ઈર્ષ્યાની આગ

"હું તમને બીજુ શું આપું આન્ટી ? શું તમને થોડી ચોકલેટ્સ ગમશે?" એન્યુઅલ સ્કુલ ફેર દરમિયાન તેના સ્ટોલ પર આવેલી એક લેડી સાથે વાત કરતી વખતે પુનિતે પૂછ્યું. તેમણે જવાબ આપ્યો, "ના, મેં હમણાં જ ધ્યેય શાહના સ્ટોલ પરથી 20 પેકેટ ખરીદ્યા છે. તેની પાસે ઘણી બધી વેરાયટી હતી." 

  "ઠીક છે, ઠીક છે, કોઈ વાંધો નથી." પુનીતે કંટાળાજનક સ્મિત સાથે જવાબ આપ્યો. પુનિત અને ધ્યેય કિન્ડરગાર્ટનથી જ ક્લાસમેટ હતા. ધ્યેય હંમેશા તમામ ક્ષેત્રોમાં પુનિત કરતા એક ડગલું આગળ હતો, પછી તે અભ્યાસ હોય, રમતગમત હોય કે કોઈ પણ ઈતર પ્રવૃત્તિ હોય. ધ્યેય હંમેશા જીતતો હતો. જેના કારણે ધ્યેય આખી સ્કુલમાં પ્રખ્યાત હતો. સ્કુલના તમામ કાર્યક્રમો માટે હંમેશા એની પસંદગી કરવામાં આવતી હતી. પુનિત દરેક વખતે ધ્યેયને આઉટ કરવાનો પ્રયાસ કરતો, પરંતું ક્યારેય સફળ થતો ન હતો. 

એક દિવસ, પુનિત ઉદાસ ચહેરા સાથે ઘરે આવ્યો. પોતાનું બેકપેક નીચે મૂકીને, પુનિત તેના કપડા બદલવા તેના કબાટ પાસે ગયો. એટલામાં જ તેની નજર અરીસા પર પડી અને પુનિતે પોતાની જાતને કહ્યું, "હું રડતા બાળક જેવો દેખાઉં છું." તેણે ઉદાસ ચહેરા સાથે અરીસા તરફ જોયું. 

એટલામાં જ અરીસાએ જવાબ આપ્યો, "હું અરીસો છું. તું જેવો દેખાય છે એવો હું તને બતાવું છું. પણ મારા પ્રિય મિત્ર, મને કહે કે આજે તું આટલો ઉદાસ કેમ દેખાય છે?" અરીસાની વાત સાંભળીને પુનિત ચોંકી ગયો. ચિડાઈને તેણે કહ્યું, "આ બધુ ધ્યેયને કારણે છે. ફરીથી એકવાર, તેણે પરીક્ષામાં મારા કરતા વધુ માર્કસ મેળવ્યા. હું ગમે તેટલી કોશિશ કરું, તે હંમેશા મારાથી આગળ હોય છે. મને સમજાતું નથી કે હું કેમ હંમેશા પાછળ રહું છું." 

હાસ્ય સાથે અરીસાએ જવાબ આપ્યો, "ઓહ! તો આ વાત છે! તને ધ્યેયની ઈર્ષ્યા થાય છે." આના પર પુનિતે કહ્યું, "ઈર્ષ્યા ? ના, ના, ધ્યેય મારો મિત્ર છે. મને તેની ઈર્ષ્યા શા માટે થાય ?" અરીસાએ આગળ કહ્યું, "જેમ મેં કહ્યું એમ, હું અરીસો છું. તું જેવો દેખાય છે એવો હું તને બતાવું છું." પુનિતે પછી પૂછ્યું, "હું કેવી રીતે માનું કે મને ધ્યેયની ઈર્ષ્યા થાય છે ?" અરીસાએ જવાબ આપ્યો, "હું હમણાં જ સાબિત કરી આપીશ. હું જે કહું છું તે ધ્યાનથી સાંભળ અને મને કહે કે તું સહમત છે કે નહીં."

જ્યારે ધ્યેય તારાથી આગળ વધે છે, ત્યારે તને તે ગમતું નથી. જ્યારે લોકો તેની પ્રશંસા કરે છે, ત્યારે તું તેને સહન કરી શકતો નથી. જ્યારે તે હારી જાય છે અથવા પાછળ પડી જાય છે, ત્યારે તને આનંદ થાય છે. હકીકતમાં, તું ઈચ્છું છું કે આવું જ થાય. તે જે પણ કરે છે, તે બધું તને ફરજિયાત કરવું હોય છે. તું નામાં નકારાત્મક ગુણો જોતો હોઉં  છું અને તેના પ્રત્યે અણગમો અનુભવું છું. તને બીજા લોકોને તેની નકારાત્મક વાતો કહેવાનું મન થાય છે. તું આખો દિવસ અગ્નિની જેમ બળે છે. મને કહે, શું તને આવું બધું થાય છે?

