ચંદ્રારૌદ્ર ની વાર્તા

ચંદ્રારૌદ્ર  કરીને એક આચાર્ય મુનિ હતા.તેઓ સ્વભાવે બહુ ક્રોધી હતા.એમને એક શિષ્ય હતો.એ વિનયી અને આજ્ઞાંકિત હતો.એક વખત વિહાર કરતાં કરતાં રાત પડી ગઈ.ગામ સુધી નહીં પહોચ્યા હોવાથી શિષ્યે ગુરુને ખભા પર ઊંચકીને વિહાર કરવાનું ચાલુ રાખ્યું.રાતના અંધારમાં કાંટાથી ભરેલા અને ખાડા - ટેકરાવાળા રસ્તા પર વિહાર કરવો ખૂબ કઠિન હતો.અંધારમાં નહીં દેખાવથી શિષ્યનો પગ વારે વારે ખાડા-ટેકરા પર પડતો.આથી મુનિને આંચકો આવતો.આંચકો સહન ન થતાં ઘરડા મુનિનો ગુસ્સો ભભૂકી ઊઠતો અને તેઓ શિષ્યને ધમકાવતા.શિષ્યનો પગ ઘસરકાથી અને લોહીથી ખરડાઇ ગયો હતો.એટલામાં શિષ્યને જોરથી ઠોકર વાગી,આથી ગુરુએ તેમનું સંતુલન ગુમાવ્યું.માથા પર એમની જાડી લાકડીથી જોરદાર ફટકો માર્યો.

શિષ્ય અતિશય આદરી અને દયાજનક સ્થિતિમાં મુકાઇ ગયો હતો.એણે વિચર્યું , "અહોહો !મારૂ કેવું દુર્ભાગ્ય છે કે હું મારા ગુરુને સાચવી નથી શકતો.મારા કારણે એમને કેટલી તકલીફો અને મુશ્કેલીઓ માંથી પસાર થવું પડી રહ્યું છે!" એને કેવળજ્ઞાન પ્રગટ થયું. હવે એને અંધારું હોવા છતાં રસ્તો બરાબર દેખાવા લાગ્યો. એ ઠોકર ખાધા વિના , ગુરુને જરા ય આંચ ન આવે એ રીતે ચાલવા લાગ્યો .આ જોઈ ગુરુને નવાઈ લાગી.એમણે શિષ્યને પૂછ્યું, "પહેલા તું બરાબર ચાલતો ન હતો અને હવે તું સરળ અને સ્થિર ચાલે છે. આનું કારણ શું? આવા અંધારમાં પણ તું કેવી રીતે રસ્તો શોધી કાઢે છે?" શિષ્યએ કહ્યું, "ગુરુદેવ ,આ આપની જ કૃપાનું પરિણામ છે." ગુરુને થયું ,મારના કારણે શિષ્ય સીધો દોર થઈ ગયો લાગે છે.તેથી હવે બરાબર ચાલે છે. ત્યાં તો શિષ્ય ખૂબ વિનમ્ર ભાવે બોલ્યો ,"ગુરુદેવ ,આપની કૃપા થકી મને કેવળજ્ઞાન પ્રગટ થયું છે. એના આધારે હું બધુ જ જોઈ શકું છું."

ગુરુએ જેવુ આ સાંભળ્યું કે તરત જ તેઓ શિષ્યના ખભા પરથી કૂદકો મારીને નીચે ઊતર્યા.એમણે કેવળજ્ઞાની શિષ્યને વંદન કર્યા અને પોતાના ગેરવર્તન બદલ એની માફી માગી. ભારે પસ્તાવો થવાથી ગુરૂ પણ તે જ ક્ષણે કેવળજ્ઞાનને પામ્યા .

જોયું મિત્રો ? હ્રદયપૂર્વકના પ્રાયશ્ચિતનું પરિણામ કેટલું ઊંચું આવે છે?