એકલવ્યની નિષ્ઠા અને ભક્તિ



એકલવ્ય એક આદિવાસી સરદારનો પુત્ર હતો. નાનપણથી જ એને બાણવિદ્યા શીખવાની ખુબ ઈચ્છા હતી. એણે ગુરુ દ્રોણાચાર્યને પોતાનો શિષ્ય તરીકે સ્વીકારવાની વિનંતી કરી. એકલવ્ય શુદ્ર હોવાથી અને પોતે બ્રાહ્મણ હોવાથી તથા પાંડવો અને કૌરવો આદિ રાજકુમારોના ગુરુ હોવાથી એમણે એકલવ્યને શિષ્ય તરીકે સ્વીકારવાની ના કહી.

એકલવ્ય પોતાની ઇચ્છામાં ખુબ દ્રઢ હતો. એણે ગુરુ દ્રોણની માટીની એક પ્રતિમા બનાવી, એને ગુરુ તરીકે સ્વીકારી, એની સામે રોજ બાણવિદ્યા શીખવાનું ચાલુ કરી દીધું. આમ તે પોતાના ધ્યેયમાં આગળ વધતો ગયો.

એક દિવસ પાંડવો, કૌરવો, ગુરુ સહીત જંગલમાં શિકાર માટે ફરતાં ફરતાં એકલવ્ય જ્યાં બાણવિદ્યા શીખી રહ્યો હતો ત્યાં આવી પહોંચ્યા. એમનો કૂતરો એકલવ્યને જોઈ ભસવા લાગ્યો. પોતાની તાલીમમાં ખલેલ થતાં એણે કુતરાના મોંમા એવી રીતે બાણ ફેંક્યા કે એને વાગે નહીં અને એ ભસવાનું પણ બંધ કરી દે.

આ જોઈ ગુરુ દ્રોણ ખુબ પ્રભાવિત થઇ ગયા. એમણે એકલવ્યને પૂછ્યું, 'તારા ગુરુ કોણ છે?' એકલવ્યએ દ્રોણની પ્રતિમા બતાવતા કહ્યું, 'આપ જ મારા ગુરુ છો.'એકલવ્યની આગળ પરીક્ષા કરવા ગુરુ દ્રોણે એને બધા રાજકુમારો સાથે ટક્કર લેવા કહ્યું. એકલવ્યએ ગુરુની આજ્ઞા પ્રમાણે કર્યું. એક પછી એક બધા જ રાજકુમારોને હરાવી દીધા.

ગુરુ દ્રોણ તો આ જોતા જ રહી ગયા. બધા શિષ્યોમાં એમને અર્જુન પ્રિયમાં પ્રિય હતો. તેઓ એને શ્રેષ્ઠ ધનુધારી બનાવવા માંગતા હતા. તેથી એમણે એકલવ્ય પાસે 'ગુરુદક્ષિણા' ની માંગ કરી. આ સાંભળી એકલવ્ય ખુબ જ ખુશ થઇ ગયો અને ગુરુ જે માંગે એ આપવા તૈયાર થઇ ગયો.

ગુરુ દ્રોણે ગુરુદક્ષિણામાં એના જમણા હાથનો અંગુઠો માંગ્યો. એનો અર્થ અંગુઠો કાપ્યા પછી એકલવ્ય અર્જુનથી વધારે સારો ધનુધારી ક્યારેય ન બની શકે. કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર અને જરાય અચકાયા વગર એકલવ્યએ છરાથી પોતાનો અંગુઠો કાપી ગુરુના ચરણે ધરી દીધો.જોયું મિત્રો, એકલવ્યની ગુરુ પ્રત્યેની નિષ્ઠા અને ભક્તિ!