નવી શરૂઆત

શું તમે કોઈ દિવસ ઉત્તેજના, ભય અને આનંદ એકસાથે અનુભવ્યા છે ? મેં અનુભવ્યા છે.

ભય એ લગભગ મારા સાથી જેવો બની ગયો છે પણ ઉત્તેજના અને આનંદ તો ભાગ્યે જ મારી સાથે હોય ! પણ એ  દિવસે આ ત્રણેયનો એકસાથે અનુભવ કરવાનું મારા માટે એક ખાસ કારણ હતું.

મમ્મી અને પપ્પાએ સમાચાર આપ્યા કે ગણેશ ચતુર્થીના દિવસે અમે અમારા નવા ઘરમાં રહેવા જઈશું. નવા ઘરનો અર્થ હતો કે ત્યાં ઘણું બધું નવું-નવું હશે. પણ મારા માટે તો મારો એક અલગ રૂમ જેમાં મારી આજુબાજુ મારા ફેવરીટ કલર્સ હોય એ જ મહત્વનું હતું. એનાથી વિશેષ મને બીજું શું જોઈએ ? આવો ઉત્સાહનો પ્રસંગ આવવાનો હોય ત્યારે જ મીડ ટર્મની એક્ઝામને પણ આવવાનું હતું ? એ પણ ગણેશ ચતુર્થીના એક અઠવાડિયા પછી ! માથા પર પરીક્ષાના ડર સાથે હું આ પ્રસંગને કેવી રીતે એન્જોય કરીશ ?

મેં જેવું વિચાર્યું હતું એવું જ થયું. ગણેશ પૂજા પછી બધા મહેમાનો ભોજનની મજા સાથે આનંદ કરી રહ્યા હતા, ત્યારે હું ચૂપચાપ એક ખૂણામાં બેસીને આવનારી પરીક્ષાના વિચારોમાં ખોવાયેલો હતો. એ વખતે અચાનક જ અમારા ઘરના લીવીંગ રૂમમાં રાખેલા ભગવાન ગણેશની સુંદર પ્રતિમાએ મારું ધ્યાન ખેંચ્યું.

હું તે મૂર્તિને નીરખતો હતો એવામાં એક અવાજ સંભળાયો. "જો ભગવાન ગણેશ અત્યારે અહીં પ્રગટ થાય તો કેવી મજા પડી જાય !"

હું તો સ્તબ્ધ જ થઈ ગયો, "કોઈ મારા વિચારોને એક્ઝેક્ટલી જેમ છે એમ કેવી રીતે જાણી શકે છે ?”

મેં પાછળ વળીને જોયું તો મારા મોટા કઝીન, અભિષેકભૈયા મારી પાછળ હાથ જોડીને ગણેશની મૂર્તિ સામે ઊભા હતા.

ભૈયાએ મારી સામે જોયા વગર જ મને પૂછ્યું, "જો તેઓ અહીં પ્રગટ થાય તો તું એમની પાસે શું માંગે?"

આ પ્રશ્નનો જવાબ આપવા માટે મારે કંઈ વધારે વિચારવાનું નહોતું.

"મારી એક્ઝામ આવી રહી છે અને મને ખરેખર બહુ ડર લાગે છે. હું એમને પ્રાર્થના કરીશ કે મારા પેપર્સ સારા જાય,” ભગવાન ગણેશ સાચે મારી પ્રાર્થના સાંભળતા હોય એવી છૂપી આશા સાથે મેં ભૈયાને જવાબ આપ્યો.

"આ પ્રાર્થના યોગ્ય નથી લાગતી !" ભૈયા હસ્યા.

"તમે કહેવા શું માંગો છો ?" હું થોડો અકળાયો.

"હું એમ કહેવા માંગું છે કે તુ ખોટી જગ્યાએ પ્રાર્થના કરે છે. આ તો એવું થયું કે મેડિકલ કોલેજમાં જઈને તું એન્જિનિયરિંગના કોર્સ માટે એપ્લિકેશન આપે છે. આવી રીતે તારી એપ્લિકેશન કેવી રીતે મંજૂર થાય? ભૈયા એમને એકલાને જ સમજાય એવી ભાષામાં વાત કરતા હતા.

એમણે વધારે સમજાવતા કહ્યું, “ગણેશ તો 'બુદ્ધિ'ના દેવતા છે". મેં તરત જ એમને અટકાવીને પૂછ્યું, "એનો શું અર્થ થાય ?"

 ભૈયાએ કહ્યું, "ઘણીવાર લોકોને મહિનામાં અમુક જ તકલીફોનો સામનો કરવો પડતો હોય છે છતાં એ લોકો સતત ભયમાં જ જીવતા હોય છે. આનું કારણ તેની 'દુર્બુધ્ધિ' છે. ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરવાથી દુર્બુધ્ધિ સદબુદ્ધિમાં પરિણમે છે જેનાથી પોઝિટિવિટી મળે છે અને આપણે મૂંઝવણોના સમાધાન મેળવી શકીએ છીએ.” ભૈયાએ જવાબ આપ્યો.

જો કે, મને 'બુદ્ધિ'નો અર્થ સંપૂર્ણપણે સમજાયો નહોતો પણ એટલુ સમજાયું હતું કે ભગવાન ગણેશને ભજવાથી મને એવી સમજણ પ્રાપ્ત થશે જેનાથી મારો ડર ભાગી જશે. મારે હજી વધારે સમજવું હતું.

"તારે ભગવાન ગણેશને પરીક્ષા સારી જાય એવી પ્રાર્થના શા માટે કરવી જોઈએ ? જો તારામાં રહેલો નકામો ડર નીકળી જશે તો તુ સરસ જ ભણી શકીશ અને એક્ઝામમાં પણ સરસ પરફોર્મ કરી શકીશ. તને નથી લાગતું કે તારે એમની ભક્તિ કરવી જોઈએ જેનાથી તારામાં પોઝીટીવ એટીટ્યુડ આવે અને તારો ડર ગાયબ થઈ જાય ?” ભૈયાએ પૂછ્યું.

ભૈયાની વાત મને ગમી. હું એમની વાત સાથે સહમત હતો.

“ભગવાન ગણેશ ડહાપણના દેવતા છે. દુનિયામાં ભાગ્યે જ કોઈ એવી સમસ્યા હશે જેને ભગવાન ગણેશ એમની સદબુદ્ધિથી ઉકેલી ના શકે ! માટે જ આપણે કોઈ પણ નવા કામની શરૂઆત વખતે સર્વપ્રથમ એમની સ્થાપના કરીએ છીએ." ભૈયાએ વધારે સમજણ આપતા કહ્યું.

"એટલે જ તો નવા ઘરમાં રહેવાની શરૂઆત કરતા પહેલા આપણે એમની પૂજા અર્ચના કરી,” આ કહેતા મને ખુબ આનંદ થયો.

“એક્ઝેક્ટલી.” ભૈયાએ સ્મિત કરતા કહ્યું.  અને મેં પણ એમને સ્મિત સાથે કહ્યું, “હું પણ તૈયાર છું મારી ‘નવી શરૂઆત’ માટે.”