ધ્રુવિનનો એક મનપસંદ શબ્દ હતો: “પછી.” મમ્મી: “હોમવર્ક?” ધ્રુવિન: “પછી.” “સ્કુલની બેગ ભરી લે !” “પછી.” “રૂમ તો સાફ કર ?” “પછી.” એ વિચારતો કે, “થોડા સમય પછી ફટાફટ કરી લઈશ.” ધ્રુવીનનું પછી- પછી એટલું વધી ગયું કે એના આસ પાસ એક રાક્ષસ દેખાવા લાગ્યો તે રાક્ષસ હતો...'લેટર મોન્સ્ટર'
“પહેલા રમવું, પછી કામ કરવું” એવી આદતને કારણે એનો રૂમ અસ્તવ્યસ્ત રહેતો, સ્કૂલની બુક્સ ખોવાઈ જતી અને હોમવર્કમાં ભૂલો થતી. ગમેત્યાં મુકેલા અસાઈનમેન્ટસ અને વારંવાર ખોવાઈ જતી પેન્સિલો. આમ ધ્રુવિનના જીવનમાં અધૂરાં કામોનો પહાડ વધતો જતો હતો. અને તેના કારણે એને વારંવાર ઠપકો પણ મળતો હતો.
ક્લાસ મોનિટર: “તારો રીડિંગ લોગ અપડેટ કરી લેજે.” ધ્રુવિન: “પછી.” ટીચર: “તારી લાઈબ્રેરીની બુક ?” ધ્રુવિન: “અરે એ તો બેગમાં નથી !” તેની સ્કૂલ બેગ પેક કરેલી નહોતી. અને એ ભૂલ બદલ એને ફી ભરવી પડી. ધ્રુવિનની નવી નવી ભૂલોને કારણે ‘લેટર મોન્સ્ટર’ની સાઈઝ વધી રહી હતી.
ધ્રુવિનની “પછી” કહેવાની આદત વધતી જતી હતી. ટીચર: “બધું ખોટું છે, ફરીથી કરો!” પણ ધ્રુવિને તે પછી કરવાનું વિચાર્યું. આમ જ્યારે તેનું સાયન્સનું આખું હોમવર્ક ખોટું નીકળ્યું, ત્યારે એનું હોમવર્ક બમણું થઈ ગયું, છતાં એણે તેને ફરીથી ટાળી દીધું.
તે મોન્સ્ટર કાળા વાદળની જેમ ધ્રુવિનની આજુ બાજુ ફર્યા કરતો અને રાહ જોતો કે ધ્રુવિન હવે કયું કામ ટાળશે. ‘પછી. પછી. પછી.’ના પડઘા વધતા ગયા. કામનો ઢગલો વધતો ગયો, ગંદકી ફેલાતી ગઈ અને સમય જતો હતો. હવે રાક્ષસ એકદમ સ્ટ્રોંગ અને મોટો થઈ રહ્યો હતો.
દરેક “નિષ્ફળતા” સાથે ઘરમાં નિરાશાનું વાતાવરણ છવાતું ગયું. ધ્રુવિન દુઃખી હતો. એનો રૂમ અસ્તવ્યસ્ત હતો એટલે 'લેટર મોન્સ્ટર'ને છુપાવાની જગ્યા મળી ગઈ. એવી જગ્યા જ્યાં તે બધાની નજર સામે હોવા છતાં છુપાયેલો રહેતો.
ધ્રુવિન દરરોજ રાત્રે મોડે સુધી જાગતો. એ પરેશાન રહેતો, બગાસાં ખાતો અને રડતો. હવે એ થાકી ગયો હતો, અને હવે તો સહેલું કામ પણ માઉન્ટ એવરેસ્ટ ચઢવા જેટલું મુશ્કેલ લાગતું હતું! “હું આ કરી નહિ કરી શકું!” ધ્રુવિનને બધું છોડી દેવાનું મન થતું હતું.
હોમવર્ક, ગંદકી અને ટેન્શન ખૂબ વધી ગયું હતું. હવે હું આમાંથી બહાર કેવી રીતે નીકળું? તેના ટીચરે કહેલી વાત એને યાદ આવી, “જ્યારે પણ તમે ‘પછી’ એમ બોલો છો, ત્યારે એક મોન્સ્ટર મોટો થાય છે.” ધ્રુવિન સ્તબ્ધ થઈ ગયો. તેને અચાનક સમજાયું: “અરે! મેં જ આ રાક્ષસ બનાવ્યો છે!”
તેના ટીચરે તેને સલાહ પણ આપી હતી, “એક સમયે એક નાનું કામ હાથમાં લો અને તેને મન લગાવીને પૂરું કરો.” ધ્રુવિન સામે હવે બે સ્પષ્ટ રસ્તા હતા: રસ્તો 1: “પછી” કહો, અને રાક્ષસને વધુ મોટો થવા દો. અથવા રસ્તો 2: એક નાનું કામ શરૂ કરો, તેને પૂરું કરો અને રાક્ષસની શક્તિ ઓછી કરો. એ જાણતો હતો કે એને કયો રસ્તો પસંદ કરવો જોઈએ.
ધ્રુવિને કામોનું એક લિસ્ટ બનાવ્યું અને દરેક કામ પૂરું થતું ગયું તેમ તેની આગળ ટિક કરતો ગયો: ✓ : સાયન્સની વર્કશીટ ✓ : ગણિતનું હોમવર્ક ✓ : રીડિંગ લોગ ✓ : સ્કૂલ બેગ ભરવી : રૂમ સાફ કરવો : રમવા જવું જેમ જેમ ધ્રુવિનના કામો પુરા થતા ગયા તેમ તેમ મોન્સ્ટર નાનો થતો ગયો. અને ધ્રુવિનનો ભાર પણ ઓછો થતો ગયો.
ધ્રુવિનને આખરે પોતાની સમસ્યા સમજાઈ ગઈ અને તેનો ઉકેલ પણ મળી ગયો. એણે ફરી ક્યારેય ‘પછી’ બોલીને 'લેટર મોન્સ્ટર'ને બોલાવ્યો નહીં. બધું જ સરળ લાગવા લાગ્યું અને થોડા સમય પછી તો ઝડપથી પૂરું પણ થવા લાગ્યું.
તેને પોતાના શોખ અને મિત્રો માટે પૂરતો સમય મળવા લાગ્યો, પરંતુ સૌથી સારી વાત એ હતી કે હવે તેને ક્યારેય કોઈના ઠપકાનો સામનો કરવો પડ્યો નહીં!
This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...