તુલસી એક નાની છોકરી હતી જે શાળામાં, તેના પડોશમાં અને તેને ઓળખતી દરેક વ્યક્તિમાં લોકપ્રિય હતી. તેનો ઉછેર ઘણા પ્રેમ અને સ્નેહથી થયો હતો. તેના માતા-પિતા તેની બધી ઈચ્છાઓને પૂરી કરવાનો બેસ્ટ ટ્રાય કરતાં, અને હંમેશા તેના માટે શ્રેષ્ઠ ઈચ્છતા હતા.
તુલસીનો જન્મદિવસ નજીક આવતાં, તેના મમ્મી-પપ્પાએ તેને વિડિયો ગેમ આપવાનું નક્કી કર્યું, જે તુલસીને ઘણાં વખતથી જોઈતી હતી. તુલસી ખૂબ જ ખુશ હતી, તેણે તેના મમ્મી-પપ્પાનો આભાર માન્યો અને પોતાની જાતને ખૂબ જ ભાગ્યશાળી માનવા લાગી.
તુલસી શાળાએથી પાછી આવતી કે તરત જ રૂમના એક ખૂણામાં તેની બેગ ફેંકી દેતી અને તરત જ તેની મમ્મીના મોબાઈલ સાથે રમવા બેસી જતી. તેને સતત એવા જ વિચારો આવતા કે, 'હું ક્યારે ઘરે જઈ શકીશ? ક્લાસ ક્યારે ફિનિશ થશે? મોબાઈલ ગેમ રમવા માટે મારાથી રાહ જોઈ શકાતી નથી.’
આખરે આનાથી, તેના ભણવા પર અસર થવા લાગી. તેની મમ્મી તેના પરીક્ષાના માર્ક્સ જોઈને હેરાન હતી, તુલસી હંમેશા સારી વિદ્યાર્થી રહી હતી. આમ બનતાં તુલસીની મમ્મીએ તેનો મોબાઈલ પાછો લઈ લીધો, અને તુલસીને ચેતવણી આપી કે, તેની પરીક્ષા પછી જ તેને તે પાછો મળશે.
તુલસી, ગુસ્સે થઈને, તેના રૂમમાં જતી રહી, અને તેની નોટબુક્સ આખા રૂમમાં ફેંકવા લાગી. આમ કરવાથી, તેના બેડસાઇડ ટેબલ પરની ફોટો ફ્રેમ પડી અને તેની ફેવરાઈટ ફેમિલિ ફ્રેમ તૂટી ગઈ. આનાથી તેને વધારે ગુસ્સો આવ્યો અને તેણે પોતાની જાતને રૂમમાં બંધ કરી દીધી અને ડિનર ખાવાની પણ ના પાડી.
તુલસી દરરોજ કરતાં વહેલા જાગી ગઈ હતી, તેને ભૂખ લાગી હતી, તેની આંખો સૂજી ગઈ હતી કારણ કે તે આખી રાત રડતી હતી અને તે ગુસ્સામાં હતી. તેણે વિચાર્યું, "મમ્મીએ મોબાઈલ લીધો. હું તેની સાથે વાત કરવાની નથી, હું તેને બતાવીશ કે હું હજી પણ દુઃખી છું." તે નાસ્તો કર્યા વિના અને તેના મમ્મી-પપ્પાને ગુડબાય કર્યા વગર સ્કુલે જવા નીકળી ગઈ.
તુલસીને આશ્ચર્ય થયું, જ્યારે તે બસ સ્ટોપની નજીક પહોંચી ત્યારે તેણે જોયું કે તેની મમ્મી હસતાં હસતાં તેની રાહ જોતી હતી. તેણે તુલસીને તેનો લંચ બોક્સ આપ્યો, જે તુલસી ઘરે ભૂલી ગઈ હતી, અને તેને એક બિગ હગ આપી. તુલસીની મમ્મીએ કહ્યું, "સ્કુલમાં તારો દિવસ સરસ રહે, બેટા."
બસની સવારી દરમિયાન તુલસી શાંત હતી અને વિચારોમાં ખોવાયેલી હતી. શા માટે તેની મમ્મીએ તેને લંચ બોક્સ ભૂલી જવા માટે અને તેના ગઈકાલ રાત્રિના વર્તનને માટે ઠપકો આપ્યો ન હતો? તે આખો દિવસ મૂંઝવણમાં હતી, અને તેની મમ્મીની પ્રતિક્રિયા વિશે વિચારતી રહી.
ભૂખથી આતુર, તુલસીએ ઝડપથી તેનો લંચ બોક્સ ખોલ્યો. તેને બોક્સની ઉપર એક ચિઠ્ઠી મળી, જેમાં લખ્યું હતું, "ભલે ગમે તે થાય, હું હંમેશા તને પ્રેમ કરીશ!" તુલસી લાગણીમાં આવી ગઈ, ગઈકાલ રાતના તેના ખરાબ વર્તન કરવા છતાં તેની મમ્મીએ તેને માફ કરી દીધી હતી.
તે જાણતી હતી કે તેને સુધારો કરવો પડશે. જ્યારે તે ઘરે પહોંચી અને તેની બેગ નીચે મૂકવા ગઈ ત્યાં તેણે જોયું કે તેની મમ્મીએ તૂટેલી ફોટો ફ્રેમની જગ્યાએ નવી ફ્રેમ મૂકી દીધી હતી. તેણે તેના સ્ટડી ટેબલ પર “પ્યોર લવ” નામનું અક્રમ એક્સપ્રેસનું લેટેસ્ટ મેગેઝિન પડેલું જોયું.
મેગેઝિનમાં દાદાજીએ સમજાવ્યું છે કે "શુદ્ધ પ્રેમ બિનશરતી છે અને તે વધતો કે ઘટતો નથી." તુલસીને સમજાયું કે તેની મમ્મી તેને બિનશરતી પ્રેમ કરે છે. તુલસીએ પ્રતિક્રમણ કર્યું અને કહ્યું, "મારી મમ્મીની અંદર રહેલા હે ભગવાન, કૃપા કરીને મને મારા વર્તન માટે ક્ષમા કરો. ફરીથી આવી ભૂલ ક્યારેય ન થાય એવી શક્તિ આપો." તેને તેની મમ્મીની માફી માંગવાની શક્તિ મળી અને તેણે તેની મમ્મીને ભેટી પડતાં કહ્યું , "આઈ લવ યુ મમ!".