ચંડકૌશિક

            મહાવીર ભગવાન એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા. રસ્તામાં એક ગોવાળે એમને રોક્યા, "દેવાર્ય, આ માર્ગે કનકખલ નામનો આશ્રમ આવે છે. ત્યાં એક ભયંકર સર્પ રહે છે. ચંડકૌશિક એનું નામ છે. આ સાપની તો નજરમાં પણ ઝેર છે. એની નજર પડતા જ માણસ બળી જાય છે.”

            આ વાત સાંભળતા ભગવાનના ચહેરા પર ભયની એક રેખા ના દેખાઈ. એ તો આગળ વધ્યા.

            ગોવાળોએ ફરી ભગવાનને રોકીને કહ્યું, “પહેલા અમારી વાત સાંભળો, પછી આગળ ડગ ભરજો.” આમ કહી એમણે ચંડકૌશિકના પૂર્વભવની વાત કહી.

            કૌશિક નામનો તાપસ આશ્રમનો કુલપતિ હતો. એ ભારે ક્રોધી હતો. આશ્રમના બાગમાં બાળકો રમવા આવતા. બાળકો તોફાન કરે તે કૌશિકને ગમે નહીં. એ લાકડી લઈને પાછળ દોડે. ડરના માર્યા બાળકો નાસી જાય.

            બાળકોએ ચીડવવા માટે કૌશિકનું નવું નામ પાડ્યું : 'ચંડકૌશિક' ચંડ એટલે ગુસ્સેબાજ – કૌશિક!

            "એક દિવસ કૌશિક બહાર ગયેલો ત્યારે બાળકોએ બાગને અસ્તવ્યસ્ત કરી નાંખ્યો. કૌશિકે જ્યારે બાગનું સત્યનાશ વળી ગયેલું જોયું, ત્યારે એ ખૂબ ક્રોધિત થઈ ગયો. એણે પાસે પડેલો કુહાડો ઉઠાવ્યો અને બાળકો પાછળ દોડયો. વચમાં ઊંડો ખાડો આવ્યો. તાપસે જોયો નહીં અને પડયો ખાડામાં. પોતાનો કુહાડો પોતાના માથા પર પડયો અને તાપસ* ત્યાં જ મૃત્યુ પામ્યો. આ તાપસ મરીને સાપ થયો. અને હવે એ આશ્રમમાં કોઈને જીવિત છોડતો નથી.” ગોવાળે પોતાની વાત પૂરી કરી. 

            ભગવાને ગોવાળ તરફ પ્રેમમયી દ્રષ્ટિ કરી અને પોતાના માર્ગે આગળ વધ્યા. થોડીવારમાં તેઓ આશ્રમે આવી પહોંચ્યા. ચંડકૌશિક સાપને માણસની ગંધ આવી ગઈ. એણે ભગવાન સામે ઝેરની પિચકારી જેવી નજર ફેંકી. પણ એને ખૂબ જ આશ્ચર્ય થયું જયારે એની વિષ વર્ષા પછી પણ એ માનવી અડગ ઊભા રહ્યા. ના હાલ્યા, ના ચાલ્યા.

            પછી એમણે મહાવીરના અંગુઠે જઈને જોરથી ડંખ દીધો. અંદરથી ધોળા દૂધ** જેવા લોહીનો ફુવારો છૂટ્યો. પણ મહાવીરનું મુખ તો ભાવભર્યું હતું! ક્રોધનો ભંડાર ચંડકૌશિક આ જોઈને સ્તબ્ધ થઈ ગયો. ત્યાં તો મહાવીરના મુખમાંથી શબ્દો સર્યા, જાણે સુકાયેલી ધરતી પર વર્ષા વરસી.

            “ચંડકૌશિક, સમજ! સમજ ! જે ડરતો નથી, ડરાવતો નથી, એ વીર છે! ક્રોધનો સ્વભાવ તો બાળે. પહેલા પોતે બળે અને પછી બીજાને ય બાળે, આગની જેમ. ક્રોધથી હારીને તે તારા કેટલાય ભવ બગાડયા. પણ હવે આજે તું હારીને જીતી જા, ચંડકૌશિક.”

  ભગવાનના સાચા પ્રેમની ભાષાથી પથ્થર હૃદયનો સાપ પણ પીગળી ગયો. એને પોતાનો પાછલો ભવ દેખાયો અને સમજાયું કે ક્રોધના કારણે એણે એના કેટલાય જન્મો બગાડી નાખ્યા.

              ચંડકૌશિકે ભગવાનની ક્ષમા માંગી, “ક્ષમા કરો કરુણાવતાર ! મેં આપને ઝેરી ડંસ દીધો. અને આપે મને જ્ઞાનરૂપી અમૃત પીવડાવી મારું કલ્યાણ કરી દીધું.”

* દૂધ = તીર્થંકર ભગવાનનું લોહી સફેદ હોય છે. 

* તાપસ = તપસ્વી/ઋષિ મુનિ

Cookies Consent

This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...