તમે હમણાં વાંચ્યું કે રેન્ગ-ટેન્ગે પાન્ઝીની ડાયરી ચોરી હતી, અનુમાન લગાવો કે એમાં એણે શું વાંચ્યું હશે?....શું રેન્ગ-ટેન્ગને એમાંથી કોઈ પ્રેરણા મળી હશે? એ જાણવા માટે ચાલો વાંચીએ ભાગ 2.
પાન્ઝીની ડાયરીના દરેક પાનાં પર થોડા પોઈન્ટ્સ લખેલા હતા, જેવા કે,
“ગિઝ્મો જે રીતે ગેમમાં મહેનત કરે છે એના માટે મને ખુબ માન છે.”
"મોલી કાયમ ટાઈમ પર આવે છે એ વાત મને ગમે છે.”
“ટેડી બધાની સાથે ખુબ સારી રીતે રીતે હળી-મળી જાય છે એ વાત સાચે પ્રશંસનીય છે."
ડાયરી જોઈને રેન્ગ-ટેન્ગ ખરેખર ગૂંચાઈ ગયો હતો. એને સમજાતું જ નહોતું કે ડાયરીના પાનામાં સફળતાનો કયું રહસ્ય છૂપાયેલુ છે.
"આપણે થોડીવાર બેસીને વાત કરી શકીએ?” રેન્ગ-ટેન્ગની મુંઝવણ જોઈને પાન્ઝીએ એને શાંતિથી કહ્યું. “હું તને બધું સમજાવીશ. હું તને પ્રોમીઝ આપું છું કે આનાથી તને જરૂર ફાયદો થશે.” પાન્ઝીએ નરમાશથી કહ્યું. રેન્ગ-ટેન્ગને હજીપણ આમ રંગે હાથ પકડાઈ જવાથી થોડી શરમ આવતી હતી.
પાન્ઝીએ વાત શરુ કરતા કહ્યું,"ગયા વર્ષની ટુર્નામેન્ટમાં મારા ખરાબ પરફોર્મન્સના કારણે હું બહુ દુ:ખી હતો.”
“ગયા વર્ષે?” પાન્ઝીની વાતને અધવચ્ચે જ અટકાવીને રેન્ગ-ટેન્ગ બોલી ઊઠ્યો.
પાન્ઝીએ હસીને કહ્યું, "હા, તને નવાઈ લાગશે કે ગયા વર્ષે પણ મેં ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને બધી જ ગેમ્સ હારી ગયો હતો. એ વખતે હું મારી જાતની સતત બીજા સાથે સરખામણી કરતો હતો અને મારી હાર માટે ઘણા કારણો જવાબદાર લાગતા હતા જેવા કે વિજેતા પાસે મારા કરતા વધારે સારા ટીચર્સ,વધારે સારા સાધનો અને વધારે સારી સગવડો છે. કાશ, મારી પાસે પણ એ બધું હોત! આમ સતત સરખામણીના કારણે હું મારી ગેમ પર ધ્યાન જ આપી નહોતો શક્યો. આના કારણે હું ખુબ ડીસ્ટર્બ રહેવા લાગ્યો હતો. બીજા બધા મારા કરતા વધારે સારા કેમ છે? આખરે આ બધાથી કંટાળીને એક દિવસ થોડી શાંતિ મેળવવા માટે હું ઝૂત્સુ પર્વત પર ગયો.
રેન્ગ-ટેન્ગે પૂછ્યું, "પેલી પ્રાર્થના કરવાની જગ્યાએ?"
“હા” પાન્ઝીએ કહ્યું. “હું ત્યાં પહોંચ્યો ત્યારે થોડા લોકો ભેગા મળીને ભક્તિ ગીતો ગાતા હતાં. ત્યાં બેસતા જ મને ખુબ જ શાંતિનો અનુભવ થયો. થોડી વાર પછી હું પણ એમની સાથે ગાવા લાગ્યો. એટલામાં ગજુ અંકલ મારી પાસે આવ્યા અને મને કહેવા લાગ્યા કે હું પણ એ લોકો સાથે ગાવામાં જોડાઈ શકું છું. એમણે મને ભક્તિ ગીતો લખેલું પેપર આપ્યું અને હું પણ એ બધા સાથે ગાવા લાગ્યો. ભક્તિ પૂરી થયા પછી ગજુ અંકલ મારી પાસે આવીને બેઠા. કોણ જાણે કેમ એમને ખબર પડી ગઈ કે મારી અંદર કંઈક કંઈક મથામણ ચાલી રહી છે.”