આ બધું સાંભળીને પુનિત સ્તબ્ધ થઈ જાય છે. અરીસાએ જે કહ્યું, તે બધું જ સાચું હતું. તેણે અરીસાને પૂછ્યું, "ઓહ! તને આ બધું કેવી રીતે જાણવા મળ્યું?" અરીસાએ જવાબ આપ્યો, "મેં તને કહ્યું હતું કે, હું અરીસો છું. તું જેવો દેખાય છે એવો હું તને બતાવું છું." 

આ સાંભળીને પુનિતના ચહેરા પરના હાવભાવ એવા હતા, કે જેમ કોઈ ચોર રંગે હાથે પકડાયો હોય. આ જોઈને અરીસાએ કહ્યું, "તારો ઉદાસ ચહેરો, તારો રોષ અને ચીડ એ બધું જ તારી ઈર્ષ્યાનું પરિણામ છે. ઈર્ષ્યાને દૂર કરવા માટે મારી પાસે એક સરસ ઉપાય છે." પુનિતના ચહેરા પર ઉદગારવાચક ચિહ્ન હતું. તેણે અરીસાને પૂછ્યું, "એ શું છે? મને કહો." 

ત્યારે અરીસાએ જવાબ આપ્યો, "જ્યારે તમે બીજામાં રહેલા સકારાત્મક ગુણોની દિલથી કદર કરો છો, ત્યારે તે ગુણો તમારામાં પ્રગટ થાય છે. આપણી શક્તિ વધે છે અને બીજામાં રહેલા સકારાત્મક ગુણોને દિલથી સ્વીકારવાથી તે વ્યક્તિ પ્રત્યેની આપણી ઈર્ષ્યા સંપૂર્ણપણે ઓગળી જાય છે. તેથી, તારે પણ હૃદયપૂર્વક ધ્યેયના સકારાત્મક ગુણોની કદર કરવી જોઈએ."

ફરી એકવાર ઉદાસ ચહેરા સાથે પુનીતે કહ્યું, "સકારાત્મક  ગુણો અને તે પણ ધ્યેયમાં ? હું દૂરબીન વડે શોધું તો પણ તેનામાં એક પણ સકારાત્મક ગુણ હું શોધી શકતો નથી." 

અરીસાએ આડકતરી રીતે પૂછ્યું, "તું શોધી નથી શકતો, કે પછી તું કોઈ સકારાત્મક ગુણો શોધવા જ નથી માંગતો?" પુનિત કંઈ પણ બોલ્યા વગર નીચું જોઈ રહ્યો. અરીસાએ પછી કહ્યું, "ચાલ... મને કહે, તું તારી પરીક્ષાની તૈયારી ક્યારે શરૂ કરીશ?" પુનિતે તેના પર વિચાર કરીને જવાબ આપ્યો, "એક અઠવાડિયા પહેલા." અરીસાએ પૂછ્યું, "અને ધ્યેય?" 

પુનિતે જવાબ આપ્યો, "તે રોજ અભ્યાસ કરે છે. એકવાર ધ્યેયના પપ્પાએ મને કહ્યું હતું કે, ધ્યેય હંમેશા તેના ટાઈમટેબલને ફોલો કરે છે. તેણે ટીવી જોવા, રમવા અને મિત્રો સાથે ગપસપ કરવા માટે જુદો સમય રાખ્યો છે અને તે ટાઈમટેબલને સિન્સિયરલી ફોલો કરે છે." 

પુનિતને સમજાવતા અરીસાએ કહ્યું, "તો આ તેની સારી ટાઈમ મેનેજમેન્ટ સ્કીલ તરીકે ઓળખાય છે. પછી, શું તે એને ટેનિસની પ્રેક્ટિસ કરતા જોયો છે?" પુનીતે જવાબ આપ્યો, "હા, શાળામાં જ્યારે આપણે બાકીના લોકો ચિટ ચેટ કરીએ છીએ, કે ટાઈમપાસ કરીએ છીએ, ત્યારે તે ટેનિસની પ્રેક્ટિસ કરે છે."

