સ્ટબર્ન સ્ટોનએક ઉચ્ચ પ્રદેશમાં એક મોટો પહાડ હતો. અર્થક્યુએક ના લીધે તેમાંથી બે પથ્થર છૂટા પડ્યા. બહારથી તો બંને ભૂખરા અને ખરબચડા લાગતા હતા પરંતુ અંદરથી બંને એકદમ અલગ હતા. મોટો પથ્થર કઠણ સ્વભાવનો અને પોતાની મરજી પ્રમાણે જીવવાવાળો હતો. બીજો પથ્થર નાનો હતો પણ બધે એડજસ્ટ થાય એવો નરમ હતો.

પહાડમાંથી છૂટા પડ્યા પછી એમણે પોતાના નવા જીવનની સફર શરુ કરી. થોડા સમયમાં તેઓ વાયુદેવને મળ્યા. જેમને ખ્યાલ હતો કે આગળની સફર બંને પથ્થરને ઘણી અડચણોનો સામનો કરવો પડશે. તેથી વાયુદેવે તેમને ચેતવણી આપતા કહ્યું, "ઉભા રહો! નીચે ના જશો ! ત્યાં આગળ એક નદી છે જે તેના રસ્તામાં આવનર દરેકને ગળી જાય છે !"

જીદ્દી પથ્થરે કહ્યું, "મને અટકાવનારા તમે કોણ છો ? હું તો પેલા મોટા પર્વતનો દીકરો છું. મને કોઈ નદીનો ડર નથી." નરમ પથ્થરે વાયુદેવની વાતને સમર્થન આપતા કહ્યું, "મોટાભાઈ, આપણે એમની વાત માની લેવી જોઈએ. એમની વાત સાચી લાગે છે." કઠણ પથ્થરે જવાબમાં કહ્યું, "નાનાભાઈ, તું મારી પાછળ પાછળ આવે એ જ તારા માટે યોગ્ય છે."

નરમ પથ્થર મોટાભાઈ સાથે ચાલવા લાગ્યો. તેઓ થોડાક જ આગળ ગયા કે તેમને જોરદાર તોફાન જેવો અવાજ સંભળાયો. "મોટાભાઈ, મને લાગે છે કે આ એ જ નદી છે. આપણે આપણો રસ્તો બદલવો જોઈએ." પણ કઠણ પથ્થરે એની વાત ના માની. એણે આગળ વધવાનું ચાલુ જ રાખ્યું અને નાનાભાઈને પાછળ આવવાનો આદેશ કર્યો. અચાનક એ બંનેની આંખો ભયથી પહોળી થઈ ગઈ.

અસંખ્ય પરપોટાના ફીણવાળી, સફેદ અને ક્રોધિત નદી એના રસ્તામાં આવનાર ગમે તેને ગળી જવા તૈયાર જ હતી. અચાનક બંને ભાઈઓ નદીમાં ખેંચાઈ ગયા. નરમ પથ્થરને ખ્યાલ આવી ગયો કે હવે બચવાનો કોઈ જ રસ્તો નથી એટલે એ નદીના પ્રવાહ સાથે વહેવા લાગ્યો. જીદ્દી કઠણ પથ્થર ક્રોધિત નદીના જોર સામે અડગ ઊભા રહેવાના પ્રયત્નો કરવા લાગ્યો.

નદીમાં પડ્યા પછી, નરમ પથ્થરે તેના પ્રચંડ વેગને નમ્રતાથી સ્વીકારી લીધો. નદીને દોષિત જોયા વગર એ તેના પ્રવાહમાં વહેવા લાગ્યો. નરમ પથ્થરના વિનમ્ર વર્તનના કારણે નદી તેને કશું નુકસાન ના પહોંચાડી શકી. વાસ્તવમાં, નદીના વેગથી તેનું ખરબચડાપણું નીકળી ગયું અને તે સુંવાળો અને ચમકદાર બની ગયો.

કઠણ પથ્થરે પાણીના વહેતા પ્રવાહમાં અડગ રહેવાના અનેક પ્રયત્નો કર્યા પણ નદીના પ્રચંડ વેગે આસાનીથી તેના ટુકડે ટુકડા કરી નાંખ્યા જે નદીમાં જ ગરકાવ થઈ અદ્રશ્ય થઈ ગયા.

નરમ પથ્થર નદી કિનારે પહોંચી ગયો. પોતાના ભાઈના અંત પર તેને બહુ દુઃખ થયું, "જીદની કેવી મોટી કિંમત ચૂકવવી પડે છે !" થોડા સમય પછી, નદી પાસેથી પસાર થતા એક સંતે એ સુંવાળા પથ્થરને જોયો. એને હાથમાં લઈને એમણે ખુશીથી કહ્યું,"અરે વાહ, આ તો શાલિગ્રામ છે. આના માટે આ સ્થાન યોગ્ય નથી ! "

સંતે તે પથ્થરને મંદિરમાં મૂક્યો અને કહ્યું, "જીવનમાં આવતી અડચણો સામે એડજસ્ટમેન્ટ લેવાની ક્ષમતા જ આપણને ભગવાન બનાવે છે."