રાજા બાહુબલી - ભાગ ૧

ઋષભદેવ ભગવાનનું નામ તો તમે બધાએ સંભાળ્યું જ હશે. ઋષભદેવ ભગવાનને સો પુત્રો હતા અને બે પુત્રીઓ હતી, બ્રાહ્મી અને સુંદરી. ઋષભદેવ ભગવાન ઘણા વર્ષો સુધી રાજા તરીકેની પોતાની ફરજ નિભાવે છે. એમના રાજયના લોકોને ખેતીવાડી, ભણતર, વ્યવહાર બોધ શીખવાડે છે. પછી તેઓ સંસારનો ત્યાગ કરી, મોક્ષ માટે સાધના કરવા જંગલમાં નીકળી પડે છે. તેમની સાથે તેમના મોટાBahubali બે પુત્રો ભરત અને બાહુબલી સિવાયના ૯૮ પુત્રો અને પુત્રી સુંદરી પણ દીક્ષા લે છે. સાથે તેમના ખંડણી રાજયોના ૪૦૦૦ રાજાઓ પણ દીક્ષા લે છે.

ભરત મોટો પુત્ર હોવાથી ઋષભદેવ ભગવાન એને રાજગાદી સોંપે છે અને બાહુબલીને એક મોટું રાજ્ય આપે છે. હવે રાજા ભરત છ ખંડનો રાજા થવા માંગે છે તેથી તે બાહુબલીનું રાજ્ય મેળવવા એની જોડે યુદ્ધ કરવા તૈયાર થાય છે. બાહુબલી પણ પોતાની શક્તિનો પરચો દેખાડવા યુદ્ધ સ્વીકારે છે. બન્ને ભાઈઓ ખૂબ જ બળવાન છે. એક બાજુ ભરત ચક્રવર્તી. ચક્રવર્તી એટલે એવા રાજા કે જેને કોઈ પણ હરાવી ન શકે. અને બીજી બાજુ બાહુબલી, જેમના બાહુ એટલે કે હાથમાં એટલું બધું બળ હોય કે એનો સામનો કોઈ ન કરી શકે. એ પોતાનો હાથ જો કોઈના માથા પર મારે તો એ વ્યક્તિ ત્યાં ને ત્યાં જ મરી જાય. હવે જો આ બે મહારથીઓ યુદ્ધ કરે તો આખી પૃથ્વીનો સંહાર થઈ જાય એટલુ મોટું યુદ્ધ થાય. તેથી દેવલોકો એમને વિનંતી કરે છે કે આપ યુદ્ધ કરવા માંગો જ છો તો કાયયુદ્ધ કરો જેથી સૈન્ય બચી જાય. કાયયુદ્ધ એટલે કુસ્તી. જે જીતે એને ચક્રવર્તીનું રાજ મળે. બન્ને ભાઈઓ દેવોની વિનંતી સ્વીકારે છે.

યુદ્ધ શરૂ થાય છે. અલગ અલગ રીતોથી કુસ્તીના દાવ રમાય છે. બાહુબલી બધામાં જીતતા જાય છે અને ભરત રાજા હારતા જાય છે. યુદ્ધ જીતવા અંતે બધી શક્તિ ભેગી કરી ખૂબ જ ક્રોધમાં આવી બાહુબલી મુઠ્ઠી ઉગામી ભરતના માથા પર પ્રહાર કરવા જાય છે, ત્યાં જ...Bahubali -1

એમને અચાનક અંદર વિચાર આવે છે કે, 'આ હું શું કરી રહ્યો છું? મારા જ મોટા ભાઈને મારી નાખવા તૈયાર થઈ ગયો? અને તે શેના માટે? આ રાજ્ય અને વૈભવ માટે? જેના ખરેખર અધિકારી તો તેઓ જ છે, કારણકે તે મારાથી મોટા છે અને મારા પિતાએ જ તેમને આ રાજ્ય સોંપ્યું છે અને આ વૈભવ ને બધું તો વિનાશી છે. મારા પિતા અને  ભાઈઓ આ જ વૈભવ છોડી સંયમના માર્ગે ચાલ્યા ગયા અને હું આ જ વૈભવ માટે આવી હિંસા કરવા તૈયાર થઈ ગયો? ધિક્કાર છે.'

આમ પોતાના આત્મા આગળ, મોક્ષ આગળ, આ બધાની કંઈ જ કિમંત નથી એ સમજાતા એમને વૈરાગ્ય આવે છે અને જે હાથ એમણે ભાઈને મારવા ઊગામેલો તે જ હાથથી પોતાના વાળને ખેંચી, મુંડન કરે છે અને દીક્ષા લઈ જંગલમાં સાધના માટે ચાલ્યા જાય છે.

મિત્રો,

આપણે પણ આપણા જીવનમાં નાની નાની વસ્તુઓ માટે ભાઈ-બહેન કે મિત્રો સાથે ઝઘડો કે મારામારી કરી બેસીએ છીએ, જ્યારે ભગવાનની દ્રષ્ટિમાં તો મોક્ષમાં કાયમનું સુખ છે, આત્મામાં કાયમનું સુખ છે. એ સુખની સામે રાજ-વૈભવની પણ કંઈ કિંમત નથી. અને આપણે તો મોક્ષે જવું છે ને?