તો અરીસાએ કહ્યું, "આ સાબિત કરે છે કે એ સિન્સિયર અને મહેનતું છે." પુનીતે માથું હલાવતાં હા પાડી. અરીસાએ પછી ઉમેર્યું, "ઈર્ષ્યા કરવાને બદલે, જો તું તેના સકારાત્મક ગુણોની કદર કરીશ, તો તારામાં પણ આ ગુણો પ્રગટ થવા લાગશે." 

પુનિતને આ શબ્દોથી પ્રેરણા મળી. બીજા દિવસે, ગણિતના વર્ગમાં શિક્ષકે વિદ્યાર્થીઓને એક અઘરો દાખલો ઉકેલવા કહ્યું. ધ્યેય સિવાય અન્ય કોઈ તેને ઉકેલવા સક્ષમ ન હતું. પહેલા તો પુનિતને ઈર્ષ્યા થઈ, પણ તરત જ તેને અરીસાની શિખામણ યાદ આવી ગઈ. મનમાં તેણે તરત જ ધ્યેયની બુદ્ધિમત્તાના વખાણ કર્યા. 

આમ, પુનિત ધ્યેયની શિસ્તતા, પ્રામાણિકતા, એકાગ્રતા, સખત મહેનતના ગુણોની નોંધ લેવા લાગ્યો અને ખુશીથી પ્રશંસા કરવા લાગ્યો. થોડાં જ વખતમાં તે પણ ધ્યેયની જેમ  સિન્સિયર અને મહેનતુ બનવા લાગ્યો. 

આજે પુનિતની પરીક્ષાનું પરિણામ જાહેર થયું. તે અત્યંત ખુશ દેખાતો હતો. પુનિત તરત જ અરીસા સામે જઈને ઊભો રહ્યો. અરીસાએ તેને પ્રશ્ન કર્યો, "શું વાત છે? આજે તું બહુ ખુશ દેખાય છે!" પુનીતે જવાબ આપ્યો, "તને કેવી રીતે ખબર પડી?" 

અરીસાએ કહ્યું, "તું ભૂલી ગયો ?  હું અરીસો છું. હું તને બતાવું છું જેવો તું દેખાય છે." 

આના પર પુનીતે કહ્યું, "હા, આજે મને મારું પરિણામ મળ્યું. ધ્યેય પ્રથમ આવ્યો જ્યારે હું બીજો આવ્યો. મેં વિજ્ઞાનમાં સૌથી વધુ માર્ક્સ મેળવ્યા. સૌથી સારી વાત એ છે કે, મને ધ્યેયની જરાય ઈર્ષ્યા નથી થઈ. હકીકતમાં, હું તેની પ્રગતિથી ખુશ છું અને સાથે હું મારી પોતાની પ્રગતિથી પણ ખુશ છું." અરીસાએ તેની ખુશી જાહેર કરતાં કહ્યું, "હું પણ આ વિશે સાંભળીને ખુશ છું." પુનિતે ઉમેર્યું, “અને જેમ જેમ હું બીજાને ધ્યેયના પરિણામ વિશે કહું છું તેમ, હું વધુ હળવાશ અનુભવું છું.” જેના પર અરીસાએ કહ્યું, "તને કારણ ખબર છે ?" પુનિતે પૂછ્યું, "શું છે?"

અરીસાએ જવાબ આપ્યો, "જે વ્યક્તિ માટે આપણે નકારાત્મક અભિપ્રાય ધરાવીએ છીએ તેના વિશે સકારાત્મક બોલવાથી, આપણા મનની નકારાત્મકતા ઓગળી જાય છે. તેથી જ તું હળવાશ અનુભવું છું." 

પુનિતે કહ્યું, "ઓહ! ખૂબ ખૂબ આભાર! તમે મને ઈર્ષ્યા પર કાબૂ મેળવવાનો અંતિમ ઉપાય આપ્યો છે. મારી બધી શક્તિઓ ઈર્ષ્યામાં નષ્ટ થઈ જતી હતી. હવે, હું મારી શક્તિઓને પ્રગતિના માર્ગ પર લઈ જઈશ." 

અરીસાએ કહ્યું, "બહુ સરસ ! હવે કદી ભટકાઈશ નહિ, નહીં તો હું તને તરત પકડી લઈશ. તને યાદ છે ને?" પુનિતે જવાબ આપ્યો, "હા, હા! તમે અરીસો છો અને અમે જેવા છીએ તેવા તમે અમને બતાવો છો." અને બંને ખડખડાટ હસી પડ્યા.

 

Videos- Jealousy

Magazine- Jealousy

Cookies Consent

This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...