શ્રેણિક રાજા અને અનાથી મુનિ

એક દિવસ મગધ દેશના રાજા શ્રેણિક ઘોડેસવારી કરતાં જંગલમાં પહોંચી જાય છે. ત્યાં એક યુવાન, રૂપાળા અને તેજસ્વી મુનિને ધ્યાનમાં બેઠેલા જુએ છે. તેમનું નામ હતું અનાથી મુનિ. તેમનું રૂપ જોઇને રાજા અત્યંત આનંદ પામે છે. રાજા ખૂબ વિનયપૂર્વક મુનિને પૂછે છે, 'તમને એવું તે શું દુઃખ પડી ગયું છે કે આ ભરયુવાનીમાં બધું ત્યાગ કરીને બેઠા છો? સંસારના ભોગ ભોગવવા સંસારમાં પાછા આવો.' મુનિએ કહ્યું, 'રાજન, આ સંસારમાં હું અનાથ છું. આથી વૈરાગ્ય પામી મેં સંસારનો ત્યાગ કર્યો છે. હવે મારે સંસારમાં પાછા નથી આવવું.'

આ સાંભળી રાજાએ કહ્યું, ' ઓહ! આટલી જ વાત છે! મુનિ , હું તમારો નાથ બનવા તૈયાર છું. હું તમારો બધો જ ભાર માથે રાખીશ. હવે તો સંસાર માં પાછા આવો.'

અનાથી મુનિએ શ્રેણિકને કહ્યું, 'અરે શ્રેણીક! મગધ દેશના રાજા. તમે પોતે જ અનાથ છો તો મારો નાથ શું થશો?' મુનિના વચનથી રાજા આશ્ચર્ય પામ્યો કે મારી પાસે તો સર્વ સાધન સંપત્તિ છે, પુષ્કળ ધન વૈભવ છે, પત્ની-પુત્રાદીથી હું સુખી છું, બધા જ પ્રકારના ભોગ મને પ્રાપ્ત છે, વિશાળ સૈન્ય થી હું સજ્જ છું, કેટલાયે રાજ્યો મને આધીન છે, બધા મારી આજ્ઞા મને છે, દુનિયાની કઈ વસ્તુ જો મને જોઈએ છે અને મારી પાસે નથી? બધું હોવા છતાં હું અનાથ કઈ રીતે હોઉં?'

મુનિએ કહ્યું, 'હે રાજન ! મારી વાત તમે બરાબર સમજ્યા નથી. હું તમને મારી વાત કરું, જેથી તમારી શંકાનું સમાધાન થાય.' આમ કહી મુનિ રાજાને પોતાની વાત કહી સંભળાવે છે.

'કૌશાંબી નામની સુંદર નગરી નો હું રહેવાસી હતો.મારા પિતાનું નામ ધનસંચય હતું. તેઓ ખૂબ સંપત્તિવાળા હતા. એક દિવસ મને આંખોમાં અસહ્ય વેદના ઉત્પનન થઇ અને આખા શરીરે લ્હાય બળે. આ વેદનાથી હું બહુ દુઃખી હતો. અનેક પ્રકારથી મટ્યું નહીં. મારા માતા-પિતા, ભાઈ-બહેન બધાએ મારી વેદના ટાળવા ખૂબ પ્રયત્નો કર્યા પણ કોઈ મારું દુઃખ મટાડી શક્યું નહીં, વેદના લઇ શક્યું નહીં. હે રાજા શ્રેણિક, આ જ મારું અનાથપણું હતું. સર્વ સાધન સંપત્તિ,સગા-સંબંધીઓ ત્યારે મારી પાસે હોવા છતાં કોઈના પ્રેમ, કોઈના ઔષધથી કે કોઈના પરિશ્રમથી મારો રોગ મટ્યો નહીં. હું સંસારથી ખૂબ દુઃખી થઇ ગયો. એક રાત્રે મને વૈરાગ્ય આવ્યો અને મેં નક્કી કર્યુ ક જો મારો રોગ માટી જાય તો હું દીક્ષા લઇ લઉ. તે રાત્રી વીતી ગઈ. મારી વેદના પણ માટી ગઈ. હું નીરોગી થયો. માતા-પિતા, સ્વજનો, ભાઈ-બંધુ બધાને પૂછી મેં દીક્ષા લીધી. જ્યારથી મેં ભગવાનનું શરણું લેવાનું નક્કી કર્યુઁ ત્યારથી હું અનાથમાંથી સનાથ થયો.

રાજા ખૂબ કુતૂહલતાથી મુનિની આપવીતી સંભાળતા હતા. મુનિએ રાજાને પૂછ્યું, 'રાજન, હવે કહો, તમારી સર્વ સાધન સંપત્તિ,ધન વૈભવ, પત્ની-પુત્રાદિ સ્વજનો , વિશાળ સૈન્ય આમાંથી કોઈ તમારી વેદનાનું દુઃખ લઇ શકે એમ છે?' રાજાએ ના પાડતાં બે હાથ જોડી કહ્યું, 'મુનિવર, આપ ધન્ય છો. આ ભરયુવાનીમાં આપ આત્મકલ્યાણના પંથે ચાલી નીકળ્યા છો. મેં તમને સંસારમાં પાછા આવવા માટેની જે તુચ્છ વાત કરી એ બદલ હું આપની માફી માગું છું. મને માફ કરો.'

આમ કહી શ્રેણિક રાજા મુની પાસેથી પ્રાપ્ત થયેલા બોધને ગ્રહણ કરી ધન્યભાવે મહેલમાં પાછા ફરે છે.

મિત્રો,આપની પાસે ગમે તેટલી સંપત્તિ, ભણતર,વિદ્યા કે રૂપ હોય પણ જ્યાં સુધી ભગવાનનું શરણું પ્રાપ્ત નથી થતું ત્યાં સુધી આપણે અનાથ જ છીએ. જ્ઞાનીપુરુષ આપણને આત્મા પ્રાપ્ત કરાવડાવે છે અને ભગવાન સાથે સાંધો મેળવી આપે છે.ત્યાર બાદ આપને એમના આશ્રિત થવાથી સનાથ થઈએ છીએ.