ઉત્તરાયણ, પતંગ ચગાવવાનો તહેવાર. સાહિલે તેની શાળાના ઘણા મિત્રોને તેના ઘરે ટેરેસ પર ઉત્તરાયણનો તહેવાર ઉજવવા આમંત્રણ આપ્યું હતું. સૂર્યોદય થતાંવેંત જ સ્કૂલ ગેંગ આવી પહોંચી હતી.
સાહિલના પાડોશી, મંજુ કાકી દોરાની ગાંઠો ખોલી અને ફીરકી પકડીને બાળકોની મદદ કરી રહ્યા હતા. જ્યારે છોકરાઓ તેમની પાસે વધુ પતંગો લેવા માટે આવતાં ત્યારે તેઓ મંજુ આન્ટીના હાથની બનાવેલી 'તલની ચિક્કી' પણ ખાવા માટે સાથે લઈ જતાં.
સાંજ સુધીમાં, સાહિલનો મિત્ર તરંગ નજીકની બેકરીમાંથી ચોકલેટ, કેક, ચિપ્સ અને ઠંડા પીણા લાવ્યો. સાહિલએ મંજુ આન્ટીને કેક ઑફર કરી. તેમણે પૂછ્યું, "પણ બેટા, આ કેકમાં ઈંડા હશે જ. તો આ કેક તો માંસાહારી કહેવાય, બરાબર ને?"
સાહિલે હાસ્ય સાથે જવાબ આપ્યો, "ઓહ આંટી, કેકનો સ્વાદ ત્યારે જ સારો હોય છે જ્યારે તે ઈંડાથી બને છે. અને આમ પણ ઈંડામાં જીવ ન હોય માટે તે શાકાહારી ગણાય છે." મંજુ આન્ટીએ ગંભીરતાથી સમજાવ્યું, "સાહિલ, આ દુનિયામાં જીવ વિનાનું કંઈ ખાઈ શકાતું નથી. જો ઈંડામાં જીવ ન હોત તો ઈંડું ખાવાલાયક પણ ન હોત. અને તે એક વસ્તુ હોત."
“જે જીવોને આપણા કારણે હેરાનગતિ થાય છે કે ડર લાગે છે તેને આપણે મારવું, ખાવું કે કંઈપણ ન કરવું જોઈએ. ઈંડાની અંદરનો જીવ બેભાન અવસ્થામાં છે. ઈંડું નીકળે ત્યારે..." મંજુ આંટી પોતાનું વાકય પૂરું કરે એ પહેલાં નીચેથી ચીસો સંભળાઈ.
સાહિલે ઝાડ પર પતંગના દોરાથી વીંટાયેલું એક પક્ષી જોયું. પક્ષીને આ હાલતમાં જોઈને સાહિલ ઝાડ પર ચઢી ગયો. પક્ષીને થતી વેદના જોઈને તેનું હૃદય લાગણીથી ભરાઈ ગયું. જ્યારે તેણે દોરો ખોલવાનું શરૂ કર્યું, ત્યારે તેની નજર પક્ષીના માળા અને તેની અંદરના નાના ઈંડા પર પડી."
આખરે સાહિલની મહેનત રંગ લાવી. તેણે પંખીને ગંઠાયેલ દોરામાંથી મુક્ત કરાવ્યું અને પક્ષી તરત જ તેના ઈંડા તરફ ઉડી ગયું. પક્ષીનો સંઘર્ષ અને તેના ઈંડા માટેનો તેનો પ્રેમ જોઈને સાહિલને મંજુ આન્ટીના શબ્દો યાદ આવ્યા. તેને હવે સમજાયું કે કોઈ વ્યક્તિ પોતાના સુખ માટે બીજા જીવને કેવી રીતે મારી શકે? આપણે આપણા પોતાના આનંદ ખાતર બીજાને કેવી રીતે સજા આપી શકીએ?
મંજુ આન્ટીએ ટેરેસ પરથી આખી ઘટના જોઈ. સાહિલ અને તેના મિત્રો ટેરેસ ઉપર પાછા ફરતાં જ કેક જાણે તેમની રાહ જોઈ રહી હોય તેવું લાગતું હતું પરંતુ તેઓ 'લાડુ’ના બોક્સ પર તુટી પડ્યાં. આ જોઈને મંજુ આન્ટીનો ચહેરો સ્મિતથી ચમકી ગયો, "આજથી હંમેશા યાદ રાખજો કે, તમારાથી કોઈ જીવને નુકસાન ન થાય!”
This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...