ભગવાન બુદ્ધ અને તેમના શિષ્યો

એક વાર ભગવાન બુદ્ધ તેમના શિષ્યોને ઉપદેશ આપવા આવ્યા. તેના હાથમાં એક સુંદર રૂમાલ હતો. તેમની રાહ જોતા તેના હજારો શિષ્યોને રૂમાલ જોઈને ખુબ નવાઈ લાગી કેમકે ભગવાનના હાથમાં કોઈ વસ્તુ હોવી એ બહુ અસામાન્ય વાત હતી.

ભગવાન બુદ્ધ ઉપદેશ આપતા આપતા રૂમાલમાં ગાંઠો બાંધવા લાગ્યા. બધા અનુમાન કરવા લાગ્યા. રૂમાલમાં ચાર-પાંચ ગાંઠો બાંધ્યા પછી તેમણે બધાને તે બતાવીને પૂછ્યું,"શું આ તે જ રૂમાલ છે જે હું શરૂઆતમાં મારી સાથે લાવ્યો હતો કે તેમાં કોઈ તફાવત છે?"

એક શિષ્યે કહ્યું, "ભગવાન, રૂમાલ તો તે જ છે, પરંતુ તેની સ્થિતિ બદલાઈ ગઈ છે."  ભગવાન બુદ્ધે કહ્યું, "સાચું છે, પણ જો હું ઈચ્છું તો શું હું આ રૂમાલને જેવો પહેલા હતો તેવો બનાવી શકું?"

બીજા શિષ્યે કહ્યું, "ભગવાન, હા તે શક્ય છે પરંતુ તમારે રૂમાલની બધી ગાંઠો ખોલવી પડશે."

ભગવાન બુદ્ધે પૂછ્યું, "ગાંઠો કેવી રીતે ખોલશું? રૂમાલને ખેંચવાથી શું બધી ગાંઠો ખુલી જશે?"

બીજા એક શિષ્યે કહ્યું, "ભગવાન, જો આપણે સાવચેતીથી જોઈ અને શોધી કાઢીએ કે ગાંઠો કેવી રીતે બંધાયેલ હતી, તો તે આસાનીથી ઉકેલી શકાય. પણ જો આપણે તે જાણીએ નહીં તો શક્ય છે કે રૂમાલને ખેંચવાથી તે ગાંઠો વધારે મજબૂત બને."

ભગવાન બુદ્ધે સમજાવ્યું, "સાચ્ચે જ, ઘણી વાર આપણે આપણા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે દલીલો અને ઝગડો પણ કરીએ છીએ. જો હું જ સાચો છું એવો આગ્રહ રાખીએ તો ગાંઠો મજબૂત થાય છે. અને તેથી જ બીજા લોકો સાથે અંતર (ભેદ) પડે છે."

ગાંઠો ખોલતા ખોલતા ભગવાન બુદ્ધે સમજાવ્યું, "જો આપણે ગાંઠોના કારણોને તપાસીએ, બીજા પાસે કોઈ પણ આશા ના રાખીએ અને ગાંઠોના મૂળને દૂર કરવાની કોશિષ કરીએ તો આપણે આસાનીથી બધી ગાંઠો ખોલી શકીશું. આપણા સંબંધો પણ આ રૂમાલ જેવા સ્મૂધ/સરળ બની જશે." 

તો મિત્રો...ચાલો આપણે આપણા પેરેન્ટ્સ, ફ્રેન્ડ્સ અને ટીચર પાસે કેવી કેવી અપેક્ષાઓ રાખીએ છીએ તે આપણી અંદર તપાસીએ. શું તેનાથી ઝગડો અને દલીલો નથી થતાં? ઓફ કોર્સ, તેનાથી જ થાય છે! તો હવે આપણે બીજા પાસે કોઈ અપેક્ષા ન રાખીએ અને આપણી પાસે જે છે તેનાથી ખુશ રહીએ અને બીજાને પણ ખુશ કરીએ!