પીંગ પોંગ ચેમ્પિયન ભાગ-૧

પાત્રો

પાન્ઝી - ચિમ્પાન્ઝી

રેન્ગ-ટેન્ગ - ઓરેન્ગ - ઉટેન્ગ

અંકલ ગજૂ - હાથી

ચાલો આપણે પાન્ઝી અને રેન્ગ-ટેન્ગની જંગલ સ્ટોરીને બે ભાગમાં વાંચીએ.

અને આ ગેમનો વિજેતા છે ....”પાન્ઝી, ચિમ્પાન્ઝી !”

તાળીઓના ગડગડાટ પહેલા સ્ટેડિયમમાં થોડો ગણગણાટ છવાયેલો હતો. ગેમ અઘરી હતી છતાં પાન્ઝી સરસ રમ્યો હતો. પરંતુ આ વર્ષની ‘નેશનલ જંગલ ટુર્નામેન્ટ’ના વિજેતાનું નામ સાંભળીને બધા પ્રાણીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. નેશનલ જંગલ ટુર્નામેન્ટની એક પછી એક એમ બધી ગેમ જે જીત્યો હતો તેનું તો નામ પણ કોઈએ સાંભળ્યું નહોતું.

એ બધાની આતુરતાનું કારણ હતો. આખરે એ છે કોણ ? અને આટલી બધી ગેમ્સ એ કઈ રીતે જીતી ગયો?

ટુર્નામેન્ટનો છેલ્લો દિવસ હતો. પાન્ઝીને પિંગ-પોંગ ગેમમાં રેન્ગ-ટેન્ગની સામે રમવાનું હતું. ગેમ શરુ થતા પહેલા પાન્ઝીએ રેન્ગ-ટેન્ગ સાથે હાથ મીલાવીને એને શુભેચ્છાઓ પાઠવી.

રેન્ગ-ટેન્ગ બહુ નર્વસ લાગતો હતો. જોકે, એના માટે નર્વસ થવા જેવું કંઈ હતું નહીં. એ પિંગ-પોંગ ગેમમાં એટલો માહિર હતો કે પાન્ઝીને હરાવવાનું કામ એના માટે એકદમ સહેલું હતું. ગેમ અને એની વ્યૂહરચના પર વિચાર કરવાના બદલે એ પોતાને પાન્ઝી સાથે સરખાવવામાં ખોવાઈ ગયો હતો. ગેમ શરુ કરતા પહેલા એ મનમાં વિચારતો હતો કે “આ ગેમમાં મારે પાન્ઝી કરતા વધારે સારું પરફોર્મ કરવું જ પડશે. ગમે તે થાય પણ એને હું મારી ગેમ જીતવા નહીં દઉં.”

પાન્ઝી ગેમની મજા માણતો હતો ત્યારે રેન્ગ-ટેન્ગનું બધું ધ્યાન પોતાને પાન્ઝી કરતા વધારે સારું સાબિત કરવામાં હતું. છેલ્લા અડધા કલાકની ગેમ ઓડિયન્સ માટે બહુ રોમાંચક બની ગઈ હતી. આ ગેમ કોણ જીતશે એ કહેવું બહુ મુશ્કેલ બની ગયું હતું.

પાન્ઝીએ છેલ્લી થોડી ક્ષણોમાં વિનર શોટ માર્યો અને વિજેતા બની ગયો. પોતાની આદત પ્રમાણે દરેક ગેમ જીત્યા પછી એ ડાયરીમાં કંઈક લખતો. આ વખતે પણ એણે એવું જ કર્યું. એની ડાયરીના કવર પેજ પર AJ લખ્યું હતું.

હારી જવાથી રેન્ગ-ટેન્ગ ઘણો દુ:ખી થઈ ગયો હતો. એ અદેખાઈમાં એટલો બધો બળવા લાગ્યો કે પાન્ઝી પાસે જે હોય એ બધું જ છીનવી લેવાનું એને મન થવા લાગ્યું.

"પાન્ઝી આ ગેમ જીતવાને લાયક જ નહોતો, લાયક તો હું જ હતો તો પછી એ કેવી રીતે જીતી ગયો ?!" રેન્ગ-ટેન્ગ ગુસ્સામાં અંદરોઅંદર બળવા લાગ્યો. એણે પાન્ઝીની ડાયરી ચોરવાનું નક્કી કર્યું.  "ગેમમાં વિજેતા થવાની બધી જ ટ્રિક્સ એમાં જરૂર લખેલી હશે,” એણે મનોમન વિચાર્યું.

રાત્રે બધા સૂઈ ગયા ત્યારે રેન્ગ-ટેન્ગ ધીમેથી પાન્ઝીની કેબિનમાં ઘુસ્યો અને એની ડાયરી ચોરી લીધી. એ ભાગવા જતો હતો ત્યાં જ એને સામે અદબ વાળીને ઊભેલો રેન્ગ-ટેન્ગ દેખાયો.

રેન્ગ-ટેન્ગ કંઈ બોલવા જાય કે ત્યાંથી ભાગી જાય એ પહેલા જ પાન્ઝીએ કહ્યું, "મને એ વાતની બહુ ખુશી છે કે તને આ ડાયરી મળી ગઈ. મારી સફળતા રાહની સિક્રેટ એમાં લખેલી છે અને મારી ઈચ્છા છે કે એ તુ પણ એના વિશે જાણે."

"તુ કહેવા શું માંગે છે?" રેન્ગ-ટેન્ગે ડાયરી ખોલી અને એના પાના ફેરવવા લાગ્યો. એમાં એને જે દેખાયું એ જોઈને એને ખુબ નવાઈ લાગી.

"આ શું છે? આ જ છે તારી સફળતાની રાહ?" રેન્ગ-ટેન્ગે આશ્ચર્ય સાથે પૂછ્યું.

 

તમને શું લાગે છે કે રેન્ગ-ટેન્ગે પાન્ઝીની ડાયરીમાં એવું તો શું જોયું હશે ? આનો જવાબ જાણવા માટે વાંચો પીંગ પોંગ ચેમ્પિયન ભાગ-2 !