બંધ કરે છે, ત્યારે એ ડર પોતાની શક્તિ ગુમાવી દે છે.”

એટલામાં ફરી એ ચમકતો વાદળી પવન આવી પહોંચ્યો.

“વૂઉઉશ!”

ટિમી કંઈ બોલે એ પહેલાં જ એ પોતાના રૂમમાં પાછો આવી ગયો.

સવારે સૂર્યના કિરણો એની બારીમાંથી અંદર આવી રહ્યા હતા.

“આ શું થયું?” ટિમીએ વિચાર્યું.

“શું આ માત્ર એક સ્વપ્ન હતું?”

પણ બીજા જ દિવસે શાળામાં કંઈક અલગ બન્યું.

બ્રેકનો ઘંટ વાગ્યો.

થોડા છોકરાઓ ખો-ખોની રમત રમવા માટે લાઇનમાં બેઠા હતા.

જૂનો ટિમી હોત તો એ લીમડાંના ઝાડ નીચે, પાણીની બોટલ પાછળ છુપાઈને બેસી રહેત.

પણ નવો ટિમી પોતાના ભૂલ મિત્રોને યાદ કરી રહ્યો હતો.

એ ટીમના કેપ્ટન પાસે ગયો.

“શું હું પણ રમી શકું?”

“હા, જરૂર!” કેપ્ટને કહ્યું.

ટિમીને પીછો કરનાર ખેલાડી બનાવવામાં આવ્યો.

“ખો!” એના સાથી ખેલાડીએ એની પીઠ પર હાથ મારીને કહ્યું.

ટિમી ઉત્સાહથી ઊભો થઈ દોડવા લાગ્યો.

પણ ઉત્સાહમાં એ પોતાના પગ ક્યાં પડી રહ્યા છે એ જોવાનું ભૂલી ગયો.

એનો પગ ઢીલી માટીમાં ફસાઈ ગયો અને...

“ધડામ!”

એ સીધો ધૂળમાં પડી ગયો.

આખું મેદાન શાંત થઈ ગયું.

થોડા બાળકો હસવા લાગ્યા.

જૂનો ટિમી હોત તો શરમથી લાલ થઈ જાત, રડી પડત અને છુપાઈ જવા માટે બાથરૂમમાં દોડી જાત.

પણ નવો ટિમી?

એ ધૂળમાં બેઠો બેઠો હસવા લાગ્યો.

એને આ કોઈ મોટી મુશ્કેલી લાગી નહીં.

એ મનમાં બોલ્યો,

“હાય, મારા મિસ્ટેક ફ્રેન્ડસ! હવે મને સમજાયું કે શું થયું. હું દોડનારને જોવાને બદલે મારી તરફ જોતા બાળકોને જોતો હતો!”

ટિમી તરત ઊભો થઈ ગયો.

એણે ઘૂંટણ પરથી ધૂળ ખંખેરી નાખી અને જોરથી બોલ્યો, “મને ફરી એક ‘ખો’ આપો! હવે મને યુક્તિ સમજાઈ ગઈ છે!”

આ વખતે કોઈ હસ્યું નહીં. બધાએ એના ચહેરા પરનું મોટું સ્મિત જોયું. અને તેઓ પણ બહાદુરી અનુભવવા લાગ્યા.

ટિમી એ દિવસે રમત જીતી શક્યો નહીં. અને એણે આખી રમત પણ પૂરી કરી નહીં. પણ એણે કંઈક વધારે કિંમતી શીખી લીધું હતું.

હવે એને ખબર પડી ગઈ હતી કે ભૂલ થયા પછી ફરી ભૂલમાંથી કેવી રીતેનીકળવું અને આગળ કેવી રીતે વધવું. અને એ જ સાચી જીત હતી.

Cookies Consent

This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...