એગલેસ ચોકલેટ કેકટીનાએ તેની ખાસ ફ્રેન્ડ પૂજાની બર્થ ડે માટે એને સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું. ટીનાની મમ્મીએ પૂજાને ગીફ્ટમાં બર્થ ડે કેક આપવાનો આઈડિયા આપ્યો.

જ્યારે તેઓ શોપમાં ગયા ત્યારે ત્યાં પડેલી કલરફૂલ, ફેન્સી અને સ્વાદિષ્ટ અવનવી કેકની વેરાઈટી જોઈને ટીના ખુબ ઉત્સાહમાં આવી ગઈ.

વધારે વિચાર કર્યા વિના એણે તરત જ સૌથી સુંદર લાગતી કેક પસંદ કરી. "મમ્મી મને લાગે છે કે પૂજાને આ પિંક કેક ગમશે. પિંક એનો ફેવરિટ કલર છે." ટીનાએ કહ્યું.

મમ્મીએ નારાજગી સાથે ચિંતિત થઈને પૂછ્યું, "ટીના, તને ખબર છે કે આ કેક આગળ લાલ રંગનું નિશાન કેમ મૂકયું છે?" "હા મમ્મી, એનો અર્થ છે કે આ કેક બનાવવામાં નોન વેજીટેરિઅન વસ્તુનો ઉપયોગ થયો છે. જેમકે, ઈંડા." "બેટા, આવી કેક લેવામાં તને કોઈ વાંધો નથી?" "મમ્મી, ઈંડામાં શું વાંધો છે? એ પણ તો વેજીટેરીયન જ ગણાય છે ને!"

પોતાની દીકરીની નિર્દોષતા જોઈને ટીનાની મમ્મીના ચહેરા પર સહેજ સ્મિત આવી ગયું. એમણે ટીનાને પ્રેમથી પૂછ્યું કે, "જો હું એક ટૂથ પીક લઈને તને વગાડું તો તને દુ:ખ થાય ખરું?" "હા, મમ્મી! એ તો વાગે જ ને ! અને મને દુઃખી થવું ના ગમે", ટીનાએ જવાબ આપ્યો.

મમ્મીએ એને વધારે સમજાવતા કહ્યું કે, "જો તને વાગવાના વિચારથી પણ ડર લાગે છે તો પછી તું કલ્પના તો કર કે ઈંડાની અંદર રહેલો નાનકડો જીવ જેનું દિલ બીજા દિવસથી ધબકવાનું શરુ થાય છે એની શું દશા થતી હશે?"

"મને તો ખબર જ નહોતી કે ઈંડાની અંદર હ્રદય પણ હોય છે !", બહાર કાચમાંથી દેખાતી રેફ્રીજરેટરની અંદર પડેલી કેક તરફ જોતા એણે કહ્યું. "તો હવે તારે કઈ કેક લેવી છે? પિંક કેક કે એગલેસ કેક?", ટીનાની મમ્મીએ પૂછ્યું. "ના મમ્મી! મારે ઈંડાની અંદર રહેલા નાના જીવને દુ:ખ નથી આપવું. મારી જેમ એની પાસે પણ દિલ છે."

ટીનાએ પોતાની ખાસ ફ્રેન્ડ પૂજાને સ્વાદિષ્ટ એગલેસ ચોકલેટ કેક ગીફ્ટમાં આપી. જેનાથી પૂજાની બર્થ ડે વધારે સ્પેશીયલ બની ગઈ. પાર્ટીમાં આવેલા બધા જ બાળકોને એ કેક ખુબ ભાવી અને એગલેસ હોવા છતાં પણ એ બધાની ફેવરીટ કેક બની ગઈ!