શ્રી નેમિનાથ ભગવાન

શ્રી નેમિનાથ પ્રભુ વર્તમાન ચોવીસીના બાવીસમાં તીર્થંકર હતાં.તેમના પિતાનું નામ સમુદ્રવિજય હતું અને માતાનું નામ શિવાદેવી હતું. ભગવાન શ્રીકૃષ્ણ તેમના કાકાના દીકરા હતાં.

નેમિનાથ પ્રભુ નાના હતા ત્યારે એકવાર ફરતા ફરતા તેઓ શ્રી કૃષ્ણ ભગવાનની યુદ્ધશાળામાં જઈ ચડ્યા.રમતા રમતા તેઓ અનેક શસ્ત્રો અને બીજા સાધનો જોવા લાગ્યા. આમ કરતા કરતા એમના હાથમાં શંખ આવ્યો.કુતુહલતાથી એમણે તે વગાડ્યો. શંખનો અવાજ સાંભળી શ્રીકૃષ્ણ ભગવાન, જે વાસુદેવ હતા એમને આશ્ચર્ય થયું. એ શંખ વાસુદેવ જ વગાડી શકે. વાસુદેવથી ઓછી શક્તિવાળાથી એ શંખનો અવાજ થઇ જ ના શકે.

 

શ્રીકૃષ્ણ ભગવાને સેવકોને તપાસ કરવા કહ્યું કે મારા જેવો જ શંખનાદ કોણ કરે છે? તપાસ કરતા જાણવા મળ્યું કે એ શંખનાદ કરનાર આપનો ભાઈ નેમિકુમાર છે. શ્રીકૃષ્ણ મહારાજને થયું કે નાની ઉંમરમાં આટલું બળ ધરાવે છે , તો મોટી ઉંમરે તે શું નહીં કરે?

સમય જતા નેમિકુમાર સગપણની વયે પહોંચ્યા. તેમના લગ્ન દ્વારિકામાં રહેતા રાજા ઉગ્રસેનની કુંવરી શ્રી રાજેમતી સાથે નક્કી થયા. લગ્નનો દિવસ આવ્યો. જાન જોડાઈ. નેમિકુમારના વરઘોડાની અપરંપાર શોભા જોવા દેવો આને માનવીઓ પણ ઉમટ્યા.

બીજી બાજુ રાજા ઉગ્રસેને જાનનું સ્વાગત કરવા ભવ્ય તૈયારીઓ કરેલી. જાનૈયાનાં ભોજન માટે રસોઇઘરની એક બાજુ વંડામાં હરણ, સસલા વગેરે અનેક જાતના પશુઓ પૂરેલા. પુરાયેલા પ્રાણીઓ મૃત્યુના ભયથી ચિત્કાર કરી રહ્યા હતા. બરાબર એ જ સમયે નેમિનાથનો વરઘોડો વંડાની નજીક આવી પહોંચ્યો. પ્રાણીઓના ચિત્કાર સાંભળીને નેમિકુમારનું હૃદય કકળી ઊઠ્યું. એમણે પ્રાણીઓને બાંધી રાખવાનું કારણ પૂછ્યું. જવાબમાં જાણવા મળ્યું કે, "જમણ માટે આ પશુઓને એકઠા કર્યા છે. એ બધાને મારીને તેનું જમણ જાનમાં અપાશે."

આ સાંભળીને નેમિકુમારને અત્યંત ખેદ થયો, "અરે, મારા નિમિત્તે આ બધા નિર્દોષ પ્રાણીઓનો સંહાર થશે! તો આ લગ્નથી શું સર્યું? મારે આવા હજારો  નિર્દોષ પ્રાણીઓના  નાશ કરવાનું નિમિત્ત નથી બનવું."

આમ વિચારી નેમિકુમારે સારથિ પાસે વંડાનું બારણું ખુલ્લું કરાવી બધા પશુ-પક્ષીની છુટા કરાવી, રથને પાછો વાળવાનો હુકમ કર્યો. ઘરના વડીલોએ પ્રભુને અનેક રીતે સમજાવ્યા પણ પ્રભુએ લગ્ન કરવાની ના પાડી દીધી.

રથ પાછો વાળી નેમિકુમાર પોતાના આવાસે આવ્યા. તે જ સમયે દેવોએ આવી પોતાના આચાર મુજબ પ્રભુને ગૃહસ્થાશ્રમ ત્યાગી જગકલ્યાણ અર્થે દીક્ષા લેવા વિનંતી કરી. પ્રભુએ વરસીદાન આપી એક હજાર રાજા સાથે દીક્ષા લીધી.

 

આ બાજુ રાજેમતીને પણ વૈરાગ્ય જાગ્યો હતો. તેઓ પણ નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા લઈ આત્મકલ્યાણના માર્ગે વળ્યા.

 

અનેક દુષ્કર તપ કરી નેમિનાથ પ્રભુ ગિરનાર પર્વત પર પધાર્યા. ત્યાં પ્રભુને કેવળજ્ઞાન થયું. અનેક ભવ્ય જીવો પ્રભુનો પ્રતિબોધ પામ્યા. વિહાર કરતા કરતા પ્રભુ પોતાનો આયુષ્યકાળ પૂર્ણ કરી ગિરનાર પર્વત પરથી મોક્ષે પધાર્યા.