“તને કંઈ તકલીફ તો નથી ને? બધું બરાબર છે ને?” એમણે મને પૂછ્યું.
એમના શબ્દોમાં એટલી બધી લાગણી હતી કે મારાથી રહેવાયું નહીં અને મેં એમને મારી બધી વાત કહી દીધી. એમણે બધું શાંતિથી સાંભળ્યું. મારી વાત પત્યા પછી થોડીવાર પછી એ બોલ્યા, “તને ખબર છે કે હમણાં ભક્તિ ગીતો ગાતી વખતે તને આટલી શાંતિ કેમ અનુભવાઈ હતી?”
"ના," મેં જબાવ આપ્યો.
"કારણ કે આપણે જ્યારે ભક્તિ કરીએ ત્યારે એમાં પ્રભુનું ગુણ ગાન કરીએ છીએ. આપણે ભગવાન સાથે આપણી જાતની સરખામણી ક્યારેય નથી કરતા. આપણે તો એમના ઊંચા ગુણોની ભજના કરીએ છીએ કારણકે આપણે પણ એવા ગુણો કેળવવા માંગીએ છીએ. ભગવાનની ભક્તિ કરવાથી આપણને શાંતિ મળે છે. પણ જો આપણે બીજા સાથે પોતાની જાતની સરખામણી કરવામાં પડીએ તો આપણને અદેખાઈ થાય, મનમાં બળતરા થાય. જો આપણે બીજાના સારા ગુણો આપણામાં ખીલવવા હોય તો આપણે એમના સારા ગુણોની પ્રશંસા કરવી જોઈએ જેનાથી આપણને શાંતિ મળે.”
“ગજુ અંકલની આ સાદી સમજણથી મારા જીવનમાં બહુ મોટો બદલાવ આવ્યો છે. મેં બીજાના સારા ગુણો લખવા માટે એક અપ્રિશીયેશન જર્નલ ‘AJ’ બનાવી અને એમાં લખવાનું ચાલુ કર્યું. રોજે રોજ મને પ્રેરણાદાયી થઈ શકે એવા બીજા લોકોના સારા ગુણો હું આમાં લખું છું. આજે આપણી ગેમ પૂરી થયા પછી મેં તારા સારા ગુણો પણ આમાં લખ્યા છે.”
રેન્ગ-ટેન્ગે આશ્ચર્યથી પૂછ્યું, "બસ આટલું જ?! બીજાના સારા ગુણોની પ્રશંસા કરવાથી તુ વિજેતા થઈ ગયો?"
“ના, એનાથી હું ખુશ રહેવા લાગ્યો અને મને ખુબ શાંતિ પણ મળવા લાગી. અને એ જ મારી ખરી જીત છે. ગેમમાં જીતવું એ તો ગેમ રમવાનો આનંદ ઉઠાવવાનું પરિણામ છે. આ ટુર્નામેન્ટની બધી ગેમ્સ કંઈ હું જીત્યો નથી. પણે જેમાં હું હાર્યો છું એમાંથી મને ઘણું શીખવા મળ્યું છે.” પાન્ઝીએ જવાબ આપતા સમજાવ્યું.
રેન્ગ-ટેન્ગને સમજાતું નહોતું કે એ પાન્ઝીને શું જવાબ આપે? એને તો માનવામાં જ નહોતું આવતું કે આ બધું એની સાથે થઈ રહ્યું હતું. પાન્ઝીએ આગળ વાત કરતા કહ્યું કે "રેન્ગ-ટેન્ગ, જ્યારથી મેં મારી જાતને બીજા સાથે સરખાવવાનું બંધ કર્યું છે અને બીજામાં શું સારું છે એના પર ધ્યાન આપવાનું ચાલુ કર્યું છે અને એમના સારા ગુણોની કદર કરતા શીખ્યું છે ત્યારથી મારી ગેમ તો સુધરી જ છે પણ મારા જીવનમાં પણ આનાથી ખુબ ફાયદો થયો છે. તુ પણ આ ટ્રાય કરીશ ?” એકવાર ટ્રાય કરી તો જો...
રેન્ગ-ટેન્ગે જવાબ આપતા કહ્યું, "શ્યોર, હું પણ આતુર છું એ જોવા કે આનાથી મારામાં શું બદલાવ આવે છે.
પાન્ઝીએ ખુશ થઈને રેન્ગ-ટેન્ગ સાથે હાથ મિલાવતા કહ્યું કે, “હું પણ આતુર છું આવતા વર્ષે તને જીતતો જોવા જોવા માટે ! અને તારા હાથમાં AJ જોવા માટે !”