સંગબળથી જીતવાતાવરણ હૂંફાળું હતું. ઉદાસ ચહેરે ટીમ લોકર રૂમ તરફ જઈ રહી હતી. સુજયે કહ્યું, "મને માન્યામાં જ નથી આવતું કે આપણે હારી ગયા." વિરાજે ગુસ્સાથી જવાબ આપ્યો, "મને તો ખબર જ હતી". લીગમાં રેઈનબો રાઈડર્સ એક ફૂટબૉલ મેચ રમી ચુક્યા હતાં. ફાઈનલમાં પહોંચવા માટે હજુ બે મેચ રમવાની બાકી હતી.

લોકર રૂમમાં કોચ બધાની રાહ જોતા હતાં. સુજય અને વિરાજ હજુ ગુસ્સામાં એક બીજાનો વાંક કાઢતા હતાં. વિરાજે કોચની સામે જોઈને કહ્યું, "સર, જો ટીમે મારી વાત સાંભળી હોત તો આપણે જીતી ગયા હોત".

વિરાજે ફરિયાદ કરવાનું ચાલુ જ રાખ્યું."મેં સુજયને બોલ પાસ કરવાનું કહ્યું, તોય એણે ના કર્યો". હવે સુજયથી ચુપ ના રહેવાયું, એણે ઘાંટો પાડીને કહ્યું, "એક પ્લેયર તરીકે જે કરવું જોઈએ એ મેં કર્યું. તું તારી વાત કર, તું શું કરતો હતો?" થોડીવાર પછી બંનેએ ધીરેથી કોચ સામે જોયું. બંનેને લાગ્યું કે હવે એમને કોચનો ઠપકો મળશે.

કોચે શાંતિથી ટીમને બેસી જવા કહ્યું. "ઓકે, બોય્ઝ, જે થઈ ગયું તે ભૂલી જાવ. ચાલો, આપણે નવેસરથી શરૂઆત કરીએ. મારી પાસે તમને બધાને મઝા પડે એવી એક વાત છે". કોચની વાત સાંભળીને બધાને નવાઈ લાગી પણ હજુ એ લોકો ઉત્સાહમાં આવ્યા નહોતા.

કોચ એક પ્લેઈન ટી-શર્ટ હાથમાં પકડીને ઊભા થયા,"ફાઈનલ મેચ પહેલા આપણે ટીમ માટે જર્સીની ડિઝાઈન બનાવવાની છે. મારી ઈચ્છા છે કે તમે બધા સાથે મળીને કામ કરો." છોકરાઓ એકબીજા સામે જોવા લાગ્યા. "ચાલો, કામે લાગી જાઓ. કાલ સુધીમાં ડિઝાઈન તૈયાર કરવાની છે." "કાલે?" બધા એકસાથે બોલી ઉઠયા.

બાળકો ઉત્સાહથી પોતાના આઈડિયા રજૂ કરવા લાગ્યા. "આપણે બ્લ્યૂ કલર રાખીએ. બ્લ્યુ કલર એકદમ સરસ લાગશે." વિરાજે આગ્રહથી કહ્યું. તરત જ સુજય બોલ્યો, "ઓરેન્જ કલર સરસ લાગશે. આકર્ષક અને સુંદર." બધા પોતાના મનગમતા કલર કહેવા લાગ્યા પણ એક છોકરો શાંત બેઠો હતો.

"આપણે બધા કલર રાખીએ તો કેવું રહેશે?" બધાએ પોતાની પસંદગી રજૂ કરી દીધી એ પછી અમોલે સૂચન કર્યું. આવું તો કોઈએ વિચાર્યું જ નહોતું. આ આઈડિયા બધાને ગમી ગયો. એમણે એક સેમ્પલ બનાવ્યું જે બધાને બહુ ગમ્યું. "ચાલો આપણે સરને બતાવા જઈએ...." એક છોકરાએ કહ્યું.

પોતાની અમૂલ્ય વસ્તુ સરને બતાવવા માટે બધા એક સાથે દોડ્યા. બધા સરના અભિપ્રાયની રાહ જોવા લાગ્યા. "સુંદર, કોણે બનાવ્યું?" કોચે પૂછ્યું. "સર, અમે સાથે મળીને બનાવ્યું." વિરાજ ટીમ સ્પીરીટથી બોલ્યો. કોચે કહ્યું, "હવે મને ખાતરી છે કે ફાઈનલ મેચ તમે લોકો જ જીતશો. "એ કેવી રીતે સર?" બધાએ આશ્ચર્યથી પૂછ્યું.

"આ ઉત્તમ વિચાર તમને કેવી રીતે આવ્યો?" કોચે પૂછ્યું. "આ અમોલનો આઈડિયા હતો જે અમને બધાને ગમ્યો." કોચે કહ્યું,"જેમ જર્સીમાં બધા રંગો એકમેકમાં ભળી ગયા એમ તમે બધા પોતાના દ્વેષ ભાવ છોડીને એકબીજાના વિચાર સાથે સહમત થઈ ગયા. એટલે ટીમમાં એક થઈને કામ કરવાથી તમે આવું સરસ પરિણામ લાવી શક્યા. આ સુંદર પરિણામ ટીમવર્કનું છે."

બધાએ આત્મવિશ્વાસથી કહ્યું, "હા સર! ટીમવર્ક જ અમને જીતાડશે." બધાએ અમોલનો આભાર માનતા કહ્યું, "સાથે મળીને જર્સીની ડિઝાઈન બનાવવામાં ખુબ મજા આવી. હવે આવનારી મેચ પણ આ રીતે કોઈપણ મતભેદ વિના સાથે મળીને રમીશું. આપણી ટીમ ઝિંદાબાદ!"